ક્લાસ ટૂ અધિકારીનું ઇલુ ઇલુ:સાહેબે અડાલજ પાસેનો ફ્લેટ રંગરેલિયાં મનાવવાનો અડ્ડો બનાવી દીધો, પત્નીએ લોકેશન ટ્રેક કરીને રેડ પાડતાં ભાંડો ફૂટ્યો

Views 144

ક્લાસ ટૂ અધિકારીનું ઇલુ ઇલુ:સાહેબે અડાલજ પાસેનો ફ્લેટ રંગરેલિયાં મનાવવાનો અડ્ડો બનાવી દીધો, પત્નીએ લોકેશન ટ્રેક કરીને રેડ પાડતાં ભાંડો ફૂટ્યો

  • પતિ ઓફિસની મહિલા સહકર્મચારીને પ્રેમ જાળમાં ફસાવી ફ્લેટ પર લઈ ગયો હતો
  • અચાનક પત્ની રણચંડી બનીને ફ્લેટ પર ત્રાટકતાં પ્રેમીપંખીડાં હચમચી ગયાં

     સરકારમાં ફરજ બજાવતા 38 વર્ષીય એક ક્લાસ ટૂ અધિકારીએ પોતાનો અડાલજ પાસેનો ફ્લેટ રંગરેલિયાં મનાવવાનો અડ્ડો બનાવી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી પતિનાં કરતૂતો જાણી ગયેલી પત્નીએ બહુ વખત પીછો કર્યો હતો, પણ પતિ રંગેહાથ ઝડપાતો નહોતો. આખરે લોકેશન ટ્રેક કરીને અચાનક જ ફ્લેટ પર રેડ પાડી પ્રેમિકા સાથે પતિને રંગેહાથ ઝડપી લઈ કલાસ ટૂ અધિકારીનાં કરતૂતનો ભાંડો ફોડી નાખવામાં આવ્યો છે, જેને પગલે પરિવારની હાજરીમાં પતિ પત્ની વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર.
                                                                                                પ્રતીકાત્મક તસવીર.   

*રંગીન મિજાજી ક્લાસ ટૂ અધિકારીને લગ્નનાં 13 વર્ષ થયાં
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા રંગીન મિજાજી કલાસ ટૂ અધિકારીનાં 13 વર્ષ અગાઉ સામાજિક રીતરિવાજો મુજબ લગ્ન થયા છે. ક્લાસ ટૂ અધિકારી હોવાના નાતે અમદાવાદ ગાંધીનગરમાં હોદ્દાને અનુરૂપ પ્રોપર્ટી પણ વસાવી છે. લગ્નનાં વર્ષો પછી પણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. શરૂઆતમાં કલાસ ટૂ અધિકારી પત્નીની ખૂબ કાળજી રાખી અનહદ પ્રેમ વરસાવતા હતા, એટલે પત્નીને એમ હતું કે સાહેબ (ક્લાસ ટૂ અધિકારી) તો તેને જ બહુ પ્રેમ કરે છે.

*આખો દિવસ ઈલુ ઈલુ કરીને ઘરે પહોંચતાં જ સાહેબ પત્નીવ્રતા બની જતા
પત્નીને ક્યાં ખબર હતી કે અધિકારી પતિ આખો દિવસ પ્રેમિકાઓને પ્રેમ કરતાં કરતાં ઘરે આવીને પત્નીવ્રતા બની જાય છે. આમને આમ સમય વીતતો ગયો અને લગ્નનાં દસ વર્ષ પણ સુખેથી પસાર થઈ ગયાં હતાં. જોકે હવે સાહેબ મોડા આવવા લાગ્યા, સતત ફોન વ્યસ્ત આવે એટલે પત્ની અનેક સવાલો કરવા લાગી હતી અને દર વખતે ઓફિસમાં બહુ કામ હોય છે કહીને વાતને ટાળી દેવામાં આવતી હતી.

*સાહેબનાં ચાર-પાંચ યુવતી સાથે લફરાં ચાલી રહ્યાં છે
પત્નીને કંઇક ગરબડ હોવાનો અંદાજો આવી ગયો હતો, જેથી પતિ પર નજર રાખવાની શરૂઆત કરી ત્યારે જઈને માલૂમ પડ્યું કે સાહેબને ચાર-પાંચ યુવતી સાથે લફરાં ચાલી રહ્યાં છે, જે અંગે પરિવારમાં પણ પત્નીએ સાહેબનાં કરતૂતોની વાત જાહેર કરી દીધી હતી. તો ઊલટાનું સાહેબે તો પરિવારને કહી દીધું કે પત્નીની માનસિક સ્થિતિ સારી નથી એટલે આવા ખોટા આક્ષેપ કરી રહી છે.

*આખરે ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકેશન ટ્રેક કર્યું
પરિવારે પણ સાહેબની કહાની પર વિશ્વાસ મૂકી દીધો હતો, પરંતુ પત્નીને કોઈપણ ભોગે પતિને રંગેહાથ ઝડપી પાડવો હતો, જેથી કરીને પતિની પાછળ પાછળ જવા લાગી, પણ કોઈ મેળ પડતો ન હતો. આખરે ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકેશન ટ્રેક કર્યું તો માલૂમ પડ્યું કે સાહેબ ગાંધીનગર અડાલજ પાસેના ફ્લેટમાં છે, આથી પરિવારજનોને પહેલા બોલાવી લીધા.

*સાહેબ ઓફિસની યુવતી સાથે જ ઇલુ ઇલુ કરતાં રંગેહાથ ઝડપાયા
પતિ કલાસ ટૂ અધિકારી હોવાથી કોઈ ને કોઈ રીતે છટકી જશે એવું લાગતાં પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને ટીમને અડાલજ પાસે બોલાવી લીધી હતી. બાદમાં 181ની ટીમને પોતાની સઘળી કથની વર્ણવી હતી. એ પછી પત્નીએ મહિલા ટીમ સાથે ફ્લેટ પર રેડ પાડતાં સાહેબ ઓફિસની યુવતી સાથે જ ઇલુ ઇલુ કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તેમ છતાં સાહેબ રંગલેરિયાંની વાત સ્વીકારવા તૈયાર નહોતા અને ખુલાસો કરવા લાગ્યા કે સહકર્મીને ફ્લેટ બતાવવા લઈ આવ્યા છે.

*સાહેબ સાથે ત્રણેક મહિનાથી પ્રેમસંબંધો હોવાનું સ્વીકાર્યું
ચાર વર્ષથી પતિનાં કરતૂતો જાણી ગયેલી પત્નીએ રણચંડીનું રૂપ ધારણ કરીને સહકર્મી યુવતીની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે સાહેબ સાથે ત્રણેક મહિનાથી પ્રેમસંબંધો હોવાનું સ્વીકારી ફ્લેટમાં રહેવા માટે આવ્યા હોવાની કબૂલાત કરી હતી. એને કારણે સાહેબ પણ બધાની વચ્ચે ભોંઠા પડી ગયા હતા. આ મામલે 181 અભયમની ટીમે દંપતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે આગામી દિવસોમાં સાહેબને કાયદાનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

                                                                                                                                                                                    અહેવાલ – તેજાજી ચૌહાણ  
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *