ગાંધીનગરના પાલજ ગામમાં પતિ-જેઠ સાથે દારૂ પીને આવતો અને પત્નીને ત્રાસ આપતો, આડા સંબંધો હોવાની શંકા રાખી મારઝૂડ કરતો
ગાંધીનગરના જીલ્લાનાં પાલજ ગામમાં દારૂના વ્યસને વધુ એક પરિણીતાનો ઘર સંસાર બગાડયો છે. દારૂની લતે ચડી ગયેલો પતિ જેઠ સાથે દારૂ પીને ઘરે આવી પત્નીને આડા સંબંધો હોવાની શંકા રાખી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તો સાસુ પણ બંને દીકરાનું ઉપરાણું લઈને આખો તમાશો જોયા કરીને પુત્રવધૂનાં વાંધા વચકા કાઢી ચઢવણી કર્યા કરતી હતી. આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગુજરાતમાં દારૂના દૂષણનાં કારણે અનેક સુખી લગ્ન જીવનમાં ભંગાણ પડ્યાનાં બનાવો બન્યા છે. છતાં પણ ગુજરાતમાં દારૂ બંધીનો કડક કાયદો હોવાનો સરકાર દાવો કરે છે. જો કે સરકારી ચોપડે જ નોંધવામાં આવતી ફરિયાદમાં સરકારના દાવા પોકળ હોવાની સાબિતી મળી જાય છે. જેનો તાજો દાખલો પાલજની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પરથી મળી રહ્યો છે. ગાંધીનગરની યુવતીના લગ્ન એપ્રિલ 2014 માં પાલજ ગામના યુવક સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન પછી પરિણીતા સાસરીમાં રહેવા આવી હતી. એક વર્ષ સુધી પતિ પત્નીનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. પરંતુ ધીમે ધીમે પતિ દારૂની લતે ચઢી ગયો હતો. જેનાં કારણે સુખી લગ્ન જીવનમાં દંપતી વચ્ચે ઝઘડા શરૂ થવા લાગ્યા હતા.
આ દરમિયાન દીકરીને જન્મ આપતાં પતિ, સાસુ અને જેઠને ગમતું નહીં હોવાથી પરિણીતાને ત્રાસ આપવાનું વધી ગયું હતું. ત્યારે પોતાનો ઘર સંસાર બચાવવા માટે પત્ની મૂંગા મોઢે ત્રાસ સહન કરી દીકરીના ભવિષ્યનો વિચાર કરી સાસરીમાં રહેતી હતી. જોકે, સમય જતાં પતિ દારૂની લતે એવો ચડયો કે તેણે કામધંધો કરવાનું જ બંધ કરી દીધું. આથી ઘરમાં પૈસાની તંગી પડતાં પરિણીતા મજૂરી કામ કરવા મજબૂર બની હતી. જેનાં પરસેવાની કમાણી પતિ મારઝૂડ કરીને લઈ જઈ દારૂ પીવા લાગ્યો હતો. એમાંય ઓછું હોય પિયરમાંથી કે અન્ય કોઇ માણસ મળવા આવે તો પતિ આડા સંબંધોની શંકા કુશંકા રાખી મારઝૂડ કરતો હતો અને પિયર જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જ્યારે સાસુ પણ કામ બાબતે વાંધા વચકા કાઢીને ત્રાસ આપી બાકીની કસર પુરી કરી દેતા હતા.
આખરે પરિણીતા કંટાળીને પિયરમાં જતી રહેતી હતી. પરંતુ માતા પિતા સમજાવીને તેને પાછા સાસરી મોકલી આપતા હતા. ત્યારે થોડા દિવસ પછી એજ ઘટનાઓનું પુનરાવર્તન શરૂ થઈ જતું હતું. હવે તો પતિ અને જેઠ સાથે દારૂ પીને ઘરે આવીને પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. તો બંને દીકરાનું ઉપરાણું લઈને સાસુ પણ બધો તમાશો જોયા કરતી હતી. આમ લગ્ન જીવનને ટકાવી રાખવા અનેક પ્રયત્નો કર્યા છતાં દારૂની લતે ચઢેલા પતિએ ત્રાસ આપવાની તમામ હદો વટાવી દેતા પત્નીએ મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અહેવાલ – તેજાજી ચૌહાણ