તારક મહેતા લખે કે વિનોદ ભટ્ટ લખે, લોકો વાંચવાના જ. એક્ટર પરેશ રાવલ હોય તે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ, તેના ઢગલો ફેન્સ હોવાના જ. એક-એક નામ લખતા જઈએ તો બ્રાહ્મણ મહાનુભાવોની યાદીનો અંત નથી. ચન્દ્રશેખર આઝાદ, બાલ ગંગાધર તિલક, લાલ બહાદુર શાસ્ત્રી, વિનોબા ભાવે, મોરારજી દેસાઈ અને ભાજપ જેના નામને આગળ ધરે છે તે વીર સાવરકર પણ બ્રાહ્મણ હતા. ભારત સરકારે જેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા એ ગુજરાતના પુત્ર નાનાલાલ ત્રિવેદી બ્રાહ્મણ છે. નાનાલાલને લોકો સ્વામી સચ્ચિદાનંદથી વધારે ઓળખે છે. બ્રહ્મ સમાજ ખૂબ મોટો છે પણ કડવું સત્ય એ છે કે આ સમાજ પાટીદારોની જેમ સંગઠિત નથી. આ શિક્ષિત સમાજ અસંગઠિત છે એટલે તેનો દરેક મોરચે ગેરલાભ લેવાયો છે. બ્રાહ્મણો જ વિચારે કે તેમની વોટબેન્ક છે? જો હા તો ક્યાં છે? સરકારમાં બ્રાહ્મણોનું સ્થાન ક્યાં છે? આ બધા સવાલો ત્યારે સામે આવે જ્યારે ચૂંટણીમાં જાતિવાદની વાત આવે.
RSS અને બ્રાહ્મણો
ભાજપ કરતાં ય સવિશેષ તો તેની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બ્રાહ્મણવાદી સંગઠન ગણાય છે. સંઘ ભલે પોતાની સામાજિક સમરસતાની છબિ અંગે ગમે એટલા પ્રયાસો કે દાવા કરે, પરંતુ તેની પ્રચલિત છાપ બ્રાહ્મણોના વર્ચસ્વની રહી છે. સંઘના આરંભિક સરસંઘચાલકો અને અન્ય પદાધિકારીઓ મુખ્યત્વે બ્રાહ્મણો જ રહ્યા છે. એ જ રીતે જનસંઘમાં અને ભાજપમાં પણ બ્રાહ્મણોનું વર્ચસ્વ રહ્યું છે. ગુજરાતમાં ભાજપના આરંભિક કાળથી આજ સુધી બ્રાહ્મણો તેની કમિટેડ વોટબેન્ક ગણાય છે, પરંતુ બ્રાહ્મણોને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું, નેતૃત્વ નથી મળતું એ વાત પણ સાચી છે. આ વખતે આમઆદમી પાર્ટીની હાજરી ભાજપના વિકલ્પ તરીકે ન ઊભરે એ માટે ભાજપે પોતાની કમિટેડ વોટબેન્ક સાચવવા નવેસરથી વ્યૂહરચના અપનાવી છે એટલે જ ગયા વખતે 2017માં ભાજપે 9 બ્રાહ્મણને ટિકિટ આપી હતી, આ વખતે 13 બ્રાહ્મણને ટિકિટ આપી છે. આમ તો 14ને આપી હતી, પણ એકની ટિકિટ પાછી લઈ લીધી.
બ્રાહ્મણો અને જ્ઞાતિનાં સમીકરણો
ગુજરાતમાં બ્રાહ્મણ, વાણિયા, સોની, લોહાણા જેવા સવર્ણ મતદારોની સંખ્યા આશરે 11% જેટલી છે. ક્ષત્રિયો 6% જેટલા હોવાનું મનાય છે. બ્રાહ્મણ મતદારોની સંખ્યા વેરવિખેર હોવાથી ભાવનગર પૂર્વ જેવી બેઠકોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ વિધાનસભા બેઠક એવી છે, જ્યાંથી બ્રાહ્મણ ઉમેદવારની જીત નિશ્ચિત મનાય. આમ છતાં બ્રાહ્મણોના પ્રભાવને એકેય પક્ષ અવગણતો નથી, એટલે જ જે બેઠકો પર જ્ઞાતિ સમીકરણો ખાસ અસ્તિત્વમાં ન હોય ત્યાં બ્રાહ્મણ ઉમેદવારોને તક મળતી રહે છે. વડોદરાની રાવપુરા બેઠક પરથી ધારાસભ્ય, મંત્રી બનેલા રાજેન્દ્ર ત્રિવેદી તેનું ઉદાહરણ છે. વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ પણ જ્ઞાતિવાદી સમીકરણોની ગેરહાજરીમાં લોકસભા સુધી પહોંચી શક્યાં છે. એ જ રીતે ડો. નીમાબહેન આચાર્ય પણ જ્ઞાતિ સમીકરણો વગર પણ ધારાસભ્ય બન્યાં છે.
ભાજપે રાજ્યસભાના સાંસદ તરીકે અગાઉ રાજકોટના અભય ભારદ્વાજને તક આપી હતી. તેમના આકસ્મિક નિધન પછી રામભાઈ મોકરિયાને રાજ્યસભામાં મોકલીને બ્રાહ્મણ લોબીને રાજી રાખી છે. કોંગ્રેસે પણ અમીબહેન યાજ્ઞિકને રાજ્યસભામાં મોકલ્યાં છે. આ જ અમીબેન યાજ્ઞિકને કોંગ્રેસે અમદાવાદની ઘાટલોડિયા સીટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે ઉતાર્યાં છે. ભાજપના સંગઠનમાં પ્રદેશમંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મીડિયા સેલ ઈન્ચાર્જ યજ્ઞેશ દવેને સ્થાન મળ્યું છે.
સીટ કબજે કરવા બ્રાહ્મણોની કમિટિ
UPની ચૂંટણીમાં બ્રાહ્મણોના મત માટે કમિટી બનાવવામાં આવી હતી. એમાં સફળતા મળી હતી. એટલે હવે ગુજરાતની ચૂંટણીમાં પણ બ્રહ્મસમાજની કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં બ્રહ્મસમાજમાં સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવાઈ છે. ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપ એવું દર્શાવી રહી છે કે આગામી ચૂંટણીમાં જીત આસાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમ પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ ભાજપે ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની અધ્યક્ષતામાં 6 બ્રહ્મ અગ્રણીઓની કમિટી બનાવાઈ છે, જેમાં બરોડાનાં સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ગુજરાત ભાજપ મીડિયા યજ્ઞેશ દવે અને જ્હાનવી વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુસ્લિમ અને પાટીદાર મતદારો છે ત્યાં બ્રાહ્મણ ઉમેદવારો
2022ની વાત કરીએ તો ભાજપે ગયા વખત કરતાં આ વખતે બ્રાહ્મણોને વધારે ટિકિટ આપી છે. આ બેઠકો એવી છે, જ્યાં બ્રહ્મ સમાજના મતદારોનું ખાસ પ્રભુત્વ પણ નથી. કચ્છની માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવેની સામે કોંગ્રેસે રાજેન્દ્ર જાડેજા અને આમ આદમી પાર્ટીએ ગઢવી આગેવાનને ટિકિટ આપી છે. કોળી પટેલ મતદારોના વિસ્તાર નવસારીમાં ભાજપના બ્રાહ્મણ ઉમેદવાર પીયૂષ દેસાઈ સતત બે ટર્મથી જીતે છે અને ત્રીજી ટર્મમાં પણ તેમને ટિકિટ મળી છે. દેસાઈની સામે બંને કોળી પટેલ ઉમેદવારો છે. સુરતની ચોર્યાસી સીટ પરથી સંદીપ દેસાઈને ઉતાર્યા છે. તો વર્તમાન નાણામંત્રી કનુ દેસાઈને વલસાડ જિલ્લાની પારડી સીટ પર રિપીટ કર્યા છે. કનુભાઈની સામે પણ કોંગ્રેસ અને આપના ઉમેદવાર કોળી પટેલ છે.
ઉત્તર ગુજરાતની પાલનપુર બેઠક પર ભાજપ છેલ્લી બે ટર્મથી પ્રજાપતિ ઉમેદવારને ઉતારે છે અને કોંગ્રેસ મહેશ પટેલને ઉતારે છે. બે ટર્મથી મહેશ પટેલ જીતે છે. આ વખતે ભાજપે પાલનપુર બેઠક પર નવો પ્રયોગ કરવા અનિકેત ઠાકરને ટિકિટ આપી છે. ભાજપના બીજા એક ઉમેદવાર પણ ઠાકર છે. નામ અમિત ઠાકર. એની બેઠક વેજલપુર. આ વિસ્તારમાં સૌથી વધારે મુસ્લિમ મતદારો છે અને ત્યાં બ્રાહ્મણને ટિકિટ આપી છે. જોકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પટેલ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જમાલપુર-ખાડિયા બેઠક પર મુસ્લિમ મતદારો વધારે. આ બેઠક બ્રાહ્મણની બેઠક નથી પણ અશોક ભટ્ટની બેઠક ગણાય છે અને એટલે જ ભાજપે અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને ટિકિટ આપી. ગયા વખતે ભટ્ટ જીત્યા હતા.
મણિનગર વિસ્તારમાં પણ ભાજપે બે ટર્મથી ચૂંટાતા સુરેશ પટેલને બદલે અમુલ ભટ્ટને તક આપી છે. તેની સામે કોંગ્રેસના રાજપૂત અને આમ આદમી પાર્ટીના પટેલ ઉમેદવાર મેદાનમાં છે. ખંભાતમાં ભાજપના મહેશ રાવલની સામે કોંગેસના પટેલ અને આપના ક્ષત્રીય ઉમેદવાર લડે છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા સીટ પર ભાજપે પહેલીવાર બ્રહ્મ ઉમેદવાર ઉતાર્યા છે. અહીં કોંગ્રેસના ગુલાબસિંહ અને આપના સોલંકીની સામે ભાજપના જિજ્ઞેશ સેવક લડે છે. ડભોઈમાં ભાજપના શૈલેષ મહેતા (સોટ્ટા)ની સામે કોંગ્રેસે પટેલ ઉમેદવાર ઉતાર્યા છે. આ સીટ સિદ્ધાર્થ પટેલની હતી.
વડોદરાની આકોટા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ બ્રહ્મ ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપના ચૈતન્ય દેસાઈની સામે કોંગ્રેસના ઋત્વિક જોશી લડે છે. વડોદરાની જ રાવપુરા બેઠક પરથી ભાજપના બાલકૃષ્ણ શુક્લ છે પણ કોંગ્રેસમાંથી પટેલ ઉમેદવાર લડે છે. વડોદરાની બંને બેઠક આકોટા અને રાવપુરામાં પટેલ અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે.
કોંગ્રેસ પાસે બે મજબૂત બ્રાહ્મણ ઉમેદવારો છે. એક રાજકોટ ઈસ્ટ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુ અને બીજા ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક. આમ આદમી પાર્ટીએ પણ રાજકોટ વેસ્ટમાં દિનેશ જોશીને ઉતાર્યા છે.
વઢવાણની સીટ પર ભાજપે બ્રાહ્મણ ઉમેદવાર કેમ બદલ્યા?
વઢવાણ બેઠક પર બ્રાહ્મણ સમાજના અને વર્ષ 2007થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત જિજ્ઞા પંડ્યાને ભાજપે વઢવાણ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યે હજુ તો ગણતરીના દિવસો જ વીત્યા ત્યાં તો એકાએક તેમને બદલી નાખી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપપ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેવામાં આવી. એ સમયે જિજ્ઞા પંડ્યાએ કહેલું કે પાર્ટીના પ્રદેશ આગેવાનોએ મને કહ્યું એટલે મેં ચૂંટણી લડવાની ના કહી દીધી છે. પાર્ટીનો આદેશ સર્વોપરિ છે અને પ્રધાનમંત્રી તેમજ ભાજપે મને તક આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.
ગયા વખતે બ્રાહ્મણોએ કોંગ્રેસને કેટલા મત આપ્યા હતા?
2017ના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે રાજ્યના 31 ટકા બ્રાહ્મણ સમાજે કોંગ્રેસને મત આપ્યો હતો. કોંગ્રેસને અગાઉની ચૂંટણી કરતાં આ સમાજમાંથી 4 ટકા વધુ મત મળ્યા હતા. બીજી તરફ જો ભાજપની વાત કરીએ તો તેને બ્રાહ્મણ સમુદાયના 64 ટકા વોટ મળ્યા છે, જે 2012 કરતાં એક ટકા ઓછા છે. રાજ્યમાં 22 બેઠકો પર બ્રાહ્મણ મતદારોની સંખ્યા પણ નિર્ણાયક છે.
જયનારાયણ વ્યાસે શું કહ્યું?
ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેણમે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહેલું કે ગુજરાતની કુલ વસતિના 4.50% બ્રાહ્મણો છે. તેમાંથી 3% કે 3.50% બ્રાહ્મણો એક જ દિશામાં મતદાન કરે તો રાજ્યની 182માંથી 123 સીટનું પરિણામ બદલાઈ શકે. બ્રાહ્મણોની ઉપેક્ષા વધારે થાય છે, એ દયનીય હાલતમાં છે. નથી કોઈ તેનું સરકારમાં કે નથી કોઈ તેનું નેતૃત્વ. આખરે બ્રાહ્મણોએ જવાનું ક્યાં? નોકરીઓ તો મળવાની નથી. કોરોનામાં સરકારે કહેલું કે અમે પૂજારીઓને પૈસા આપીશું. પૂજારીઓ પાસે ફોર્મ ભરાવ્યા પછી બધું અટકી ગયું.
બ્રહ્માના મુખમાંથી ઉદભવ્યો બ્રહ્મ સમાજ
પુરુષસુક્તમાં શ્લોક છે-
બ્રાહ્મણોઅસ્ય મુખમાસીદ્ બાહુ રાજન્યઃ કૃતઃ ।
ઉરુતદસ્ય યદ્વૈશ્ય પાદાભ્યાં શુદ્રો અજાયતઃ ॥
અર્થાત- બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી જન્મ્યા છે, ક્ષત્રિય તેમના બાવડામાંથી, વૈશ્ય તેમની વરદાનથી અને શુદ્ર તેમના ચરણમાંથી જન્મ્યા છે. બ્રાહ્મણો પુરાતન કાળથી સનાતન ધર્મનું પાલન કરતા આવ્યા છે અને બ્રાહ્મણોને સૂચિત કરાયેલાં કામ કરતાં આવ્યા છે, જેમકે વેદનો અભ્યાસ કરવો, ધર્મનું પાલન કરવું અને ધર્મ બતાવવો, વેદોક્ત કર્મકાંડ કરવું, વેદની વિવિધ શાખા જ્યોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નૃત્ય, અર્થશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવું.
બ્રાહ્મણો તેમની મૂળ આજીવિકા કર્મકાંડ હોવાથી મહદંશે આખા ભારતમાં વિવિધ સ્થળોએ સ્થાયી થયા છે. શાસ્ત્રાનુસાર ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌર અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજિત કરાયા છે. ગુજરાતમાં બ્રાહ્મણોની પેટાજ્ઞાતિઓ ઘણી છે. તપોધન, રાવલ, ઔદીચ્ય, ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા, નાગર, મોઢ, બાજખેડાવાળ, ઉદુમ્બરક, શ્રીમાળી, વગેરે તથા બીજી અનેક પેટાજ્ઞાતિ હાલમાં અસ્તિત્વમાં છે.
બ્રાહ્મણોને શિક્ષણ, જ્યોતિષ. કર્મકાંડ અને સલાહકાર તરીકે કાર્ય કરવાના હોય છે એવું શાસ્ત્રોમાં લખેલું છે. પ્રાચીનકાળમાં બ્રાહ્મણો સલાહકારની ભૂમિકા પણ અદા કરતા હતા. રાજાશાહી સમયમાં ઘણા રાજાના મંત્રી તરીકે બ્રાહ્મણો ફરજ બજાવતા હતા. અકબરના સલાહકાર અને મિત્ર બિરબલ અને રાજા કૃષ્ણદેવરાયના સલાહકાર તેનાલીરામ પણ બ્રાહ્મણ હતા.
બ્રાહ્મણોની 100 જેટલી પેટાજ્ઞાતિ
બ્રાહ્મણોની પેટાજ્ઞાતિઓમાં નાગર (6 પેટાજ્ઞાતિ), મોઢ (6 પેટાજ્ઞાતિ), શ્રીગોડ (4 પેટાજ્ઞાતિ), ઔદીચ્ય (3 પેટાજ્ઞાતિ), મેવાડા (3 પેટાજ્ઞાતિ), શ્રીમાળી, સોમપુરા, સારસ્વત, સાંચોરા, લાડ વગેરેનો સમાવેશ થાય છે. હવે તો અનેક નવી ઘણી પેટાજ્ઞાતિઓ ઉમેરાઈ ગઈ છે, એટલે ભારતમાં પેટાજ્ઞાતિઓની સંખ્યા 100થી પણ વધુ હોવાનું માનવામાં આવે છે.
બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામ
ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર ગણાય છે. એ બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે. દધીચિ ઋષિના અસ્થિનું બનેલું અસ્ત્ર પરશુ ભગવાન શિવે તેમને આપ્યું હતું. સાત ચિરંજીવીઓમાં એક પરશુરામ છે. પરશુરામ અમર છે. આ સિવાય બ્રહ્માના પુત્ર હોવાથી નારદજી પણ બ્રહ્મર્ષિ નારદ, આયુર્વેદાચાર્ય ઋષિ ચરક, ઝીરોની શોધ કરનાર આર્યભટ્ટ પણ બ્રાહ્મણ હતા. સમાજમાં કુરીતિનો વિરોધ કરનાર બ્રાહ્મણ વંશના દયાનંદ સરસ્વતી અને ગણિતજ્ઞ રામાનુજન પણ ભૂદેવ હતા.
બ્રાહ્મણોના વેદાંગ
કર્મકાંડી, જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણો માટેના ગ્રંથોમાં ઘણા વેદાંગ કહેવાય છે. એક સૂચિ પર નજર કરીએ તો ઋગ્વેદમાં ઐતરેય બ્રાહ્મણ તથા કૌષીતકી બ્રાહ્મણ ગ્રંથ છે. સામવેદના વેદાંગ તરીકે પ્રૌઢ બ્રાહ્મણ, ષડવિંશ બ્રાહ્મણ, આર્ષેય બ્રાહ્મણ, મંત્ર (છાંદિગ્ય) બ્રાહ્મણ, તથા જૈમિનીય બ્રાહ્મણ છે. યજુર્વેદમાં પણ શુકલ યજુર્વેદમાં શતપથ બ્રાહ્મણ, કૃષ્ણ યજુર્વેદમાં પણ તૈતિરિય બ્રાહ્મણ, મૈત્રાયણી બ્રાહ્મણ, કઠબ્રાહ્મણ તથા કપિષ્ઠલ બ્રાહ્મણનો સમાવેશ થાય છે. ચાણક્ય જેવા રાજનીતિજ્ઞ ચતુરાઇથી આખા રાજયની સત્તા બદલી શકે છે તો પેશ્વા બાજીરાવ જેવો બ્રાહ્મણ રાજસત્તા પર આરૂઢ પણ થઈ શકે છે. બ્રાહ્મણોમાં વટ છે, એ વચન પાળી જાણે છે, એ વિદ્વાન છે. જરૂર છે માત્ર સંગઠિત થવાની.