ગાંધીનગર કોબાના જમીન દલાલને રાંદેસણની જમીનનો બાનાખત કરી આપી દહેગામના શખ્સે 3.20 કરોડ ખંખેર્યા

Views 116

ગાંધીનગરના કોબાનાં જમીન દલાલને રાંદેસણ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 209/4 વાળી જમીનનો બાનાખત કરી આપી દહેગામના ઈસમે વિશ્વાસ કેળવી રૂ. 3.20 કરોડ લઈને બારોબાર સદર જમીનનો વેચાણ દસ્તાવેજ રઘુવીર બિલ્ડકોનની ભાગીદારી પેઢીના નામે કરી દઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. જે મામલે જમીન દલાલે જિલ્લા જમીન તકેદારી સમિતિમાં ફરિયાદ કરતાં કલેક્ટરનાં હુકમથી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના કોબા નંદનવન બંગલોમાં રહેતા જમીન દલાલ નવીનચંદ્ર પ્રભુદાસ પટેલ મૂળ માણસાનાં રામપુરા ગામના વતની છે. જેમના બંને દીકરા અમેરિકામાં સ્થાયી થયા હોવાથી નવીનચંદ્ર પણ અવારનવાર ત્યાં જતાં આવતાં રહે છે. વર્ષ – 2019 માં તેમને જમીન લેવાની હોવાથી કોબા મહાવીર ફ્લેટમાં ઓફિસ ચલાવતા અન્ય જમીન દલાલ મહેન્દ્રભાઈ ડી પ્રજાપતિ અને કરણ ભરવાડને વાત કરી હતી. જેઓએ નવીનચંદ્રની દહેગામના ખારાકુવાનો ખાંચો ખાતે રહેતાં હર્ષ ધીરુભાઈ શાહ સાથે ઓળખાણ કરાવી હતી.

જેણે રાયસણ ગામની સીમના ખાતાં નંબર 1296, સર્વે નં.209/4 વાળી જમીન બતાવી ખેડૂતોએ પોતાને પાવર કરી આપ્યો હોવાની વાત કરી હતી. ત્યારે આ જમીનનો પાવર ઓફ એટર્ની જોઈને રૂ. 2 કરોડ 70 લાખમાં નવીનચંદ્રએ સોદો નક્કી કર્યો હતો. જ્યારે જમીનને જુની શરતમાં કરવાના પ્રિમિયમનો ખર્ચ રૂ.1.50 કરોડ પણ નવીનચંદ્ર ભરે પછી જ દસ્તાવેજ કરી આપવાનો હર્ષ શાહે વિશ્વાસ આપ્યો હતો. ઉપરાંત ખેડૂતોને આપવાના દોઢ કરોડ નવીનચંદ્રએ ભોગવવાના હતા.

બાદમાં તેઓએ રૂ. 8 લાખ રોકડા આપતાં હર્ષ શાહે જનરલ પાવર ઓફ એર્ટની આધારે રૂપીયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ બાનાખત કરી આપ્યો હતો. જે પછી બીજા 10 લાખ રોકડા અને બે લાખનો ચેક આપ્યો હતો. આ ઉપરાંત જમીનનું પ્રિમિયમ ભરવા અલગથી દોઢ કરોડ ચૂકવ્યા હતા.જે પછી જમીન જુની શરતમાં તબદીલ થઇ હતી. આમ ટુકડે ટુકડે નવીનચંદ્રએ હર્ષ શાહને રૂ. 3.20 કરોડ જમીન પેટે આપી દીધા હતા.

એ દરમ્યાન તેઓ અમેરિકા ગયા હતા. જ્યાંથી પરત ફરતાં હર્ષનો સંપર્ક કરી વેચાણ દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું. જેથી તેણે બહાના બતાવ્યા હતા.આથી નવીન ચંદ્રએ તપાસ કરતા માલુમ પડયું હતું કે ઉક્ત જમીનનો વેચાણ દસ્તાવેજ આ જમીનના માલિકોએ રઘુવીર બિલ્ડકોનની ભાગીદારી પેઢીને કરી દેવામાં આવ્યો છે.જે બાબતે મામલતદારને જાણ કરી વાંધા અરજી આપવા છતાં વેચાણ દસ્તાવેજની પ્રમાણિત નોંધ થઇ ગઈ હતી.આખરે પોતાની સાથે હર્ષ શાહે છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાં નવીનચંદ્રએ જમીન તકેદારી સમિતિમાં ફરિયાદ કરી હતી.જે તપાસના અંતે કલેકટરના હુકમથી ઈન્ફોસિટી પોલીસમાં હર્ષ શાહ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *