પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ઓહો ગુજરાતીના Spiritual’ એટલે કે ‘આધ્યાત્મિક’ સેકશનની શરૂઆત થઈ. સાંજે પ્રમુખ સ્વામી મહારાજ નગરની સભામાં મહાનુભાવો અને હરિભક્તોની હાજરીમાં આ કાર્યક્રમની હર્ષભેર ઉજવણી થઇ હતી. સરસંઘચાલક શ્રી મોહન ભાગવત અને ગોસ્વામીશ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી પણ આ પ્રસંગે હાજર હતા.
સૌ જાણે છે તેમ અમદાવાદના આંગણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવો પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દુનિયાભરમાં ફેલાયેલા સ્વામીબાપાના કરોડો અનુયાયીઓ આ અવસરે અમદાવાદમાં 600 એકર જમીન પર ઊભા કરાયેલા વિરાટ ‘પ્રમુખ સ્વામી મહારાજ નગર’ ખાતે આવી રહ્યા છે. આ પ્રસંગે ‘ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ’ પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં પોતાનો ફાળો આપી રહ્યું છે.
‘ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ’ પર ‘Spiritual’ એટલે કે ‘આધ્યાત્મિક’ નામનું નિઃશુલ્ક જોઈ શકાય તેવું સેક્શન શરૂ થયું છે. આ સેક્શનની શરૂઆત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર બનેલી છ એપિસોડની ડૉક્યુસિરીઝથી થઇ છે. આ ડૉક્યુમેન્ટરી સિરીઝનું નામ ‘પીડ પરાઈ જાણે રે…’ રાખવામાં આવ્યું છે. સ્વામીબાપાએ પોતાના જીવનકાળમાં અનેક સેવાકાર્યો કરેલાં અને કરોડો લોકોનાં જીવનને તેઓ સ્પર્શ્યાં હતાં. ખાસ કરીને જ્યારે ક્યાંય કુદરતી આપદા આવી પડી હોય ત્યારે સ્વામીબાપા સૌથી પહેલાં ત્યાં પહોંચી જતા અને લોકોની પીડા પર પોતાનાં સેવાકાર્યોનો મલમ લગાવતા અને આ રીતે તેઓ માનવતાની સુવાસ મહેકાવતા.
ગુજરાતની જનતાએ જોયેલી બે ગમખ્વાર આપદાઓ એટલે 1979ની મોરબીની મચ્છુ ડેમ દુર્ઘટના અને 2001માં કચ્છમાં આવેલો વિનાશક ધરતીકંપ. હજારો લોકોનો ભોગ લેનારી અને લાખો લોકોને રાતોરાત બેઘર કરી દેનારી આ દુર્ઘટનાઓ વખતે પણ પળનોયે વિલંબ કર્યા વિના પ્રમુખ સ્વામી મહારાજે અનુક્રમે મોરબી અને કચ્છમાં રાહતકાર્યોની શરૂઆત કરાવેલી.
‘ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ’ની આ ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘પીડ પરાઈ જાણે રે’ના પ્રથમ ત્રણ એપિસોડમાં મોરબીની મચ્છુ હોનારત વખતે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી અને તેમના માર્ગદર્શન હેઠળ BAPS (બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના 1500થી વધુ સ્વયંસેવકો મોરબી ખાતે પહોંચી ગયેલા. ભલભલાનાં કાળજાં કંપાવી દે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ અઠવાડિયાંઓ સુધી રહ્યા અને અસરગ્રસ્ત લોકોને અનેકવિધ રીતે મદદરૂપ થયા. આ ડૉક્યુસિરીઝમાં તે ઘટનાના સાક્ષી રહેલા સ્થાનિક લોકો, સરકારી અધિકારીઓ અને અન્ય લોકોના ઇન્ટરવ્યૂઝ કરીને સમગ્ર સ્થિતિનો તલસ્પર્શી ચિતાર મેળવવામાં આવ્યો છે.
નમામિ દેવી નર્મદે
સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો અને પાડોશી રાજ્યોના કરોડો લોકો આ યોજના અગાઉ પાણીની તીવ્ર તંગીથી ટળવળતા હતા. જ્યારે માનનીય સુપ્રીમ કોર્ટે સરદાર સરોવર ડેમને તેની સૂચિત ઊંચાઈ સુધી લઈ જવાની મંજૂરી આપતો ચુકાદો સંભળાવ્યો તે કરોડો લોકો માટે યાદગાર દિવસ હતો. તેનાં પંદર વર્ષ કરતાંય વધુ સમયથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રોજેક્ટને પોતાનો ટેકો જાહેર કરતા રહ્યા હતા. તેઓએ વર્ષો સુધી સરકારોને આ પ્રોજેક્ટ શક્ય તેટલો વહેલો પૂરો કરવાની અપીલ કરતા પત્રો લખ્યા, અખંડ ધૂન-પ્રાર્થના ચલાવી, સ્થાનિક આદિવાસીઓને મળ્યા હતા. આ ચુકાદો આવ્યો તે ઘડીએ આ ભગીરથ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૌ કોઇને અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા હતા. આ યોજનાનાં પાણી સૌરાષ્ટ્ર-કચ્છના અછતગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચે તે માટે દિવંગત યોગીજી મહારાજ પણ સતત પ્રાર્થનારત રહેતા હતા. તેઓ જ્યારે પણ નર્મદા નદી ઓળંગતા ત્યારે તેને મનોમન વંદન કરીને આ પ્રોજેક્ટની પૂર્ણતા માટે પ્રાર્થના કરતા.
દુષ્કાળના ઓછાયા અને પ્રમુખ સ્વામી મહારાજની શાતા
ગુજરાતમાં 1987-88ના સમયગાળામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજે અનેક સેવાકીય કાર્યો હાથ ધર્યાં હતાં. પાણી-ઘાસચારા વિના ટળવળતાં મૂક પશુઓ માટે તેમણે ‘કેટલ કેમ્પ’ આયોજિત કરાવ્યાં હતાં. પશુઓ માટે ઘાસચારાનાં વિતરણ ઉપરાંત દુકાળગ્રસ્ત લોકો માટે કપડાં-ભોજન-પાણી-નાણાંનું દાન કરવાની પ્રવૃત્તિઓ પણ નિરંતર ચલાવી હતી. ‘પીડ પરાઈ જાણે રે’ ડૉક્યુ સિરીઝના ત્યારપછીના એપિસોડમાં આ પ્રવૃત્તિઓને પણ આવરી લેવાઈ છે.
2001માં કચ્છમાં આવેલા ગમખ્વાર ધરતીકંપમાં પણ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી જે રાહતકાર્યો આદરવામાં આવ્યાં હતાં, તેનો પણ આ ડૉક્યુમેન્ટરી સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
યુવા પેઢીમાં મૂલ્યોનું સિંચન અને સ્વસ્થ સમાજનું નિર્માણ
‘ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ’ અત્યાર સુધી અલગ અલગ પ્રકારનું પારિવારિક મનોરંજન રજૂ કરતી રહી છે, જેમાં ફિલ્મો, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આ નવા ‘સ્પિરિચ્યુઅલ’ સેક્શન થકી ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મનો વિનમ્ર પ્રયાસ છે કે સમગ્ર પરિવાર સાથે બેસીને માનવ સેવાનું મહત્ત્વ સમજે, યુવા પેઢીમાં ઉદાત્ત મૂલ્યોનું સિંચન થાય અને પરિણામે સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. પ્રમુખ સ્વામી મહારાજના સંદેશ એવા ‘બીજાના ભલામાં જ આપણું ભલું જોવું’ એ ધ્યેયસૂત્ર ચરિતાર્થ કરવામાં ‘ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ’ પણ પોતાનો ફાળો આપી રહ્યું છે. આ માટે જ આ ‘સ્પિરિચ્યુઅલ’ સેક્શન તમામ લોકો માટે તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. યાને કે આ વિભાગ હેઠળની ડૉક્યુમેન્ટરી ફિલ્મો જોવા માટે તમારે કોઈ પણ જાતનું સબસ્ક્રિપ્શન ખરીદવાની જરૂર નથી. માત્ર ‘ઓહો ગુજરાતી OTT પ્લેટફોર્મ’ એપ ડાઉનલોડ કરીને આપ આ કન્ટેન્ટ નિહાળી શકશો.
આગામી સમયમાં દેશના અન્ય સંપ્રદાયો અને સમાજને નવી રાહ ચીંધનારા આધ્યાત્મિક ગુરુઓ તથા તેમનાં સેવાકાર્યોની સિરીઝ પણ આ ‘સ્પિરિચ્યુઅલ’ સેક્શનમાં સામેલ થશે.