ગુપ્તાંગ કપાયેલી લાશ મળી, મહિના સુધી જામનગર પોલીસ ગોથે ચડી, હત્યારો પાડોશી જ નીકળ્યો

Views 134

અંદાજે સવા મહિના પહેલાં જામનગર પાસેના ગામમાં ‘ક્રાઈમ પેટ્રોલ’ સિરિયલને પણ ટક્કર મારે એવો રિયલ કિસ્સો સામે આવ્યો હતો. ગામના ખેતરમાંથી 12 વર્ષના એક તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશની હાલત જોઈને પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ ગઈ હતી. લોહી નીતરતી લાશમાંથી ગુપ્તાંગ કાપી થોડે દૂર ફેંકી દેવાયું હતું. માથામાં બંને તરફ ધારિયાના ઘા મરેલા હતા. આ જઘન્ય અપરાધમાં આરોપીએ પોલીસને ગોથે ચડાવવા જબ્બરની ચાલાકી વાપરી હતી. જોકે જામનગર પોલીસે પણ ગુનેગારને પકડવા માટે રાત-દિવસ એક કર્યા હતા. અંદાજે સવા મહિનાની મહેનત પછી પોલીસને આ કેસમાં સફળતા મળી હતી

જામનગરથી 26 કિમી દૂર પસાયા બેરાજા નામનું ગામ છે. અહીં મૂળ મધ્યપ્રદેશના કાળુભાઇ ડામોર નામના ખેડૂત પોતાના પરિવાર સાથે છેલ્લાં 6 વર્ષથી રહેતા. તેઓ ગામના પટેલની વાડીમાં ભાગ રાખીને ખેતીકામ કરતા હતા. કાળુભાઈ ડામોરના પરિવારમાં પત્ની, 3 દીકરી અને 2 દીકરા હતાં. જેમાંથી એક પંકજ નામનો 12 વર્ષનો દીકરો પણ હતો. હાલમાં કપાસની રૂ ઉતારવાની સિઝન ચાલુ હોવાથી તેમણે પોતાનાં બહેન-બનેવી, સાળા-સાળી અને તેમનાં સંતાનોને પણ ખેતરે બોલાવી લીધાં હતાં. આશરે 15થી વધુ લોકો ખેતરમાં રહીને કામ કરતા હતા. દરમિયાન 6 ડિસેમ્બર 2022ના રોજ રાત્રે 8 વાગ્યે જમવાના સમયે દીકરો પંકજ ઘરે ન આવતા પિતાને ચિંતા થઈ. તેમણે પંકજની શોધ આદરી પણ ન મળ્યો. બીજા દિવસે સવારે ઊઠી ફરી શોધ કરી. અચાનક કોઈએ તેમને સમાચાર આપ્યા કે તેમના ખેતરથી દૂર કોઈ બાળકની લાશ મળી છે. આથી કાળુભાઈ દોડતાં-દોડતાં પહોંચ્યા અને જોયું તો ખેતરમાં તેમના દીકરા પંકજની જ લાશ પડી હતી. પંકજના માથામાં બંને તરફ ઘા મરેલા હતા ઉપરાંત તેનું ગુપ્તાંગ પણ કાપીને નજીકમાં ફેંકી દીધું હતું. દીકરાના મોતથી કાળુભાઈ ભાંગી પડ્યા. વિકૃત લાશ મળી આવતા જામનગર પોલીસ પણ દોડતી થઈ. આ ચકચારી ઘટનામાં જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ સક્રિય થઈ.

સાત વાગ્યે પંકજ ક્યાં ગુમ થઈ ગયો?
આ અંગે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે વી ચૌધરીએ જણાવ્યું કે પંકજ નામનો 12 વર્ષનો છોકરો હતો. એના પિતા કાળુભાઈએ ખેતરમાં ભાગ રાખ્યો છે. એ ઘટનાના દિવસે સાંજે 7 વાગ્યે વાડીએથી ક્યાંક નીકળી ગયો હતો. પિતા કાળુભાઈએ ઘણી શોધખોળ કરી છતાં કંઈ મળ્યું નહોતું. બીજા દિવસે સવારે પંકજની લાશ મળી આવી હતી. લાશ પર ધારિયું હતું. જેનાથી એના માથાના પાછળ ઘા મરેલા હતા. હત્યાની તપાસ શરૂ કરી ત્યારે કોઈ કડી મળતી નહોતી. મૃતક પંકજના પિતા કાળુભાઈએ પણ કોઈ સામે શંકા વ્યક્ત કરી નહોતી. કારણ કે એમને કોઇની સાથે અણબનાવ કે ઝઘડો નહોતો.

શરૂઆતમાં પોલીસ પણ અટવાઈ
પીઆઈ જે વી ચૌધરીએ જણાવ્યું કે કેસની શરૂઆતમાં જ તપાસ બ્લેન્ક થઈ ગઈ હતી, કારણ કે એના ઘરના વ્યક્તિઓ એ જ કહી દીધું હતું કે અમારી કોઇની સાથે કોઈ દુશ્મની નથી. અમારી ત્રણ દીકરીઓ છે જેમને પણ કોઈ પ્રેમસંબંધ હોવાનું અમારા ધ્યાનમાં નથી, જેના કારણે આવો કોઈ બનાવ બને. સામાન્ય રીતે હત્યાનો ગુનો હોય તો જર, જમીન અને જોરુ એમ ત્રણ વસ્તુ માટે બનતો હોય છે. પરંતુ આ લોકો પાસે મિલકત નહોતી, જમીન પણ નહોતી. એટલે સ્ત્રીનો એંગલ બચે છે પરંતુ મૃતક છોકરો પણ 12 વર્ષનો હતો. એટલે એનું પર્સનલ પ્રેમ પ્રકરણ પણ ન હોય. એટલે શંકા એવી જતી હતી કે એના ઘરના કોઈ મહિલા કે આસપાસની કોઈ મહિલાનું પ્રેમ પ્રકરણ હોય એ જાણી ગયો હોય એવું બને. પરંતુ અમે ટીમવર્કથી કામ કર્યું એમાં સફળતા મળી ગઈ.

પ્રેમ પ્રકરણ જ બહાર આવ્યું
પીઆઈ જે વી ચૌધરીએ જણાવ્યું કે અમે સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન પંકજની મોટીબેનનું પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનું અમારા ધ્યાને આવ્યું હતું. જેમાં વધુ ડિટેલમાં તપાસ કરતાં દિવ્યેશ વાખલા નામના છોકરા સાથે તેનું પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. દિવ્યેશનો ભાઈ જયપાલ અને પંકજ સાથે ભણતા હતા. દરમિયાન પંકજને તેની બહેન અને દિવ્યેશના પ્રેમ પ્રકરણ અંગે જાણ થઈ હતી. એટલે તેણે જયપાલને કહ્યું હતું કે તારો ભાઈ દિવ્યેશ મારી બહેનને હેરાન કરે છે. એ હું મારા ઘરે કહી દેવાનો છું.

બાજુની વાડીવાળો હેમંત ફરાર હતો
પીઆઈએ કહ્યું કે, આ પ્રેમ પ્રકરણની ખરાઈ માટે અમે દિવ્યેશને બોલાવ્યો હતો. એ દરમિયાન તેના પિતા હેમંત વાખલા ઘરેથી ફરાર થઈ ગયા હતા. જે બાજુની વાડીમાં જ રહે છે. અમે એને પણ શોધીને પકડી લાવ્યા હતા. જેની કડક પૂછપરછમાં આ હત્યા કેસ ઉકેલાઈ ગયો હતો.

પંકજ મધ પાડવા ગયો ને..
પોલીસે ઉમેર્યું કે પંકજ નાનો છોકરો હતો. એ 6 ડિસેમ્બરની સાંજે વાડીનું કામ પતાવી મધ પાડવા નીકળ્યો હતો. રાત્રે પંકજને એકલો જોઈને હેમંતના મનમાં ખતરનાક આકાર લીધો હતો. હેમંત વસાવાએ પંકજને ‘હું તને મધ પાડી આપું’ એમ કહીને તેના હાથમાંથી ધારિયું લઈ લીધું હતું. પંકજ આગળ ચાલતો હતો અને હેમંત વસાવા પાછળ હતો. મોકો જોઈને હેમંતે પંકજની ગરદન પર ધારિયાનો જોરદાર વાર કર્યો હતો. લોહી નીતરતો પંકજ ત્યાં જ ઢળી પડ્યો હતો. એટલું જ નહીં હેમંતે પોલીસ સહિત બધાનું ધ્યાન ભટકાવવા માટે પંકજનું ગુપ્તાંગ કાપી થોડે દૂર ફેંકી દીધું. જઘન્ય હત્યા કર્યા બાદ ધારિયું ત્યાં છોડીને હેમંત ભાગી ગયો હતો.

પૈસા ન આપવા પડે એટલે
પોલીસની પૂછપરછમાં હત્યાનું કારણ જણાવતા હેમંત વાખલાએ કબૂલ્યું હતું કે પંકજની બહેનનું મારા દીકરા દિવ્યેશ સાથે અફેર ચાલતું હતું. અમે બંને એક જ સમાજમાંથી હતાં. અમારા સમાજમાં પ્રેમ પ્રકરણની જાણ થાય તો અમારે છોકરીના પરિવારને પૈસા દેવા પડે છે. આ પૈસા ન દેવા પડે એટલા માટે મેં પંકજને મારી નાખ્યો.

હેમંત ફરાર થઈને કોને ત્યાં રોકાયો?
પોલીસે ઉમેર્યું કે મર્ડર કર્યા બાદ હેમંત વસાવા જ્યાં જ્યાં ગયો હતો ત્યાં અમે એને ટ્રેક કર્યો હતો. જેમાં એનો એક સાઢુ ભીમસિંઘ ધોરાજી નજીક રહેતો હતો. હેમંત એના ત્યાં જઈને રોકાયો હતો. ભીમસિંઘે અમને એવું જણાવ્યું હતું કે રાત્રે હેમંત અમારા ઘર આવ્યો હતો અને જમીને સૂઈ ગયો હતો. સવારે ઊઠ્યો ત્યારે ઘણો અપસેટ લાગતો હતો. મેં એને પૂછ્યું કે શું થયું? કેમ આટલા બધા ગભરાયેલા લાગો છો? ત્યારે એણે ભીમસિંઘને સમગ્ર ઘટના અને તેનું કારણ જણાવ્યું હતું. જેથી ભીમસિંઘે તેને પોતાના ઘરેથી જતાં રહેવા કહ્યું હતું. એટલે તે ત્યાંથી જતો રહ્યો હતો. એ રીતે પુરાવાની કડી મળી ગઈ હતી. એ પછી આ ગુનાના કામે તેની અટક કરવામાં આવી હતી.

બહેને કહ્યું- દિવ્યેશ મને હેરાન કરતો
પોલીસે કહ્યું કે પ્રેમ પ્રકરણ અંગે જ્યારે અમે મૃતક પંકજની બહેનની પૂછપરછ કરી તો તેણે કહ્યું હતું કે હા, મારે સંબંધ હતો. પણ પછી બ્રેક અપ થઈ ગયું હતું. એ પછી એ મને હેરાન કરીને સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો. ઉલ્લેખનીય છે કે પંકજ સાતમા ધોરણમાં ભણતો હતો. તેની બહેન આઠમા ધોરણમાં ભણતી હતી. જ્યારે દિવ્યેશ 17 વર્ષનો છે. એક વાડી છોડીને બંનેની વાડી હતી.

એક ‘પ્રથા’એ ભોગ લીધો
એમપી અને દાહોદમાં આ પ્રથા ચાલે છે. પ્રેમ પ્રકરણ અંગે જો બધાને ખબર પડે તો અમારી આબરૂ કાઢી એમ કહીને છોકરીવાળા સમાજ ભેગો કરે છે, અને સામાજિક રીતે છોકરાવાળાએ રૂપિયા ભરવા પડે છે. એ તોડથી બચવા માટે હેમંતે આ પગલું ભર્યું હતું. એમપી અને દાહોદમાં આ પ્રથા ચાલે છે.

હેમંત હાર્ડકોર ક્રિમિનલ: બે અન્ય કેસ ઉકેલાયા
આ કેસની તપાસમાં હેમંત અપ્પુભાઈ વાખલા હાર્ડકોર ક્રિમિનલ હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે પોલીસે અન્ય બે કેસ પણ ઉકેલી લીધા હતા. હેમંતનો આ પહેલો ગુનો નહોતો. તેણે અગાઉ લૂંટ વિથ મર્ડરના કેસમાં મહિલાને માથામાં માર્યું હતું અને પછી કાન કાપીને બુટ્ટી લૂંટીને ભાગી ગયો હતો. મહિલા જીવે છે કે મરી ગઈ છે એ જોવાની તસ્દી પણ નહોતી લીધી. આ સિવાય પણ અન્ય એક લૂંટ વિથ મર્ડરના કેસમાં પણ તે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરાર હતો. હેમંતના પરિવારમાં પોતે, તેની પત્ની અને તેના ચાર દીકરા છે. એમાં દિવ્યેશ ત્રીજા નંબરનો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *