આવી રીતે ઊંઘમાં ભણશે ગુજરાત?:કઠલાલની ચારણ-નિકોલ ગામની શાળામાં ધોરણ 6થી 8માં 4 વિષયના એક જ શિક્ષક, તેઓ પણ ચાલુ ક્લાસે કાયમ ઊંઘતા જ રહે
*ઊંગણશી શિક્ષક * અભ્યાસની ચિંતામાં 14 વિદ્યાર્થીએ શાળા છોડી * સરપંચ શિક્ષકને તાકીદ કરવા ગયા તો શિક્ષકે કહ્યું, મને દવાનું ઘેન રહે છે, જેના કારણે તાજેતરમાં મારી કારનો અકસ્માત પણ થયો હતો
વાત છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળાની. અહીં ફરજ બજાવતા રાજેન્દ્રભાઈ પટેલ નામના ભાષાના શિક્ષક ચાલુ ક્લાસ રૂમમાં ઊંઘતા હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. તાજેતરમાં શાળાઓમાં નવું સત્ર શરૂ થયું છે. ત્યારે અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં જે રીતની બેદરકારી બહાર આવી રહીં છે એના પરથી પ્રશ્ન ઊઠી રહ્યા છે કે કેવી રીતે ભણશે ગુજરાત?
ચારણ-નિકોલ ગામની શાળામાં 4 વિષય વચ્ચે આ એક જ શિક્ષક છે! જે પણ કાયમ ચાલુ ક્લાસ દરમિયાન ઊંઘતા હોવાને કારણે આ વર્ષનું નવું સત્ર શરૂ થતાં જ 14 વિદ્યાર્થીએ પોતાના એડમિશન શાળામાંથી રદ કરાવી નાછુટકે ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યા છે. ગામના સરપંચ અજિતસિંહનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓએ અમને આ અંગે રજૂઆત કરી હતી, જેથી અમે શાળાની મુલાકાત લઈ શિક્ષક રાજેન્દ્રભાઈ પટેલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ તેમણે એવો ખુલાસો કર્યો હતો કે મને કેટલીક બીમારીઓ હોવાથી દવા લેવાના કારણે ઘેન ચઢે છે. ઘેનની અસર રહેતી હોવાથી તાજેતરમાં બાલાસિનોર પાસે પોતાની કારને અકસ્માત પણ થયો હોવાનું શિક્ષકે સરપંચને જણાવ્યું હતું. જોકે શિક્ષકને કોઇ બીમારી હોય તો રજા પર ઊતરી જવું જોઇએ.
*ધો. 6થી 8ના વર્ગો બંધ થતાં TPOને જાણ કરી છે, શિક્ષકને બીજી શાળામાં ખસેડવાની વાત ચાલે છે
નવું સત્ર શરૂ થતાં 14 વિદ્યાર્થીએ પોતાના એડમિશન રદ કરાવી દીધા છે. જેથી ધો.6, 7 અને 8 બંધ થઇ ગયા છે. એ અંગે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરી છે. ઉચ્ચ અધિકારીએ રાજેન્દ્રભાઈને તેમની કચેરીએ પણ બોલાવ્યા હતા. એ બાદ હવે તેમને અન્ય શાળામાં ખસેડવાની વાત ચાલે છે. – વૈશાલીબેન પટેલ, આચાર્ય, ચારણ નિકોલ પ્રા.શાળા
*બીજી શાળામાં મોકલવાથી શું આ શિક્ષક ઊંઘવાનું બંધ કરશે? અન્ય છાત્રોનું ભાવિ બગાડવાની વાત
ચારણ-નિકોલ પ્રાથમિક શાળામાં ધો.6થી 8માં ચાર ભાષાના શિક્ષક તરીકે રાજેન્દ્રભાઈ પટેલ ફરજ બજાવે છે. તેમની ઉંઘની આદતને કારણે વિદ્યાર્થીઓએ એડમિશન કેન્સલ કરતાં શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો બંધ થઈ ગયા છે. નોંધનીય છે કે આ શિક્ષકને અન્ય શાળામાં ખસેડવામાં આવશે તો ત્યાંના વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડશે.
*નેતાની પાર્ટીમાં શિક્ષકો દારૂની બોટલ સાથે ઝૂમ્યાં
દારુની બોટલ સાથેની તસવીર વીરપુર તાલુકાની છે. ત્રણ સ્થાનિક શિક્ષકોએ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિએ યોજેલી પાર્ટીમાં મોજ માણતા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં શિક્ષકો ઝૂમતા દેખાય છે અને સાથે દારૂની બોટલોની આપલે પણ થાય છે. મહિસાગર શિક્ષણ વિભાગે તપાસના આદેશો આપ્યા હતા.
*ભાવનગરમાં શિક્ષણમંત્રી વાઘાણી બાળકોની સાથે હિંચકે ઝૂલ્યાં
ભાવનગર જિલ્લાના ચિત્રા ફુલસર વિસ્તારમાં વિવિધ ખાતમુહૂર્ત કરવા માટે આવેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બાળકો સાથે હિંચકે ઝૂલ્યાં હતા.