ફિલ્મી સ્ટાઈલમાં છેતરપિંડી:કેનેડા રહેતાં ભત્રીજાને રૂપિયાની અવેજીમાં કેનેડિયન ડોલર આપવાના બહાને માણસાનાં ખેડૂત સાથે 23.81 લાખની છેતરપિંડી

Views 63

હિંદી ફિલ્મમાં રૂપિયાની ચલણી નોટ બતાવીને પૈસાની હેરફેર કરવામાં આવતી હોવાનું ઘણી વખત આપણે જોયું છે. પરંતુ રિયલ લાઈફમાં પણ માણસાનાં ખેડૂત સાથે આજ રીતે છેતરપિંડી થયાની ફરિયાદ માણસા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. કેનેડામાં રહેતાં ભત્રીજાને ધંધાર્થે કેનેડિયન ડોલર આપવાનો વાયદો કરીને ચીટરોએ નક્કી થયાં મુજબ સુરતની આંગડીયા પેઢીમાં ચોક્કસ સિરિયલ નંબર વાળી રૂ. 20 ની નોટ બતાવીને રૂ. 23.81 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે.

માણસા તાલુકાના પટેલ પાર્ક સોસાયટી મંડાલી(વિહાર) માં રહેતા ખેડૂત મહેશભાઈ સોમાભાઈ પટેલનો ભત્રીજો હાર્દીકકુમાર સુરેશભાઈ પટેલ હાલ કેનેડા ખાતે રહે છે. ગત 26 મી જાન્યુઆરીએ તેમની દીકરીના લગ્ન પ્રસંગે હાર્દિક ઈન્ડિયા આવ્યો હતો. તે વખતે તેણે કેનેડામાં ધંધો શરૂ કરવા માટે પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું. આથી તેના પિતા સુરેશભાઈ જમીન વેચીને પણ પૈસા આપવાની વાત કરી હતી.

ત્યારે હાર્દિકે 13મી ફેબ્રુઆરીએ મહેશભાઈને કહ્યું હતું કે કેનેડા ખાતે ઇન્ડીયાનું ફેસબુક એડમન્ટન કોમ્યુનિકેશન પૅજ ગ્રુપ ચાલે છે. જેમાં બે વર્ષથી મેમ્બર છે. આ ગ્રુપમા અવાર નવાર પૈસાની લેવડ-દેવડની વાતો થતી હોય છે. અને મને કેનેડા ખાતે પૈસાની જરૂરીયાત હોવાથી ગ્રુપમાં મેસેજ કરેલો કે કોઈને ઈન્ડિયામાં પૈસાની જરૂર હોય મને જાણ કરવી. આથી ગ્રુપમાં રીંકલ પટેલ નામનુ ફેસબુક એકાઉન્ટ તેમજ નામ ધરાવતા વ્યક્તીએ મેસેજ કરીને ઈન્ડિયામાં પૈસા મોકલવાનાં છે. જે પૈસા કેનેડિયન ડોલરમાં ફેરબદલ કરીને કેનેડામાં હાર્દિકને આપવાની વાત કરેલી. આથી મહેશભાઈ પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા હતા.

બાદમાં રીંકલ પટેલે નંબર આપીને તેના પતિ વીતુલ સાથે વાત કરવા કહ્યું હતું. જે નંબર પર વાત કરતાં તેણે ઈન્ડિયામાં રૂ. 23.81 લાખ મોકલવા માટે સુરતમાં રહેતા સગા કૌશીક્ભાઇ રામજીભાઇ શેલડીયાનો સંપર્ક કરાવ્યો હતો. જો કે હાર્દિકે કૌશીક્ભાઇની ઓળખ કનફર્મ કરવા સિરિયલ નંબર વાળી રૂ. 20 ની નોટનો ફોટો પાડીને રીંકલનાં પતિ વીતુલને વોટ્સઅપ કર્યો હતો. અને રૂપિયા કઈ જગ્યાએ જોઈએ તેમ પૂછ્યું હતું. જેથી ભટાર(સુરત) ખાતે પૈસા જોઈતા હોવાની કહ્યું હતું.

આમ નક્કી થયા મુજબ મહેશભાઈ અને હાર્દિકે કુકરવાડા ખાતે આર. કે. આંગડીયા મારફતે રૂ. 23.81 લાખ સુરત મોકલ્યા હતા. અને ચોક્કસ સિરિયલ નંબર વાળી રૂ. 20 ની નોટ બતાવીને કૌશીક પટેલ રૂપિયા લઈ આવ્યો હતો. જે રૂપિયા મળી ગયાનું વિતુલે ફોન ઉપર જાણ પણ કરી હતી. આમ ફિલ્મી સ્ટાઈલમાં પૈસાની લેવડદેવડ પછી હાર્દિકનાં કેનેડાના બેંક એકાઉન્ટમાં ડોલર જમા થયા ન હતા. જે પછી હાર્દિક કેનેડા જતો રહ્યો હતો. જ્યાં વીતુલ અને કૌશીક સાથે સંપર્ક કરવા વારંવાર ફોન કર્યા હતા. પણ બંનેના મોબાઇલ બંધ થઈ ગયા હતા. આથી હાર્દિકને ખ્યાલ આવી ગયેલો કે છેતરપિંડી થઈ છે. પરંતુ આ વાતની જાણ તેણે પરિવારને કરી ન હતી.

ત્યારે હાર્દિકના પિતા સુરેશભાઈને તા. 4 માર્ચે સુરત વરાછા પોલીસ સ્ટેશનથી ફોન આવેલો કે કૌશીકભાઇ પટેલ અહીયા છેતરપિંડીના ગુનામા પકડાયેલ છે. જેણે તમારી સાથે પણ છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. ત્યારે જઈને પરિવારને માલુમ પડેલું કે રૂ. 23.81 લાખની અવેજીમાં કેનેડિયન ડોલર હાર્દિકને મળ્યા જ નથી. જે અંગે હાર્દિક સાથે વાતચીત થતાં આખરે મહેશભાઈએ માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *