ઈંગ્લેન્ડ વિજય માટે પ્રબળ દાવેદાર રહેશે
આકરી ગરમીનું પરિબળ બંને ટીમોને નડી શકે છે, ટોસ જીતીને બેટિંગના બદલે રનચેઝકરવાની રણનીતિ રહેશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર વિજય મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર જણાતી ઇંગ્લેન્ડની ટીમ સામે આઇસીસી ટી20 વર્લ્ડ કપના સુપર–12 તબક્કામાં બાંગ્લાદેશનો પડકાર રહેશે. ગ્રૂપ–1માં બપોરે 3:30 વાગ્યાથી રમાનારી આ મેચમાં ઇંગ્લેન્ડનું પલડું ભારે રહેશે પરંતુ બાંગ્લાદેશ પાસે ઉપખંડમાં રમવાનો વધારે અનુભવ છે જે તેને ઉપયોગી બનશે. સુકાની મોર્ગનના નેતૃત્વ હેઠળની ઇંગ્લિશ ટીમે પ્રથમ મેચમાં વિન્ડીઝને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરીને 8.2 ઓવરમાં વિજય હાંસલ કરી લીધો હતો. બપોરની મેચ હોવાના કારણે વન–ડે વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડને આકરી ગરમીનો સામનો કરવો પડશે. ભેજવાળા વાતાવરણમાં તાપમાન 32 ડિગ્રી કરતાં વધી જતું હોય છે.
અબુ ધાબીની પિચ સામાન્ય રીતે પેસ બોલર્સ માટે સ્વર્ગસમી હોવાના કારણે ઇંગ્લેન્ડ માટે રાહતની બાબત છે. આ સ્થિતિમાં મોર્ગન એક વધારાના બેટ્સમેનના બદલે માર્ક વૂડને રમાડી શકે છે. આ સેન્ટરમાં અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાં ટાર્ગેટને ચેઝ કરનાર ટીમ વિજય મેળવવામાં સફળ રહી છે. ઇંગ્લેન્ડની ટીમમાં પેસ બોલર જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ તથા સેમ કરન જેવા ખેલાડી નથી પરંતુ ઓલરાઉન્ડર મોઇન અલીએ તેમની ખોટ પૂરી દીધી છે. બાંગ્લાદેશની ટીમ ક્રિકેટની આ સૌથી નાની ફોર્મેટમાં પોતાનો રેકોર્ડ સુધારવા માગશે. 2007 બાદ બાંગ્લાદેશ અત્યાર સુધી સાત જ મેચ જીતી શકી છે જેમાં ટેસ્ટ રમતી એકમાત્ર વિન્ડીઝ સામે તેણે વિજય મેળવ્યો હતો. શ્રાીલંકા સામેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબનો પૂરેપૂરો ઉપયોગ કરી શકી નહોતી. બાંગ્લાદેશના બોલર્સ ફોર્મમાં હોવાના કારણે ઇંગ્લેન્ડના બેટ્સમેનોની કસોટી થશે.
