ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી બંને પાક માટે ટેગિંગ મેળવવા નાબાર્ડે પ્રક્રિયા શરૂ કરી.
ભાલિયા ઘઉં અને ગીરની કેસર બાદ હવે ગુજરાતમાં વલસાડની આફૂસ અને અમલસાડના ચીકુ માટે જીઆઈ ટેગ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નાબાર્ડ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતની ખાસિયત ગણાતાં આ બંને પાક માટે જીઆઈ ટેગિંગ મેળવવામાં આવશે. જીઆઈ ટેગ પ્રાપ્ત થયા બાદ વલસાડમાં આફૂસ કેરી અને અમલસાડમાં ચીકુ પકવતાં ખેડૂતોની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત થશે અને તેના એક્સપોર્ટ માટેનું બજાર પણ મોટા પ્રમાણમાં ખૂલશે.
નાબાર્ડના ગુજરાત પ્રદેશના ચીફ જનરલ મેનેજર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જ્ઞાનેન્દ્ર મણિએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અમે જે-તે પ્રદેશમાં ખાસ યુનિક હોય તેવાં પાકને જીઆઈ રજિસ્ટ્રેશન મળે તે માટે પ્રયત્નશીલ છીએ અને આ બંને ખેત ઉત્પાદનો માટે અમે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ટેગ મળ્યા બાદ ખેડૂતો તેમની જીઆઈ ટેગ ધરાવતી પેદાશો ઊંચી કિંમતે આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચી શકશે અને તેને એક નવી ઓળખ પણ પ્રાપ્ત થશે.’
જ્ઞાનેન્દ્ર મણિએ કહ્યું કે, ‘આ બંને ખેત પેદાશો ઉપરાંત અહીંના ગ્રામીણ કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી અમે જસદણની પટારીનું જીઆઈ ટેગિંગ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી છે. ખેતી ઉપરાંત હસ્તકલાના નમૂનાને પણ આંતરરાષ્ટ્રીય બજારો મળવા જરૂરી છે, જેથી ગ્રામીણ જનતાનું જીવનધોરણ ઊંચું આવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં આવી પ્રોડક્ટની ખૂબ માગ હોય છે, પણ આવી ઘણી પ્રોડક્ટ ખાસ જાણીતી ન હોવાને કારણે તે બહોળા ગ્રાહકવર્ગ સુધી પહોંચી શકતી નથી અને અમે તે કરવા માગીએ છીએ.’
ગુજરાતની આ વસ્તુઓને જીઆઈ ટેગ છે
ખેત પેદાશો – ગીરની કેસર અને ભાલિયા ઘઉં
હસ્તકલાની ચીજવસ્તુઓ – પાટણના પટોળા, સંખેડાનું ફર્નિચર, જામનગરની બાંધણી, ખંભાતના અકીક, કચ્છનું ભરતકામ, ટંગાળિયા શાલ, સુરતનું જરીકામ, કચ્છી શાલ, વારલી પેઇન્ટિંગ, રાજકોટના પટોળા અને પેથાપુરના પ્રિન્ટિંગ બ્લોક્સ
GI એટલે જ્યોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન
જીઆઈ ટેગ એટલે કે જ્યોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન. આ ટેગ એવી વસ્તુઓને મળે છે, જે ચોક્કસ વિસ્તાર કે સ્થળ સાથે સંલગ્ન હોય અને ત્યાંની યુનિક વસ્તુ હોય અને ત્યાં જ બનતી હોય. જીઆઈ ટેગ માટેના કાયદા અનુસાર દેશના રજિસ્ટ્રાર જે-તે વસ્તુને જીઆઈ ટેગ આપે છે અને તે પેટન્ટ્સ, ડિઝાઇન અને ટ્રેડમાર્કના કન્ટ્રોલર જનરલના નિયમન હેઠળ આવે છે. દેશમાં કુલ 350 વસ્તુ જીઆઈ ટેગ ધરાવે છે.