ગાંધીનગરના વાવોલનો યુવક આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કરીને પસ્તાયો, પિયરમાં વાતચીતનો દોર શરૂ થયા પછી પત્નીનું બ્રેઇન વોશ થઈ જતાં ઘર છોડીને જતી રહી
ગાંધીનગર જીલ્લાના વાવોલમાં રહેતા સુખી અને સપન્ન પરિવારના યુવકને સુરતની યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરીને હવે પસ્તાવાનો વારો આવ્યો છે. એક સમયે પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન કરનારી યુવતીનું પિયરમાં વાતચીતનો દોર શરૂ થયાં પછી બ્રેઈન વોશ થઈ ગયું હતું. ત્યારે યુવતીના પિયરીયા ઘરે આવીને જાહેરમાં જાતિ વિષયક અપમાનિત કરવા લાગ્યાં છતાં પતિને તરછોડીને યુવતી પરત પોતાના ઘરે જતી રહેતાં ગાંધીનગરના સેકટર-7ની પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગર જીલ્લાના વાવોલમાં રહેતાં જીઈબીનાં નિવૃત એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો દીકરો ગાંધીનગરના સેકટર-16ની ખાનગી બેંકમાં રિલેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. ત્યારે વર્ષ 2015માં સુરતની માહી નામની યુવતી વિનશ કોલેજમાં અભ્યાસ કરતી હતી. એ વખતે વિનયને તેના મિત્ર દ્વારા માહી સાથે સંપર્ક થયો હતો. ત્યાર બાદ વાતચીતનો દોર શરૂ થતાં તે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પ્રસ્થાપિત થયો હતો. ત્યારબાદ વિનય માહીને લઈને પોતાના ઘરે મળવા લઈ ગયો હતો. તે પછી માહી અવારનવાર વિનયના ઘરે જવા લાગી હતી. અને 21 ફેબ્રુઆરી 2019 ના રોજ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.
માહી પોતાનો અભ્યાસ ચાલુ હોવાથી પિયરનાં સપોર્ટથી તે તેના મિત્રો સાથે રહેતી હતી, અને ઘરે આવતી જતી રહેતી હતી. ત્યાર બાદ વર્ષ 2021 માં જન્માષ્ટમીનાં રોજ માહી તેની સાસરીમાં રહેવા આવી ગઈ હતી. ત્યારે તેણે લગ્ન કર્યાનું મેરેજ સર્ટિફિકેટ પોતાના પિયરમાં મોકલ્યું હતું. આમ બંને પતિ પત્નીનો ઘર સંસાર સરસ મજાનો ચાલતો હતો. પણ ત્રણ મહિના પછી માહીએ તેની માતા સાથે ટેલીફોનીક સંપર્ક વધાર્યો હતો. જે પછીથી માહીનાં સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો અને તે અલગ રહેવા જવાની જીદ કરવા લાગી હતી. જો કે વિનયે પરિવારથી અલગ થવાની ઘસીને ના પાડી દીધી હતી. ગત તા. 29 ડિસેમ્બર 2021 ના રોજ માહીની માતા તેના કોઈ સગા સાથે વાવોલ ખાતે આવ્યા હતા. સોસાયટીમાં જાહેરમાં જોરશોરથી પોતાના જમાઈ વિનયને જાતિ વિષયક અપમાનિત કરીને ઘરના દરવાજા પાસે પહોંચ્યા હતા. જ્યાં જઈને પણ નીચી જાતિના લોકોના ઘરે પગ ના મૂકીએ અભડાઈ જઈએ કહીને માહીને પોતાની સાથે લઈ જવા લાગ્યા હતા. જેથી માહી તેની માતા સાથે જવા તૈયાર થઈ ગઈ હતી. જેને રોકવાનો બધાએ ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તેઓએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
એક સમયે પોતાની મરજીથી ભાગીને લગ્ન કરનાર માહી – વિનયનો ઘર સંસાર બગડે નહીં તેથી આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ આજદિન સુધી માહી પરત સાસરીમાં નહીં આવતાં આખરે વિનયની માતાએ ફરિયાદ આપતા સેકટર – 7 પોલીસે સુરત સાઈનાથ પેલેસ શિલ્પા પાર્ક સોસાયટીમાં રહેતી પુત્રવધૂની માતા અને તેની સાથે આવેલા રાજુ નામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.