પ્રજાને બતાવો પૈસા ક્યાં ખર્ચો છો? – સ્માર્ટસિટી પાછળ 1900 કરોડ ખર્ચ છતાં સ્થિતિ 10-15 વર્ષ પહેલાં જેવી જ!

Views 146

પ્રજાને બતાવો પૈસા ક્યાં ખર્ચો છો? : સ્માર્ટસિટી પાછળ 1900 કરોડ ખર્ચ છતાં સ્થિતિ 10-15 વર્ષ પહેલાં જેવી જ!

  • 10 વર્ષમાં મ્યુનિ.નું બજેટ બમણું થયું, વિવિધ ટેક્સ, ફી પેટે 2 હજાર કરોડની આવક છતાં લોકોને થતી હાલાકીમાં કોઈ ફેર નહીં
  • વરસાદી પાણીના નિકાલ માટે 2 મહિનામાં 6.61 કરોડ ખર્ચ
  • આ છે સ્માર્ટ અમદાવાદ-વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે થતો 100 કરોડનો જંગી ખર્ચ, પણ વરસાદ સાથે જ તણાઈ ગયો

     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 10 વર્ષમાં રૂ.3752.98 કરોડથી વધીને રૂ.8111 સુધી પહોંચી ગયું, પણ શહેર સ્માર્ટ બન્યું નહીં. સામાન્ય વરસાદ પછી પણ પાણી ભરાવા, ભૂવા પડવા સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર છે. છેલ્લા 2 મહિનામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પાછળ મ્યુનિ.એ વરસાદી પાણીના નિકાલ માટે 6.61 કરોડ ખર્ચ કર્યો, પણ તાજેતરમાં પડેલા વરસાદ પછી પ્રશ્ન એ થાય છે કે આ ખર્ચ ગયો ક્યાં? મ્યુનિ. પ્રતિ વર્ષ સ્ટોર્મ વોટરલાઈનો નાખવા અને એના રિપેરિંગ માટે વરસે 100 કરોડ ખર્ચ કરે છે. આમ છતાં રવિવારે પડેલા વરસાદ પછી અનેક વિસ્તારોમાંથી 24 કલાક સુધી વરસાદી પાણી ઊતર્યા ન હતા.

     મ્યુનિ. અમદાવાદીઓ પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ પેટે રૂ.1400 કરોડ, ફી, દંડ અને યુઝર ચાર્જ પેટે રૂ.700 કરોડ મળી અંદાજે 2100 કરોડથી વધુ આવક મેળવે છે. આમ છતાં પાયાની સુવિધાઓ લોકોને મળતી નથી. સ્માર્ટ મિશન હેઠળ ગુજરાતમાં 6 શહેરને સ્માર્ટ બનાવવા 337 પ્રોજેક્ટ માટે 16453.75 કરોડની મંજૂરી અપાઈ હતી, જેમાંથી 209 પ્રોજેક્ટ એટલે કે 62 ટકા પૂરા થયા છે. અમદાવાદમાં કુલ 5754 કરોડના મંજૂર 70 પ્રોજેક્ટ સામે 1872 કરોડના 54 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. જ્યારે 3393 કરોડના 15 પ્રોજેક્ટ વર્ક ઓર્ડરના સ્ટેજ પર છે. 2013-14 મ્યુનિ.નું કુલ બજેટ 3752.98 કરોડ હતું અને કેચપીટની સફાઈ પાછળ 5 કરોડ ખર્ચ થયો હતો. જ્યારે 2022-23માં કુલ બજેટ 8111 કરોડ હોવા છતાં કેચપીટ સફાઈ પાછળ માંડ 7.20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

*વરસાદી પાણીના નિકાલ માટે 950 કિમીની લાઈનો, પરિણામ શૂન્ય
શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પાછળ રૂ. 100 કરોડ ખર્ચ થાય છે. શહેરમાં 950 કિ.મી. જેટલી વરસાદી પાણીના નિકાલની લાઇનો છે, એ પૈકી 70 ટકા સ્ટોર્મ વોટરલાઇનો પૂર્વ વિસ્તારમાં, જ્યારે 30 ટકા સ્ટોર્મ વોટરલાઇન પશ્ચિમ અમદાવાદમાં છે. તે મ્યુનિ.નું બજેટ 10 વર્ષે બમણું થયું, પણ વરસાદી પાણી ભરાવાની પરેશાની યથાવત્ છે. છેલ્લા બે મહિનામાં જ 52 હજાર કેચપીટોની સફાઇ કરાઈ હતી, જેથી વરસાદી પાણી અવરોધ સિવાય કલાકોમાં ઊતરી જાય એવો દાવો કરવામાં આવે છે કે શહેરમાં એક કલાકમાં જો એક ઇંચ જેટલો વરસાદ પડે તો પાણી સરળતાથી નીકળી જાય તેવી વ્યવસ્થા છે. જોકે અમદાવાદમાં એક કલાકમાં તેથી વધારે વરસાદી પાણી ભરાય તો શહેરમાં બેથી અઢી કલાકમાં પાણી ઊતરી જાય છે.

*જોધપુરમાં નવી સ્ટોર્મ વોટરલાઈન છતાં પાણી ભરાયું
વરસાદી પાણીના નિકાલ માટે મ્યુનિ.એ પશ્ચિમમાં 2 અને પૂર્વમાં 30 પંપ મૂક્યા છે. સેટેલાઈટ જયદીપ ટાવર પાસે અને વેજલપુર શ્રીનંદનગર ખાતે પંપ મુકાયા છે. જોકે છેલ્લા વરસાદ પછી આ બે વિસ્તારમાં જ પાણી વધારે ભરાયાં હતાં. જોધપુરમાં 3 કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વોટરલાઈન નખાઈ હોવા છતાં અહીં વધુ પાણી ભરાયું હતું.

*રાજ્યનાં 6 સ્માર્ટ શહેરોમાં સ્માર્ટ પ્રોજેક્ટની સ્થિતિ
સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં સ્માર્ટ આંગણવાડી, સ્માર્ટ ટોઇલેટ, ઇ-લાઈબ્રેરી, સ્માર્ટ પાર્કિંગ, ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ્સ, પાણીની સ્કાડા સિસ્ટ્મ, સ્માર્ટ હેરિટેજ જેવા વિવિધ પ્રોજેક્ટ્સ પર કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરવર્ક ઓર્ડર સ્ટેજકામ પૂર્ણકુલ
પ્રોજેક્ટરકમપ્રોજેક્ટરકમપ્રોજેક્ટરકમ
અમદાવાદ153393.01541872.34705754.35
દાહોદ11425.1716222.633923.39
ગાંધીનગર12824.5311230.56251117.09
રાજકોટ501,85521334.12733276.47
સુરત121,145702048.32823193.65
વડોદરા151185.237923.6542188.8
કુલ1158828.592095631.543376453.75

*10 વર્ષમાં પડેલાં 528થી વધુ ભૂવા પૂરવા અંદાજે 20 કરોડનો ખર્ચ થયો

     શહેરમાં વરસાદ અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત્ છે. ચોમાસા દરમિયાન જ નહિ, પણ ગટર સહિત અન્યને કારણે વગર વરસાદે પણ અમદાવાદ શહેરમાં ભૂવા પડે છે. શહેરમાં છેલ્લાં 10 વર્ષમાં 528થી વધારે ભૂવા પડ્યા છે, જેની સામે મ્યુનિ.ને 19.77 કરોડથી વધારે ખર્ચ થયો છે. આ વર્ષે 30થી વધુ ભૂવા પડી ચૂક્યા છે.

વર્ષભૂવાખર્ચ
2013-14922.17
2014-15491.96
2015-16583.21
2016-17582.01
2017-181115
2018-19221.01
2019-20431.09
2020-21270.58
2021-22682.71
(ખર્ચ કરોડમાં)

*​​​​​​હવે, સમીક્ષા કરાશે

     અમે અધિકારીઓ પાસે આ સ્થિતિનો અહેવાલ માગ્યો છે, શહેરમાં કયા વિસ્તારમાં કેટલી કેચપીટ સફાઇ કરી, કેટલા મેનહોલ ભરાયા હતા એનો રિપોર્ટ માગ્યો છે, જેથી સમીક્ષા કરી શકાય. – રમેશ મેરજા, ડીવાયએમસી

 
 અહેવાલ –  વિજયસિંહ  દરબાર  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *