આગળ પોલીસ ઉભી છે એમ કહી મુસાફરને રોડ વચ્ચે ઉતારી દીધો.
મહેસાણા શહેરમાં લૂંટ અને ચોરીના બનાવો વધતાં જાય છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રિક્ષામાં મુસાફરના સ્વાગમાં બેઠેલા ગઠિયાઓએ રિક્ષા ચાલક સાથે મળી અન્ય પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયા 50 હજાર સેરવીને રોડ વચ્ચે ઉતારી ફરાર થઇ ગયા હતાં. આ અંગે મહેસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણા શહેરમાં શક્તિધાર સોસાયટીમાં રહેતા કીર્તિકુમાર શામળદાસના મિત્રને પૈસાની જરૂર પડતા ફરિયાદીએ મહેસાણા રાધનપુર રોડ પર આવેલી બેંકમાંથી રૂપિયા 50 હજારની રકમ ઉપાડી હતી. બાદમાં રિક્ષામાં સવાર થઈને ધીણોજ ખાતે રહેતા તેમના મિત્રને રૂપિયા આપવા જઇ રહ્યા હતા, એ દરમિયાન રિક્ષામાં પાછળની સીટ પર ત્રણ પેસેન્જર બેઠા હતા અને આગળ ડ્રાઇવર સાઈડ 2 મુસાફર બેઠા હતા
શહેરના રાધે કીર્તન ફ્લેટ પાસે ડ્રાઇવરે રિક્ષા ઉભી રાખી આગળ બેઠેલા એક પેસેન્જરને આગળ પોલીસ ઉભી છે તું પાછળ બેસીજા એમ કહી, ફરિયાદી પાસે તે મુસાફરને બેસાડ્યો હતો. જોકે, રિક્ષા ફરી થોડી આગળ જતાં તિરુપતિ શાહીબાગ સામે રિક્ષા ફરી ઉભી રાખી ફરિયાદીને આગળ પોલીસની ગાડી ઉભી છે એમ કહી રોડ વચ્ચે જ ઉતારી તેઓ ફરાર થઈ ચૂક્યા હતા.
બાદમાં ફરિયાદીએ પોતાના પેન્ટમાં મૂકેલા રૂપિયા 50 હજારની રકમ તપાસ કરતા પૈસા ન મળતા રિક્ષા ચાલકે પૈસા સેરવી લીધા હોવાનું માલુમ પડ્યુ હતું. જેથી તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદી દાખલ કરાવી હતી.