ગાંધીનગર એલસીબીની પીઆઇ એચ.પી.પરમારની ટીમના પીએસઆઇ ડી.ડી.ચાવડા તેમની ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પીઆઇને બાતમી મળી હતી કે, ચંદ્રાલા પાસે એક આઇશર ગાડીમાં દારુ ભરવામાં આવ્યો છે પોલીસે ચંદ્રાલા પાસે આવેલા એક ઢાબા ઉપર પહોંચી આઇશર ગાડીની શોધખોળ કરી હતી. તે સમયે આઇશર નંબર જીજે 07 ટીયુ 1882નો ચાલક કેબીનનો ભાગ ખોલી તેમાં તપાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન પોલીસે ચાલક લાલુરામ વિજયરામ મીણા (રહે, ચણાવદા, ઉદેપુર, રાજસ્થાન)ને ગાડીમાં ભરવામાં આવેલા સામાન બાબતે પૂછપરછ કરી હતી. પોલીસે કન્ટેનરમાં લગાવેલુ સીલ ખોલી તપાસ કરતા પોલીસની આંખો પહોંળી થઇ ગઇ હતી.
આઇશરમાં મોટા પ્રમાણમાં બોક્સ જોવા મળ્યા હતા. જેની તપાસ કરતા અંદરની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુ અને બિયરના ટીન મળી કુલ 9549 બોટલ કિંમત 14,06,120 મળી આવી હતી. જેથી પાલીસે આરોપીની ધરપકડ કરી હતી અને દારુ, આઇશર ગાડી, મોબાઇલ ફોન સહિત 19,10,120 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ દહેગામ પીએસઆઇને સોંપવામાં આવી હતી. વિદેશી દારુનો જથ્થો ઉદેપુરના રાજુ નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો અને કહ્યુ હતુ કે, અમદાવાદ પહોંચી મને ફોન કરજે, હુ કહુ ત્યાં ઉતારવાનો રહેશે. પરંતુ દારુ અમદાવાદમાં ઉતરે તે પહેલા પોલીસે ઝડપી લીધો હતો.