ઉત્તર ગુજરાતમાં વૃદ્ધ મુસાફરોને રિક્ષામાં બેસાડી છરી અણીએ લૂંટ ચલાવતી ગેંગ પકડાઈ
* ધાર્મિક સ્થળોએ દર્શનના બહાને આવી વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતાં * હારિજ પોલીસે મહિલા સહિત 4 શખ્સોને ઝડપ્યા,7 ગુનાના ભેદ ઉકેલાયો
ઉત્તર ગુજરાતના રાધનપુર, સમી, પાટણ, બહુચરાજી, અંબાજી, મહેસાણા, પાલનપુર વિસ્તારમાં રાત્રી દરમિયાન અલગ-અલગ હોટેલોમાં રોકાઈ એકલદોકલ વૃદ્ધોને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ આચરતી ગેંગને હારિજ પોલીસે હારિજ નજીક હાઇવે પરથી પકડી પાડી છે. તે ગેંગની પૂછપરછ કરતા હારિજ, રાધનપુર, મહેસાણા, અમદાવાદ તેમજ વરાણા, બહુચરાજી, અંબાજી સહિત ધાર્મિક સ્થળોએ દર્શને જવાના બહાને તે વિસ્તારમાં જઈ ઉંમરલાયક લોકોને રિક્ષામાં બેસાડી લૂંટો કર્યાનો પર્દાફાશ થયો છે.
હારિજ-પાટણ રોડ ઉપર રોડા ગામના 65 વર્ષીય કાંતિલાલ મણિલાલ તુરીને 21 જૂને રાત્રિના સમયે 4 શખ્સોએ રિક્ષામાં બેસાડી પાકીટમાંથી રોકડ રકમ, આધારકાર્ડ, પાનકાર્ડ, સહિતની લૂંટ કરી નાસી ગયા હતા. આ બાબતે હારીજ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલની સૂચનાને પગલે હારીજ પોલીસની ટીમ આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી તે વખતે હારિજ-રાધનપુર હાઇવે રોડ ઉપર ગેલેક્સી હોટલ પાસેથી પોલીસે બાતમી આધારે મહિલા સહિત 4 શખ્સો પકડી પૂછપરછ કરતાં રોડા પાસે થયેલી લૂંટની કબૂલાત કરી હતી.
તેમની પાસેથી રોકડ રૂ.22,350, 5 મોબાઈલ, એક છરો, આધારકાર્ડ, પાનકાર્ડ, આયુષ્માન કાર્ડ સહિત એક રીક્ષા જપ્ત કરી હતી. ચારેયની લૂંટના ગુનામાં અટકાયત કરી કોર્ટમાં રજુ કરી 4 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓ અગાઉ ભાવનગર અમદાવાદ અમરેલીમાં ચોરીના ગુનામાં પકડાયેલા છે.
* લૂંટ ચલાવતી ગેંગે કબુલ કરેલા ગુના
- 10 જૂનના રોજ વરાણા ગામે હાઈવે ઉપર એક ઉંમરલાયક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી રૂ 15000 પડાવી લીધા હતા
- 10 જૂનના રોજ રાધનપુરમાં માર્કેટયાર્ડ પાસે રોડ ઉપરથી એક ઉંમરલાયક વ્યક્તિને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂપિયા 15000 કાઢી લીધા હતા
- 25 મે રાધનપુર ચાર રસ્તા ખાતે એક ઉંમરલાયક વ્યક્તિને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રૂ 35,000 કાઢી લીધા હતા
- 18મે મહેસાણા ખાતે રાધનપુર ચોકડી પર એક મહિલાને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી પાકીટમાંથી રૂ 10000નો મોબાઈલ ની ચોરી કરી હતી
- 15 મે અમદાવાદ શિવરંજની શ્યામલ ચાર રસ્તા પાસે એક ઉંમરલાયક વ્યક્તિને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રૂ10000ના મોબાઇલની ચોરી કરી હતી
- 18 મે મહેસાણા ખાતે રાધનપુર ચાર રસ્તા પાસેથી એક મહિલાને રિક્ષામાં બેસાડી રૂ 10000ના મોબાઇલની ચોરી કરી હતી.
*મુસાફરો વિશ્વાસ કરે તે માટે રિક્ષામાં સાથે યુવતીને રાખતા
આ ગેંગના સભ્યો માં એક યુવતીને સાથે રાખતા જેથી મુસાફરો યુવતીને જોઈને વિશ્વાસ કરી રિક્ષામાં બેસી જાય છે.જેમાં હાઈવે રોડ ઉપર એકલા ઉભેલા પેસેન્જર ખાસ કરીને વૃદ્ધોને રિક્ષામાં બેસાડી આગળ અવાવરૂ અંધારાવાળી જગ્યાએ લઈ જઈ છરી બતાવી રોકડ રકમ મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓની લૂંટ કરતા હતા.
*પકડાયેલા શખ્સો
- અનિલ સવજીભાઈ સોલંકી રહે.રાજુલા જી.અમરેલી
- ધનજી પ્રેમજીભાઈ દેવીપુજક રહે.તત્વજતી,રાજુલા
- સન્ની સુરેશભાઈ જોગમાયા રહે.અમદાવાદ
- પિન્કીબેન મહેન્દ્રભાઈ વાઘેલા રહે.અમદાવાદ
અહેવાલ – મુરતુજલી સૈયદ