T-20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ અભિયાનની શરૂઆત કરતા પહેલા આજે ઈન્ડિયન ટીમ ઇંગ્લેન્ડ સામે વોર્મ અપ મેચ રમવા જઈ રહી છે.
આ મેચ દુબઈ ખાતે રમાશે, જેમાં ઈન્ડિયન ટીમ પોતાની પ્લેઇંગ-11 નક્કી કરતા પહેલા ઘણા ખેલાડીઓના પ્રદર્શન સામે બાજ નજર રાખી ટીમની પસંદગી કરશે. આ મેચમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકશે કે નહીં અને જો તે એક બેટર તરીકે જ ઉતરશે તો શું હાર્દિકને પાકિસ્તાન સામે રમવાની તક મળશે? આવા તમામ સવાલના જવાબ વોર્મ અપ મેચમાં મળી શકે એવી સંભાવના છે.
વોર્મ અપ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે?
ઈન્ડિયન ટીમ બંને વોર્મ અપ મેચ અલગ-અલગ ટાઈમ પર રમશે. જેની પહેલી વોર્મ અપ મેચ આજે સાંજે સોમવારે 7:30 વાગ્યે શરૂ થશે અને બીજી મેચ 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે 3:30 વાગ્યે બપોરે શરૂ થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ 1 પર થશે. આની સાથે દર્શકોને ડિઝ્ની+ હોટસ્ટારમાં પણ આ મેચ જોવાની તક મળશે.
શું પંડ્યા બોલિંગ કરશે?
હાર્દિક પંડ્યાની ફિટનેસ સામે અવાર-નવાર સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક પંડ્યા ઈન્ડિયન ટીમમાં એક પ્રોપર બેટર તરીકે જ વર્લ્ડ કપમાં રમશે. વળી તેણે IPL ફેઝ-2ની એકપણ મેચમાં બોલિંગ કરી નહોતી. જેના પરિણામે જો હાર્દિક બોલિંગ નહીં કરે તો શું તેનું સ્થાન પાકિસ્તાન સામેની પ્લેઇંગ-11માં રહેશે કે કેમ એ સવાલ ઉઠી રહ્યો છે.
હાર્દિકનું બેટિંગમાં પણ નિરાશાજનક પ્રદર્શન
હાર્દિક પંડ્યા બેટિંગમાં પણ સારુ પ્રદર્શન દાખવી શક્યો નથી. તેની ફેઝ-2માં 1 ઈનિંગ બાદ કરતા હાર્દિક ખાસ લયમાં જોવા મળ્યો નથી. જો તેની એક ઈનિંગને ના ગણીએ તો તેણે UAE સીઝનમાં 25ની એવરેજથી માત્ર 75 રન જ કર્યા છે.
હિટમેન પણ ફેઝ-2થી લયમાં નથી
ઈન્ડિયન ટીમના વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર રોહિત શર્મા પણ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં નથી. વળી તેણે IPL ફેઝ-2માં કોઈ ખાસ મેચ વિનિંગ સ્કોર કર્યો નહોતો. તેવામાં હિટમેનની 6 ઈનિંગ પર નજર ફેરવીએ તો તેણે માત્ર 131 રન જ કર્યા હતા. તેવામાં રોહિત શર્માનું ફોર્મ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા એક ચિંતાનો વિષય બની જવા પામ્યું છે.
ઈન્ડિયન ટીમનું કોમ્બિનેશન કેવું રહેવું જોઈએ
કેપ્ટન કોહલી સુપર-12ની મેચ પૂર્વે એક મેચ વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે. આર.અશ્વિને 4 વર્ષ પછી T-20 ફોર્મેટમાં વાપસી કરી છે, પરંતુ IPL ફેઝ-2માં પણ તે ખાસ લયમાં જોવા નહોતો મળ્યો. વળી ઓછામાં પુરૂ રાહુલ ચાહર પણ લય ગુમાવી બેઠો હોવાથી તેને છેલ્લી કેટલીક મેચમાં પ્લેઇંગ-11માંથી બહાર કરી દેવાયો હતો. હવે રવીંન્દ્ર જાડેજા સાથે કોને ટીમમાં લેવાશે એ સવાલનો જવાબ શોધવા માટે વિરાટ કોહલી આ 2 વોર્મઅપ મેચનો સહારો લેશે.
ઇંગ્લેન્ડના મોટાભાગના ખેલાડી આઉટ ઓફ ફોર્મ
ઇંગ્લેન્ડના જોસ બટલરની સાથે વિસ્ફોટક બેટિંગ કરનારા જેસન રોય અને જોની બેયરસ્ટો પાસે ટીમને ઘણી આશાઓ રહેશે. IPLના પ્રદર્શનને ધ્યાનમાં રાખીએ તો લિયામ લિવિંગસ્ટોન અને ડેવિડ મલાન ખાસ ફોર્મમાં જણાયા નથી. વળી કેપ્ટન મોર્ગન પણ IPLમાં કેપ્ટન તરીકે હિટ રહ્યો હોય પરંતુ બેટર તરીકે ફેલ જ સાબિત થયો છે. તેણે ટૂર્નામેન્ટની 16 ઈનિંગમાં 11.08ની એવરેજથી માત્ર 133 રન કર્યા છે.