પાટણ શહેરમાં વરસાદ બંધ થયા બાદ વાતાવરણ ખુલ્લું થતાની સાથે જ ડેન્ગ્યૂની બીમારી શરૂ થઈ ગઈ છે. પાટણ શહેરમાં 15 જેટલા લોકોને ડેન્ગ્યૂ થઈ જતાં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓ આવવાના શરૂ થઈ ગયા છે. જેના કારણે આરોગ્ય તંત્ર દ્વારા નગરપાલિકાને જાણ કરાતાં પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સતત ચાલતા વરસાદના કારણે અત્યાર સુધી મચ્છરજન્ય બીમારીથી રાહત હતી, પરંતુ હવે વરસાદ બંધ થતાની સાથે જ મચ્છરજન્ય બીમારી શરૂ થઈ ગઈ છે. જેમાં પાટણ શહેરમાં ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અને છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યૂના 15 કેસ નોંધાયા છે. જેમાંથી ત્રણ કેસ શાકભાજીનો વ્યવસાય કરતા લોકોના છે. જોકે ડેન્ગ્યૂના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. તેમજ સર્વે અને પુરાનાશક કામગીરી શરૂ કરવામાં આવી છે.
જિલ્લા મેલેરીયા અધિકારી ડો. નરેશભાઈ પટેલે કહ્યું હતું કે વરસાદ બંધ થતા હવે બ્રીડિંગ થવાના કારણે ડેન્ગ્યૂના કેસ શરૂ થયા છે અને વધી પણ શકે છે. ત્યારે લોકોએ મચ્છર ન કરડે તેની કાળજી લેવી જરૂરી છે. જોકે હવે વેક્ટર કંટ્રોલની 13 ટીમોને મંજૂરી મળી ગઈ છે. આગામી બે ત્રણ દિવસમાં કાર્યરત કરવામાં આવશે. પાટણ નગરપાલિકા સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે સોમવારે સ્વચ્છતા શાખાના કર્મચારીઓને અલગ અલગ વિસ્તારોમાં ફોગિંગ ચાલુ રાખવા માટે સૂચના આપી હતી.તેમણે જણાવ્યું હતું કે પાયરેથમ લિક્વીડ દ્વારા આરોગ્ય વિભાગની સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પાટણના ફિઝિશિયન ડો. કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વખતે ચોમાસામાં સતત વરસાદ વરસતો રહેવાના કારણે પાણી વહેતું રહેતુ હતું જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયો નથી, જોકે હવે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ગરમી વધારે હોવાથી મચ્છરજન્ય રોગચાળો હજુ નિયંત્રણમાં છે, છતાં પણ લોકોએ કાળજી રાખવી જરૂરી છે. જયારે પાટણ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં વાયરલ ફીવર ના કેસ પણ ઓપીડીમાં સતત આવી રહ્યા છે. જયારે ડેન્ગ્યૂના કેસ અઠવાડિયામાં બે થી ત્રણ આવતા જ રહે છે.
રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ