બ્યુરો રિપોર્ટ :-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલ તાલુકા વિસ્તારમાં હાઈવે સ્થિત મલાવ ચોકડી ખાતે ગુરૂવારે ઈંટોના ભઠ્ઠા ધરાવતા બે જુથો વચ્ચે અથડામણ સર્જાતા અંદરોઅંદર મારામારી કરતા બન્ને જુથોએ સામસામે ફરિયાદ નોંધાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આ બન્ને જુથોએ કરેલી ફરિયાદની વિગતો મુજબ કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ઈંટોનો ભઠ્ઠો ધરાવતા રફત પઠાણ અને શરાફત પઠાણ નામના ઈસમોએ મળીને મેદાપુર પંચાયત વિસ્તારમાં ઈંટોનો ભઠ્ઠો ધરાવતા અસમતઅલી અને હૈદરઅલી પઠાણને ફોન કરીને મલાવ ચોકડી પર ઈંટોના ભઠ્ઠાની લેવડદેવડનો હિસાબ કરવા બોલાવી પૈસાની લેતીદેતી અંગે બન્ને વચ્ચેની જુની અદાવત મામલે બોલાચાલી થતાં મામલો બગડ્યો હતો.
જેને પગલે આવેશમાં આવેલા બન્ને જુથો વચ્ચે ગાળાગાળી સાથે લોખંડની પાઈપ, સળિયા અને ડંડાઓથી મારામારી કરતા રમખાણ સર્જાયું હતું. જે મારામારીમાં હસમત પઠાણ, ગફરાન સતારખાન પઠાણ, હૈદરઅલી અને ગુફરાન ગુફરાખાન પઠાણે મળીને રફત પઠાણને માથા અને બરડામાં લોખંડનો સળિયો મારીને ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે સામે સલિમ સોહલા, નિજાખત બકલા અને શરાફત બકલા ખાને મળીને હૈદરઅલી અને ગુફરાન પઠાણને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હોવાના સામસામે આક્ષેપો કર્યા હતા.
જે ઝઘડાને અંતે ઇજાગ્રસ્ત રફત પઠાણને ગોધરા સિવિલ હોસ્પિટલમાં, જ્યારે હૈદરઅલી અને ગુફરાનને હાલોલ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હોવાનું જણાવ્યું હતું. બન્ને જુથોની ફરિયાદને આધારે કાલોલ પોલીસે ગફરાન સતારખાન પઠાણ, હૈદરઅલી સતારખાન પઠાણ, હસમતઅલી સતારખાન પઠાણ અને ગુફરાન ગુફરાખાન પઠાણ (ચારેય રહે. આશીયાના સોસાયટી, કાલોલ) અને સલિમ સોહલાખાન પઠાણ, રફત બકલાખાન પઠાણ(બન્ને રહે. હાલોલ) નિજાખત બકલા ખાન પઠાણ અને શરાફત બકલાખાન પઠાણ (બન્ને રહે. કાલોલ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાલોલના મલાવ ચોકડી ખાતે બે પરપ્રાંતિય ઈંટોના ભઠ્ઠાવાળાઓ વચ્ચે જુથ અથડામણ : બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી
Views 132