રેસ્ટોરાંમાં જમવા જતાં પહેલાં ચેતજો:અમદાવાદમાં આઝાદના અથાણામાંથી અને મણિનગરના દાસ ખમણની ચટણીમાંથી જીવડાં નીકળ્યાં

Views 137

રેસ્ટોરાંમાં જમવા જતાં પહેલાં ચેતજો:અમદાવાદમાં આઝાદના અથાણામાંથી અને મણિનગરના દાસ ખમણની ચટણીમાંથી જીવડાં નીકળ્યાં

     અમદાવાદની કોઈપણ હોટલ કે રેસ્ટોરાંમાં દર મહિને જમવામાં અથવા ઓર્ડર કરીને પાર્સલ મગાવેલી વસ્તુમાંથી કોઈપણ જીવજંતુ કે ખરાબ વસ્તુ નીકળવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના ચેકિંગ બાબતે નિષ્ફળતાને કારણે અમદાવાદીઓના આરોગ્ય પર જોખમ છે. શહેરના જાણીતી રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનમાંથી પણ હવે જીવડા નીકળવાની શરૂઆત થઇ છે. રિલીફ રોડ પર આવેલી પ્રખ્યાત આઝાદ રેસ્ટોરન્ટ અને મણિનગર વિસ્તારમાં દાસ ખમણમાંથી જીવડાં નીકળવાની ઘટના બની હતી. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

*આઝાદના અથાણા અને દાસના ખમણની ચટણીમાંથી જીવડાં નીકળ્યાં
અમદાવાદમાં રહેતો યુવક રિલીફ રોડ પર આવેલી પ્રખ્યાત આઝાદ રેસ્ટોરન્ટમાં પૂરી-શાક ખાવા ગયો હતો. ત્યારે અથાણામાંથી એક જીવડું નીકળ્યું હતું. આ બાબતે તેણે રેસ્ટોરન્ટના કર્મચારી અને વ્યક્તિનું ધ્યાન દોર્યું, ત્યારે વરસાદમાં ઊડીને આવ્યું હશે એવો જવાબ આપ્યો હતો અને જમવાનું બદલી આપવાની વાત કરી હતી. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર પર આશા પટેલ નામના એક યુઝર દ્વારા મણિનગર વિસ્તારમાં આવેલા દાસ ખમણમાંથી જીવડું નીકળ્યું હોવાનો ફોટો પણ ટ્વીટ કરી ફરિયાદ કરવામાં આવી હતી.

*ઓનલાઈન સિસ્ટમની કામગીરી સામે સવાલ ઊભા થયા
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી તેમને ફરિયાદ નોંધાવવા માટે એડ્રેસ માગવામાં આવ્યું હતું, જ્યારે ટ્વીટમાં લખ્યું હોવા છતાં પણ આ રીતે માત્ર જવાબ આપી દેવામાં આવ્યો હતો, જેથી કોર્પોરેશનની ઓનલાઈન સિસ્ટમની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર ભાવિન જોશીએ જીવડાં નીકળવા મામલે જણાવ્યું હતું કે હું આ મામલે તપાસ કરાવું છું. બીજી વખત કાર્યવાહી મામલે તેમનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો.

*અમદાવાદમાં પાંચ હજારથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ
અમદાવાદમાં આશરે 5000થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટ ફૂડની દુકાનો આવેલી છે. મોટા ભાગની હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના અધિકારીઓ અને હોટલના માલિકો, સંચાલકોની ભ્રષ્ટાચારની મિલીભગત છે, જેને કારણે ત્યાં કોઈપણ પ્રકારનું ચેકિંગ થતું નથી. માત્ર હોટલ અને રેસ્ટોરન્ટ જ નહીં, નાનીમોટી દુકાનો અને લારીઓમાં તો માત્ર વ્યવહાર જ થાય છે. નાની રકમો મેળવી ફૂડ ઇન્સ્પેક્ટરો ત્યાં ચેક કરવા જ જતા નથી. શું આગામી દિવસોમાં આ મામલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા કે ભાજપના સત્તાધીશો ધ્યાન આપશે?

 

*અમદાવાદની હોટલ અને રેસ્ટોરાંમાંથી જીવજંતુ કે અન્ય વસ્તુ નીકળી હોવાના કિસ્સા

*મારુતિનંદનના શાકમાંથી બીડી નીકળી હતી
એક મહિના પહેલાં શહેરના જીવરાજપાર્ક ઘરમાં રહેતા યુવકે ઝોમેટો એપ્લિકેશન પરથી પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી મારુતિનંદન રેસ્ટોરેન્ટમાંથી મગાવેલા ભીંડી મસાલાના શાકમાંથી બીડી નીકળી હતી. પરિવારના લોકો જ્યારે શાક કાઢીને ખાતા હતા ત્યારે અચાનક તેમની નજર પડતાં પીધેલી બીડી હતી. યુવકે હોટલમાં ફોન કરીને આ બાબતે જ્યારે જાણ કરી ત્યારે ભૂલ થઈ ગઈ એમ કહી બીજો ઓર્ડર આપવા માટે કહ્યું હતું. યુવકે આ મામલે મ્યુનિસિપલ કોર્પોશનમાં ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી.

*ઉડીપી રેસ્ટોરન્ટમાંથી મરેલો વંદો નીકળ્યો હતો
માર્ચ મહિનામાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી ઉડીપી રેસ્ટોરન્ટમાં એક યુવક સ્પ્રિંગ ઢોસા ખાવા ગયો હતો. સ્પ્રિંગ ઢોસાની સાથે નાળિયેરની ચટણી અને સંભાર આપવામાં આવ્યો હતો. યુવકે થોડો ઢોંસો ખાધો હતો અને નારિયેળની ચટણીમાં તેનું ધ્યાન ગયું તો કાળા કલરની કોઈ વસ્તુ દેખાઈ હતી. એને બહાર કાઢીને જોતાં નાનો મરેલો વંદો હતો. યુવકે આ બાબતે હોટલમાલિક અને સ્ટાફને ફરિયાદ કરતાં તેણે આવું હોટલમાં જાણે સામાન્ય બાબત હોય એમ ચટણી બદલાવી દેવાની વાત કરી હતી. જોકે યુવકે તેની હોટલમાં અધૂરો ઢોંસો મૂકી ત્યાંથી નીકળી ગયો હતો. હોટલને રૂ. 10,000નો દંડ કરી સાફ રાખજો કહી દેવામાં આવ્યું હતું.

*હંગામાં દાલબાટીમાંથી ઈયળ નીકળી હતી
ગત ફેબ્રુઆરી માસમાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી હંગામા દાલબાટી નામની રેસ્ટોરન્ટમાં જમવામાં ઈયળ નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોમાં જમવાની થાળીમાં ઈયળ નીકળતાં ગ્રાહક ખૂબ જ ગુસ્સે થઇ હોટલમાલિક સાથે ગાળાગાળી પણ કરી હતી. બાળકને તેઓ આ જમવાનું ખવડાવતા હતા ત્યારે અચાનક નજર પડતાં ઈયળ હતી. આ બનાવમાં ગ્રાહક અને હોટલમાલિક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે કોર્પોરેશનના ફૂડ વિભાગે શી કાર્યવાહી કરી હતી કે પગલાં ભરાયાં હતાં એની કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી.

*હિના રેસ્ટોરેન્ટની સબ્જીમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો
ગત જાન્યુઆરી માસમાં અમદાવાદના દિલ્હી દરવાજાની સબ્જી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી નવાવાડજનો એક પરિવાર પનીર ભૂરજીનું શાક લાવ્યો હતો. પરિવારના સભ્યોએ રાતે 9 વાગ્યાની આસપાસ આ શાક ખાધું હતું. માતા-પુત્ર જમવા બેઠા હતા એ દરમિયાન પનીર ભૂરજીની સબ્જીમાં કંઇક દેખાયું હતું, જે બાદ જોયું તો પહેલા સીમલા મિરચી હોવાનું જણાયું હતું. બાદમાં ડબ્બામાંથી બહાર કાઢીને સાફ કરીને જોયું હતું તો એ મરેલો ઉંદર હતો. પનીરના શાકમાં મરેલો ઉંદર જોઇને માતા અને પુત્ર ગભરાઇ ગયા હતા. ગભરામણ થઇ હતી, જે બાદ ઊલટીઓ અને ફૂડ પોઇઝનિંગ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

                                                                                                                                                                              અહેવાલ – વિજયસિંહ દરબાર 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *