બ્યુરો રિપોર્ટ :- ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાલોલ તાલુકા વિસ્તારમાં શનિવારે સાંજે હાઈવે સ્થિત ત્રણ અલગ અલગ જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક યુવક અને એક મહિલાનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જે બન્ને ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદની વિગતો મુજબ કાલોલ તાલુકાના સગનપુરા ગામના ઉમેશભાઇ કનકસિંહ પરમાર શનિવારે સાંજે તેમની મોટરસાયકલ પર કાલોલ તરફ ગયા હતા
ત્યારે હાઈવે સ્થિત વૃંદાવન હોટલ પાસે તેમના કોઈ અંગત કામે હાઈવે ક્રોસ કરતા સમયે ગોધરા તરફથી હાલોલ તરફ જતી એક લકઝરી બસ નં- AR -01-T- 4385ના ચાલકે પોતાના કબ્જાની લકઝરી બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ જતા ઉમેશભાઇ કનકસિંહ પરમારને ટકકર મારી દેતા ઉમેશ પરમારને માથા અને શરીરના કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી લકઝરી બસનો ચાલક લકઝરી બસ લઇને જતો રહ્યો હતો.
કાલોલ પોલીસે લકઝરી બસ ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી મૃતક ઉમેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. અત્રે એક દિકરાના પિતા એવા જુવાનજોધ ઉમેશ પરમારના અકસ્માત મોતને પગલે પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં હાલોલ તાલુકાના રાણીપુરા ગામના બાલુબેન ભારતભાઇ પરમાર (ઉ.વ.૫૮)નાઓ હાલોલ કાલોલ હાઈવે સ્થિત મધવાસ પાસે આવેલ મઘાસર ચોકડી પર હાઈવે ક્રોસ કરવા જતાં એક સફેદ કલરનો ૪૦૭ ટેમ્પા વાળાએ તેનો ટેમ્પો હાલોલથી કાલોલ તરફ જતા પુરઝડપે અને બેફીકરાઇથી હંકારીને લઇ જતા બાલુબેનને ટક્કર મારી અકસ્માત સર્જીને માથા અને શરીરને ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
જે અકસ્માત ઘટના અંગે પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ત્યારબાદ મલાવ ચોકડી ઉપર કાર અને કપચી ભરેલ ભારે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત ને તાત્કાલીક દવા-સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં કારમાં રહેલી એરબેગ સમય પર ખુલી જતાં મોટી જાનહાની ટળી હતી.
હાઈવે પર શનિવારે સર્જાયેલા ત્રણ માર્ગ અકસ્માતમાં એક યુવક અને એક મહિલાનું મોત નીપજ્યું
Views 145