જાહેરમાં ઢોરને રખડતાં મૂકવા બદલ કાર્યવાહી
છાણી અને નવાપુરાના બે વ્યક્તિને પાસા
એક સપ્તાહમાં ઢોરથી 5 અકસ્માતમાં 12 ઘાયલ
વડોદરામાં બે ગોપાલકોને પાસા હેઠળ જેલમાં પુરવામાં આવ્યા છે. જેમાં જાહેરમાં ઢોરને રખડતાં મૂકવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં છાણી અને નવાપુરાના બે વ્યક્તિને પાસા કરવામાં આવી છે.

છાણીના રોહિત ભરવાડ બાદ નવાપુરાના દિનેશ રબારીને પાસા
રખડતા ઢોરની સમસ્યા મામલે વડોદરામાં એક અઠવાડિયામાં બે ગૌપાલકોને પાસામાં ધકેલાયા છે. જેમાં જાહેર માર્ગ પર ઢોરને રખડતા મૂકી ઝઘડા કરતા વધુ એક ગૌપાલકને પાસા થઇ છે. તેમાં છાણીના રોહિત ભરવાડ બાદ નવાપુરાના દિનેશ રબારીને પાસા કરવામાં આવી છે. તેમજ છેલ્લા એક અઠવાડિયામાં રખડતા ઢોરથી 5 અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના :
વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. જેમાં શહેરમાં ગાયે ભેટી મારવાનો અન્ય એક બનાવ બનતા પખવાડિયામાં રખડતા ઢોરોએ સાત લોકોને અડફેટે લીધા છે. રખડતી બે ગાયોમાંથી એક ગાયે યુવકને ભેટી મારતા યુવક બેભાન થઇ ગયો હતો.
યુવાનને નીચે પટકી 15 વખત ભેટી મારી
વડોદરામાં નાગરવાડાના રહેતો દિવ્યાંગ યુવક રામદેવપીર મંદિરથી હરિજનવાસ તરફ પગપાળા જઈ રહ્યો હતો. ત્યારે જ રખડતી બે ગાયોમાંથી એક ગાયે યુવકને ભેટી મારતા યુવક બેભાન થઇ ગયો હતો. જોકે ત્યાર બાદ પણ ગાયે યુવકને છોડ્યો નહિ અને ગાયે યુવાનને નીચે પટકી 15 વખત ભેટી મારી હતી. ત્યારે આસપસના લોકોએ ભેગા થઇ જતા લોકોએ ગાયોના ચંગુલમાંથી દિવ્યાંગ યુવકને બચાવ્યો હતો. અને તેના પરિવારને જાણ કરી પરિવાર ઘટના સ્થળે પહોંચયા બાદ એક કલાકે યુવક હોશમાં આવ્યો હતો.
શેઠની શિખામણ દરવાજા સુધી
વડોદરા શહેરને રખડતા ઢોર મુક્ત કરવાના મેયર કેયુર રોકડીયાના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે. જયારે પોલીસે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી હોવા છતાં પશુપાલકો બેખોફ પોતાના પશુ રોડ પર રખડતા મૂકી રહ્યાં છે. ત્યારે કહી શકાય કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મેયરને જાહેર મંચ પરથી ટકોર બાદ પણ વડોદરા શહેરને ઢોર મુક્ત ના કરી શકેલા મેયર માટે શેઠની શિખામણ દરવાજા સુધી જ રહી છે.
તાજેતરમાં મહિલા ઉપપ્રમુખને ગાયે અડફેટે લીધા
વડોદરામાં રખડતા ઢોર પકડવાના દાવા પોકળ સાબિત થયા છે. જેમાં ભાજપના વોર્ડ 11ના મહિલા ઉપપ્રમુખને ગાયે અડફેટે લીધા હતા. તેમાં ઉપપ્રમુખ જાગૃતિ પાઠકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ બનાવ બનતા રખડતાં પશુઓના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની જાહેરાત પોકળ સાબિત થઇ છે.