આહવા તા.૦૬ કોરોના વાઇરસના કારણે લોકડાઉન પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને અનાજ-કરિયાણાની જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ વિનામૂલ્યે આપવા માટે હોટલ એસોસિએશન,પેરાગ્લાઈડીંગ ટીમ અને સાપુતારા નોટીફાઈડ એરિયા તંત્ર વ્હારે આવ્યું હતું.
રાજ્યમાં એકમાત્ર ગિરિમથક ધરાવતા ડાંગ જિલ્લાનું સાપુતારા હાલ કોરોના વાઇરસ ઈફેક્ટને કારણે સંપૂર્ણ બંધ છે. ત્યારે હોટલ એસોસિએશન અને વહીવટી તંત્રનો ભાગ એવી નોટીફાઈડ એરિયા કચેરી દ્વારા ગરીબ અને નાના ધંધાર્થી લોકોને જીવન જરૂરિયાતની અનાજ-કરિયાણાની કીટ આપવામાં આવી હતી.
હોટલ એસોસિએશન સેક્રેટરી શ્રી તુકારામ કરડીલેએ જણાવ્યું હતું કે અહીં નવાગામ ખાતે રહેતા નાના ધંધાદારીઓ,લારી-ગલ્લાવાળા તથા ગરીબ અને જરૂરિયાતમંદ એવા લોકો કે જેમને અનાજ-કરિયાણાની આવશ્યકતા છે એવા ૨૦૦ લોકોને જુદા તારવીને આજરોજ અનાજકીટ આપવામાં આવી હતી. સાથે સાથે માલેગામ,બરડપાણી,જોગબારી જેવા ગામોના લોકોને પણ આવી કીટ આપવામાં આવી રહી છે.
નવાગામ ખાતે આજરોજ આપવામાં આવેલ અનાજ-કરિયાણાની કીટ એકમેકથી અંતર રાખવાના નિયમનું પાલન કી તમામ લોકોના ધરે-ધરે પહોંચાડવામાં આવી હતી. સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેનીટાઈઝેશન કરી નવાગામને સપૂંર્ણ સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. નવાગામ ખાતે મીડિયાના મિત્રોએ પણ સુંદર સહકાર આપી કીટ વિતરણ વ્યવસ્થાના સહભાગી બન્યા હતા.
પેરાગ્લાઇડીંગના પ્રમુખ હરિરામભાઇ સાવંત,રામચંદ્રભાઇ, નોટીફાઈડ એરિયાના નિ.નાયબ મામલતદાર ગાવિત સહિત નવાગામ યુવક મંડળના સભ્યોએ મદદ કરી સમગ્ર વિતરણ વ્યવસ્થાને સુચારૂ રીતે પાર પાડી હતી.
ગરવી ગુજરાત ની મહેંક: હોટલ એસોસિએશન,પેરાગ્લાઈડીંગ તેમજ નોટીફાઈડ એરિયા કચેરી દ્વારા નવાગામ,માલેગામ, જોગબારી, બરડપાણી ગામોના લોકોને અનાજ કીટ વિતરણ.
Views 71