ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર હરીયાણાથી ઈપીઈ કીટની આડમાં અમદાવાદ જથ્થો મોકલવાનો હતો તે દરમ્યાન એલસીબીની ટીમે પકડયો-કુલ રપ.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે.
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ચિલોડા હાઈવે ઉપરથી અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં દારૃ ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર એલસીબી-રની ટીમે બાતમીના આધારે હરીયાણાથી અમદાવાદ જતાં કન્ટેનરને ઝડપી લીધું હતું અને ઈપીઈ કીટની આડમાં લઈ જવાનો વિદેશી દારૃ બિયરનો ૧૪.૭૯ લાખના જથ્થા સાથે હરીયાણાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનર મળી કુલ રપ.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દારૃનો જથ્થો કયાં આપવાનો હતો તે જાણવા મથામણ શરૃ કરી છે.
રાજયમાં દારૃબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. બુટલેગરો અને ખેપિયાઓ દારૃ ઘુસાડવા માટે અવનવી મોડેશ ઓપરેન્ડીનો પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે કન્ટેનરમાં વિવિધ ચીજવસ્તુઓની આડમાં દારૃ લવાતો હોય છે. ખાસ કરીને હરીયાણા અને રાજસ્થાનમાંથી શામળાજી બોર્ડરથી ચિલોડા-હિંમતનગર હાઈવે થઈ અમદાવાદ અને મધ્યગુજરાતમાં દારૃ પહોંચાડાતો હોય છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આ હાઈવે ઉપરથી દારૃ ભરેલા વાહનો પકડવા ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે એલસીબી-ર પીઆઈ જે.એચ.સીંધવની સુચનાના પગલે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ચિલોડા પાસેથી એચઆર-પપ-એમ-૨૨૦૬ નંબરનું કન્ટેનર ઝડપી લીધું હતું અને તેમાં ઈપીઈ કીટની આડમાં વિદેશી દારૃ અને બિયરનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. ૧૪.૭૯ લાખના દારૃ બિયરના જથ્થાની સાથે પોલીસે ચાલક હરીયાણાના ખુરર્દજુઈના રાજેન્દ્ર છોટુરામ નાયકને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં આ માલ અસલાલી ખાતે લઈ જવાનો હતો અને ત્યાંથી ફોન આવે તે આધારે ડીલીવરી આપવાની હોવાનું કબુલ્યું હતું. પોલીસે કુલ રપ.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને હરીયાણાથી દારૃ કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં તેની ડીલીવરી કોણ લેવાનું હતું તે જાણવા માટે મથામણ શરૃ કરી છે.
કોબા પશુ દવાખાના પાસે બિયરની લેવડદેવડ કરતાં ત્રણને પકડી લેવાયા
એક લાખનો ફોન અને દારૃ-બિયર મળી ૧.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી લેવાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરફેર અને વેચાણ અટકાવવા પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર નજીક કોબા પશુ દવાખાના પાસે મોપેડ ઉપર ત્રણ શખ્સો દારૃ બિયરની લેવડદેવડ કરી રહયા હતા તે દરમયાન ઈન્ફોસીટી પોલીસે દરોડો પાડીને કોબા ગામમાં રહેતા અશોકભાઈ ઈશ્વરભાઈ રાવળ, પિયુષભાઈ ઈશ્વરભાઈ રાવળ અને અરવિંદજી રામાજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી બીયરના આઠ ટીન અને વિદેશી દારૃની બોટલ મળી આવી હતી. તેમજ એક લાખ રૃપિયાનો ફોન મળી કુલ ૧.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.