અમદાવાદ: પિતરાઇ ભાઇએ જ 12 વર્ષની સગીરાને ધમકાવી આચર્યું દુષ્કર્મ, માતાએ આ રીતે ફોડ્યો ભાંડો
* થોડા દિવસ પહેલા આરોપી યુવકે 12 વર્ષની બાળકીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી. તે સમયે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
શહેરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ જે યુવકને ઘરમાં આશરો અને કામ આપ્યું તેણે જ મહિલાની સગીર 12 વર્ષની દીકરીને ધમકાવીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. યુવકે સગીરાને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. મહિલાએ આ અંગે પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
*મહિલાએ કૌટુંબિક નણંદના દીકરાને આશરો આપ્યો હતો સરદારનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી મહિલાના કૌટુંબિક નણંદની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેના દીકરાને છેલ્લા 5 મહિનાથી તેણે પોતાના ઘરે કામ પર રાખ્યો હતો. આરોપી છોકરાઓને લાવવા મૂકવાનું તેમજ કરિયાણું લાવવાનું કામ કરતો હતો. થોડા દિવસ પહેલા આરોપી યુવકે 12 વર્ષની બાળકીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી. તે સમયે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
*નરાધમે સગીરાને આપી ધમકી આટલેથી ન અટકતા, આ યુવકે સગીરાને બીજા દિવસે પણ ફોન કર્યો હતો. જોકે, સગીરાએ ફોન ન ઉપાડતા ત્રીજા દિવસે સગીરાને પોતાની સાથે વાત કેમ નથી કરતી તેવું કહીને ધમકાવી હતી. નરાધમે કહ્યું હતુ કે, પોતે બોલાવે ત્યારે મળવા નહીં આવે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બધાથી ગભરાયેલી કિશોરી યુવકને મળવા ઘરની બહાર ગઈ હતી અને તે સમયે પણ આરોપીએ બીજી વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ ત્રીજા દિવસે આરોપીએ ફરી સગીરાને બોલાવી હતી.
*મહિલાને જોઇ જતા યુવાન ફરાર ત્યારે ઘરમાં અવાજ થતા તેનો ભાઇ જાગી ગયો હતો. જેથી તેણે માતાને પણ ઉઠાડી હતી. તે જ્યારે બહાર ગઇ ત્યારે નરાધમ કિશોરીના કપડાં ઉતારી રહ્યો હતો. જે જોતા જ માતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય તેવો અનુભવ થયો. જોકે, યુવક મહિલાને જોતા જ ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ માતાએ દીકરીની પૂછપરછ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.
અહેવાલ – સુરેશકુમાર પાંડે