આપવીતી કહેતાં ભાઠા ગામની મહિલા રડી પડી:કહ્યું- બાળકો સાથે છ દિવસ ભૂખ્યાં ટળવળ્યાં, ઘર સાથે જીવનભરની પૂંજી તણાઈ ગઈ
- નવસારીના ભાઠામાં ભારે વરસાદને પગલે સ્થાનિકો 6 દિવસ સુધી ફસાયેલા હતા
- NDRFની ટીમે દેવદૂત બની તમામ લોકોનું રેસ્ક્યૂ કર્યું
‘અમે પાંચ-છ દિવસ ભૂખ્યા ટળવળ્યાં, કુદરતના કહેરમાં અમારા ઘર સાથે જીવનભરની પુંજી તણાઇ ગઇ, પણ અમે ભગવાન પાસે એક વસ્તું માંગી કે, હે ભગવાન અમને બચાવજે, અમારા બાળકોને બચાવજે.’આટલું બોલતા જ નવસારીના ભાઠા ગામની સ્થાનિક મહિલાના ગળામાં ડૂમો ભરાઇ ગયો. આંખોમાંથી આંસુ સાર્યા વગર કઇ બોલી ના શકી. ભાઠા ગામમાં છેલ્લા 6 દિવસથી લોકો ફસાયા હતા. જેઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ત્યારે વરસાદ વિરામ લેતા NDRFની ટીમે અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ગણદેવી તાલુકાના 37 ગામોમાં 150થી વધુ લોકોને અત્યાર સુધી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે. જોકે, ગણદેવી તાલુકાના કેટલાક ગામોમાં હજુ પણ લોકો ફસાયા છે જેનું રેસક્યૂ કરવામાં આવી રહ્યું છે.
*ભગવાનને પ્રાર્થના કરી કે અમને બચાવજોઃ સ્થાનિક
ગામમાં છેલ્લા 6 દિવસથી ફસાયેલા સ્થાનિકોએ આંખમાં આસું સાથે જણાવ્યું હતું કે, અમે પાંચ-છ દિવસથી ભોજન અને પાણી વગર રહેતા હતા. અમારા મકાનમાં ખુબ નુકસાન થયું છે. હાલ ખાલી એક જ મકાન રહ્યુ છે. અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે ભગવાન અમને બચાવજે.
*બાળકો, વૃદ્ધો સહિતનાઓ 6 દિવસથી ફસાયેલા હતા
NDRFની ટીમ દેવદૂત બનીને ગામમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ગામના લોકોને તંત્રએ અનેક વાર સમજાવ્યાં હોવા છતાં પણ લોકો પોતાના ઘરને છોડવા માંગતા ન હતા. જેને કારણે તેઓ ભોજન તેમજ પાણી વગર જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાતા રહેવા મજબૂર બન્યા હતા. બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ લોકો છેલ્લા 6 દિવસથી ફસાયા હતા. કેટલાય લોકો ઘરની છત પર ચડી ગયા હતા અને આ વરસાદી આફતના પાણી ઓશરે તેની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોએ તો બકરી અને મરઘીને બચાવવા માટે પણ ઘર છોડ્યું ન હતું. મોતનો ખતરો જણાતો હોવા છતાં લોકો ઘરે જ રહ્યા હતા.
*કેબિનેટ મંત્રીએ મુલાકાત લઈ રેસ્ક્યૂનું જાત નિરીક્ષણ કર્યું
ગણદેવીના ધારાસભ્ય અને પુરવઠા મંત્રી નરેશ પટેલે પણ ગણદેવીના ભાઠા ગામની મુલાકાત લીધી હતી. લોકોને સુરક્ષિત બહાર કાઢતી NDRFનો ઉત્સાહ વધારવા સાથે રેસક્યૂનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં પ્રથમવાર આટલો તીવ્ર વરસાદ ગણદેવીમાં પડતો જોયો છે. આવી વિકટ પરિસ્થિતિ ભૂતકાળમાં કોઈ દિવસ તાલુકાએ જોઈ નથી. જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ હતી જેથી પરિસ્થિતિ ખુબ ગંભીર હતી. જોકે, હાલ પરિસ્થિતિ હળવી થઈ રહી છે. NDRFની ટીમ દ્વારા લોકોનું સતત રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે.
*જિલ્લાની ત્રણેય નદીઓમાં ઘોડૂપૂર આવ્યાં હતા
નવસારી જિલ્લામાં એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંબિકા, પૂર્ણા કાવેરી ત્રણેય નદીમાં ઘોડાપૂર આવ્યાં હતા. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. જિલ્લાના ચીખલી ગણદેવી સહિતના વિસ્તારોમાં હજારો લોકો ફસાયા હતા. જેને NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યા હતા. જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. *નદીઓના જળસ્તરમાં હાલ ઘટાડો થતા રાહત
ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતૂર હેલિકોપ્ટરથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. કુલ 50થી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યાં હતા. નવસારી, ચીખલી અને ગણદેવી સહિતના તાલુકામાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. NDRPની ટીમે સતત કામગીરી કરી હજારો લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. જિલ્લામાં ખાસ કરીને કાવેરી નદી, પૂર્ણા નદી અને અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, હાલ વરસાદમાં ઘટાડો થયો છે, તેમજ નદીઓના જળસ્તરમાં પણ ઘટાડો થયો છે. જેથી તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
*નવસારી જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ
ચોમાસાના પ્રથમ રાઉન્ડમાંજ નવસારી જિલ્લામાં સિઝનનો 75.63 ટકા એટલે કે 55 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તાલુકાવાર જોઇએ તો ચીખલીમાં 56 ઇંચ, ગણદેવીમાં 46 ઇંચ, જલાલપોરમાં 41 ઇંચ, ખેરગામમાં 67 ઇંચ, નવસારીમાં 47 ઇંચ અને વાંસદામાં 71 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
*40 હજાર લોકો અસરગ્રસ્ત થયા
નવસારીમાં અંબિકા, પૂર્ણા કાવેરી ત્રણેય નદીમાં ઘોડાપૂર આવ્યાં છે, જેથી શહેરમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ચીખલી નજીક કાવેરી નદીના પાણી ફરી વળતાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં પૂરથી 40 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. 14,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. NDRFની ટીમે જિલ્લામાં કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે.
ટ્રાન્સપોર્ટશનને સીધી અસર
નવસારીના રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રકાશ ટોકીઝ ગરનાળાના જળસ્તરમાં વધારો થયો હતો, જેથી મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહારને પણ સીધી અસર થવાની સંભાવના જોવામાં આવી રહી છે. સુરત સચિન મરોલીને જોડતો સ્ટેટ હાઇવે પણ બંધ થયો છે. શહેરની સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.