ગોંડલ રોડ ચોકડી એક વર્ષ માટે બંધ:સોમનાથ, પોરબંદર તરફ જતા ભારે વાહનો કોરાટ ચોકથી ડાબી બાજુ વળી યૂ-ટર્ન લઈ ગોંડલ જઈ શકશે

Views 196

30-09-2022 સુધી જામનગર રોડથી કોરાટ ચોક સુધીના 20 કિલોમીટરના વિસ્તારમાં ભારે વાહનોનો સર્જાશે ટ્રાફિકજામ

રૂરલ એસપીના અભિપ્રાય બાદ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે કરેલી ચર્ચાના અંતે કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા મુજબ જો અમલ કરાવાયો હોત તો પારડી પાસેના પુલમાં 2.8 મીટરથી ઊંચા વાહનો ફસાઈ જાત અને મહાભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાત.

રાજકોટની ભાગોળે ગોંડલ રોડ ચોકડીએ ઓવરબ્રિજ બનવાનો હોવાથી શનિવારની રાત્રે 12 વાગ્યાથી આ ચોકડી બંધ કરી દેવામાં આવી છે. કાર અને ભારે વાહનોને અલગ અલગ રસ્તા પરથી અવર-જવર કરવા સૂચના આપવામાં આવી છે અને તેના માટે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

નેશનલ હાઈવે ઓથોરિટીએ રિંગ રોડ-2ના છેવાડે ગોંડલ હાઈવે પર કોરાટ ચોક પાસે ભારે વાહનો પસાર ન થઈ શકે તે માટે બેરિકેડ પણ લગાવી દીધા છે. શનિવારે બપોરે 1 વાગ્યાથી જ ગોંડલ તરફથી આવતા ભારે વાહનોને પ્રવેશ બંધી લાગુ કરી દેવાઈ હતી આથી રિંગ રોડ-2 પર છેક જામનગર રોડ, માધાપર ચોકડી, મોરબી રોડ ચોકડી અને માલિયાસણ ચોકડી પર ભારે ટ્રાફિક જામ થયો હતો. રિંગ રોડ-2થી જે વાહનચાલકોને ગોંડલ તરફ જવું હોય તેઓને રિંગ રોડ-2ના છેલ્લા પોઇન્ટ પર આવેલા કોરાટ ચોકથી ડાબી બાજુ વળી ખોડિયાર પોલીસ ચોકી પાસેથી યૂ ટર્ન લઇ આગળ વધવું પડશે.

જિલ્લા કલેક્ટરે બે દિવસ પહેલા જ ગોંડલ રોડ ચોકડીનો રસ્તો ગોંડલ તરફથી આવતા વાહનો માટે બંધ કરી દેવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું તેમાં એવો ઉલ્લખે કરવામાં આવ્યો હતો કે, ગોંડલ તરફથી આવતા ભારે વાહનોએ રિંગ રોડ-2 પરથી ડાબી બાજુ વળવાનું રહેશે જ્યારે અન્ય વાહનોએ ખોડિયાર ચોકીથી પુનિતનગર રોડથી 150 ફૂટ રિંગ રોડ બીઆરટીએસ સુધી જઈ શકશે. રિંગ રોડ-2થી ગોંડલ તરફ જવું હોય તો પારડી પાસેના ઓવરબ્રિજની નીચે થઈને જવું પડે છે પરંતુ આ પુલની ઊંચાઈ માત્ર 2.8 મીટર જ છે આથી તેનાથી ઊંચા વાહન એટલે કે ભારે વાહન ત્યાં ફસાઈ જાય અને ટ્રાફિક જામ થઈ જાય.

આ બાબતે જિલ્લા પોલીસવડા, નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ કલેક્ટરનું દિવ્ય ભાસ્કરે ધ્યાન દોર્યા બાદ શનિવાર ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી અને તેમાં એવો નિર્ણય કરાયો કે રિંગ રોડ-2 પરથી આવતા વાહનચાલકોને ગોંડલ તરફ જવું હોય તો તેઓએ કોરાટ ચોકથી ડાબી બાજુ વળી ખોડિયાર પોલીસ ચોકી પાસેથી યૂ ટર્ન લઈને ગોંડલ તરફ જઈ શકાશે. આ માટે ખોડિયાર પોલીસ ચોકી સામેનો સર્વિસ રોડ અને 4 ટ્રેક પરનું વચ્ચેનું ડિવાઈડર પણ મોડી રાત સુધીમાં તોડી પાડવામાં આવ્યું હતું.

હાઇ-વે 10 કલાક વહેલો બંધ કરાયો
કલેક્ટરના જાહેરનામા મુજબ ગોંડલ તરફથી આવતા ભારે વાહનો માટે રિંગરોડ-2 પાસેનો કોરાટ ચોક શનિવારે રાત્રે 12 વાગ્યે બંધ કરવાનો હતો. જો કે NHAIના કોન્ટ્રાક્ટરે શનિવારે બપોરે બે વાગ્યે જ બેરીકેડ લગાવી હાઇ-વે બંધ કરી દીધો હતો.

અમદાવાદ જતાં ભારે વાહનોને 15 કિલોમીટર વધુ ફરવું પડશે
ગોંડલ ચોકડીથી અમદાવાદ જતા વાહનોને માલિયાસણ સુધીનું અંતર 16 કિ.મી. થાય છે પણ આ હાઈવે બંધ થતા ભારે વાહનોને હવે રિંગ રોડ-2થી જામનગર રોડ અને ત્યાંથી માધાપર ચોકડીથી માલિયાસણ જવાનું રહેશે જે અંતર હવે 36 કિ.મી. થશે. જ્યારે ગોંડલ તરફથી આવતા વાહનો આજી ડેમ ચોકડીથી ભાવનગર તરફ જતા હતા પણ હવે જો તેઓને રિંગરોડ-2થી ભાવનગર જવું હોય તો માલિયાસણ જઈને પરત યાર્ડ આવવું પડે જેમાં 53 કિ.મી.નું અંતર થાય.

આટલું જ નહિ શાપર અને રાજકોટ શહેર વચ્ચે આવન જાવન કરતા નોકરિયાતો કારખાનેદાર પહેલા ગોંડલ ચોકડીથી પુનિતનગરના ટાંકા પાસે બીઆરટીએસ સ્ટોપ માત્ર 800 મીટરના અંતરે હતો હવે જો શાપરથી તેઓને આ જ ચોકમાં આવવું હશે તો ખોડિયાર ચોકીથી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ફરવું પડશે.

ઓવરબ્રિજને કારણે ગોંડલ તરફથી આવતી-જતી બસ 9.60 કિલોમીટર ફરીને ચાલશે
ગોંડલ રોડ ખાતે બનનારા ઓવરબ્રિજને કારણે ગોંડલ રૂટની આવતી-જતી બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેને કારણે આવતા- જતા બન્ને વખત મળીને અંદાજિત 9.60 કિલોમીટર ફરીને ચાલશે. આ અંતર ઘટે તે માટે રૂટ સરવે ચાલુ છે. રૂટ સરવે પૂરો થયા બાદ ફાઈનલ રૂટ નક્કી કરાશે અને ત્યારબાદ જ એસ.ટી બસના ભાડા વધારા અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.

રાજકોટ એસટી ડિવિઝનના નિયામક વડા જે.બી.કળોતરાએ જણાવ્યું હતું કે, જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તે કામચલાઉ છે. ઓવરબ્રિજની કામગીરીને કારણે માત્ર ગોંડલ તરફના રોડથી રાજકોટ આવતી જતી વખતે હવે એસટી બસ આ મુજબના રૂટ પર ચાલશે. જેમાં પારડી ગામ પુલ પછી રિંગ રોડ- 2 ઉપર થઈને, આશરે 4 કિલોમીટર એ જ રોડ ઉપર, ટીલાળા ચોક આવે ત્યાંથી જમણી સાઈડ રોડ તરફથી થઈ વાગડ ચોક પછી સાવન બંગ્લોઝ ચોકથી જમણી તરફ વાહન વાળી, રામધણ થઇ, બાપા સીતારામ ચોકથી જમણી તરફ આશરે- 1 કિલોમીટર આગળ જઇ, આનંદ બંગલા ચોકથી જમણી તરફ વાહન વાળી, સ્વામિનારાયણ ચોકથી ડાબી સાઇડ પી.ડી.માલવિયા કોલેજથી બસપોર્ટે આવવાનું રહેશે. ડાઇવર્ટ રૂટ હાલ પૂરતો 9.60 કિ.મી. પ્રતિ ટ્રિપ વધી જશે.

આ રીતે ટ્રાફિકથી બચાશે
ટીલાળા ચોકથી જમણી બાજુ વળી રાવકી થઇ રીબડાથી ગોંડલ જઇ શકાય

જે વાહનો રિંગ રોડ-2થી ગોંડલ જતા હોય તેવા કાર અને બાઈકચાલકોએ ટીલાળા ચોકથી જમણી બાજુ વળીને પાળ, રાવકી અને માખાવડ પહોંચવું. ત્યાંથી ડાબી બાજુ વળીને રીબડા ગામ પહોંચતા ગોંડલ રોડ હાઈવે પર પહોંચી શકાશે. આ કારણે ગોંડલ રોડ અને રિંગ રોડ-2ના જંક્શન પર થતા ભારે વાહનોના ટ્રાફિક જામથી બચી શકાશે અને અકસ્માતનો પણ ભય નહિ રહે. હાલ માત્ર એક તરફનો રસ્તો બંધ છે, એક મહિના બાદ ગોંડલ ચોકડીથી ગોંડલ જતો હાઈવે પણ બંધ થશે ત્યારે આ જ માર્ગ ઉત્તમ રહેશે.

ભાસ્કર સાથે વાતચીત બાદ ડિવાઇડર તોડાયું
 

જાહેરનામા મુજબ હાઈવે પર ગોંડલથી આવતા વાહનો માટે રસ્તો બંધ કરાયો છે તે ભારે વાહનો આગળ ન જાય તે માટે ઊંચાઈની મર્યાદાવાળા એંગલ પણ લાગી ગયા હતા. જોકે રિંગ રોડ-2થી ગોંડલ તરફ જતા વાહનો માટે વિચારાયું ન હતું. આ વાહનોને સર્વિસ રોડથી હાઈવે પર રોંગ સાઈડમાં જઈને પારડીના સાંકડા પુલથી પસાર થવાનું હતું. આ કારણે ટ્રાફિક જામ થાય અને લોકોને પરેશાનીમાં મુકાવું પડે તેવી સ્થિતિ હતી. આથી ભાસ્કરે અધિકારીઓ સાથે વાત કરી તેમજ સ્થળ તપાસ કરી તમામ મુદ્દાઓ આપતા આખરે ખોડિયાર હોટેલથી યૂ ટર્ન માટે હાઈવેના ડિવાઈડર તોડવા નિર્ણય લેવાયો હતો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *