ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીના ચમકારાથી લોકોના હાંજા ગગડી રહ્યાં છે. ત્યારે ઠંડી વધતા ગાંધીનગર શહેર જિલ્લામાં તસ્કરો પણ બેફામ બની ગયા છે. કડકડતી ઠંડીમાં નગરજનો જ્યારે બારી-બારણા એકદમ બંધ કરીને સુઈ જાય છે. ત્યારે તસ્કરોએ બિંદાસ રીતે બંધ મકાનોને ટાર્ગેટ બનાવે છે. જેમાં આસપાસના ઘરોમાં થતી ચોરી અંગે પણ કોઈ ગંધ સુધા આવતી નથી. ગાંધીનગર શહેર-જિલ્લામાં જ છેલ્લા 10 દિવસમાં 12 સ્થળે 19 મકાન સહિતના તાળા તૂટ્યા છે. જેમાં ગાંધીનગર શહેર વિસ્તારમાં સેક્ટર-8, પેથાપુર, રાયસણ, રાંધેજા વિસ્તારમાં ઘરફોડની કુલ 6 જેટલી ઘટના બની છે. જ્યારે ગાંધીનગર તાલુકા સહિત જિલ્લાના અન્ય ગામોમાં ઘરફોડની 13 ઘટનાઓ બની છે.
શહેરમાં વીઆઇપી સેક્ટર તરીકે સેક્ટર 8ની ગણતરી થાય છે. ત્યારે અહીં જાન્યુઆરી મહિનામા સતત બીજી વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે. સેક્ટર 7 પોલીસ મથકમાં કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સેક્ટર 8સી પ્લોટ નંબર 844 ખાતે 66 વર્ષિય જાહેર વિતરણ ખાતામાંથી જોઇન્ટ સેક્રેટરી તરીકે નિવૃત થયેલા જોય ઇનાશુ ચિનાત પરિવાર સાથે રહે છે. ત્યારે ગત 6 ડીસેમ્બર 22માં ઘરને તાળુ મારીને બેંગ્લોર ખાતે મકાનનુ રીનોવેશ ચાલતુ હતુ, જેને લઇને ગયા હતા.
જ્યારે કામકાજ પુરુ કરીને ગાંધીનગર પરત આવ્યા હતા. ઘરના દરવાજાનું લોક ખોલીને પ્રવેશ કરતાની સાથે અંદર સામાન અસ્ત વ્યસ્ત પડેલો જોવા મળ્યો હતો. જ્યારે બેડરુમમાં આવેલી ખૂણાની બારી ખુલ્લી જોવા મળી હતી. જેમા સ્ટોપર તુટેલી અને બારીનો લોખંડનો સળિયો કપાયેલો જોવા મળ્યો હતો. જ્યારે ઘરમાં તિજોરી સહિતની તપાસ કરતા દાગીના અને રોકડ સહિત 10.91 લાખની માલમત્તાની ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઇ સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. સેક્ટર 8 સ્થિત નિવૃત જોઇન્ટ સેક્રેટરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.
જેમાંથી ગળામાં પહેરવાનો સોનાના બે 10 તોલાનો હાર કિંમત 6.30 લાખ, બાળકોને હાથમાં પહેરવાના સોનાના 4 છડા કિંમત 84.800, ચાર સોનાના સિક્કા કિંમત 1,69,600, બીજા સોનાના ચાર સિક્કા કિંમત 84.800, ચાંદીની 3 ડીશ કિંમત 43200, ચાંદીની વાટકી, ચમચી, ગ્લાસ 12 કિંમત 28,800, તિજોરીમાં મુકવામાં આવેલી રોકડ 1.50 લાખ સહિત 10.91 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા.
ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામમાં નદી કિનારા ઉપર આવેલા ચાર મંદિર જેમા નાગણેશ્વરી માતાજીનુ મંદિર, ચામુંડા માતાજીનુ મંદિર, હિંગળાજ માતાજીનુ મંદિર અને મહાદેવજીનુ મંદિર આવેલુ છે. ત્યારે મંદિરમાં આજે બુધવારે વહેલી સવારે ચોરી થવા પામી હતી. મંદિરના પૂજારી તમામ મંદિરમા પૂજા કરવા જતા મંદિરના દરવાજાના તાળા તુટેલા જોવા મળ્યા હતા. જેને લઇને ગામમા વાત પ્રસરી જતા ગ્રામજનો મંદિરે દોઢી ગયા હતા. ચોરીની જાણ ચિલોડા પોલીસ મથકમાં કરવામાં આવતા ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી. જેમાં નાગણેશ્વરી માતાજીના મંદિરમાંથી 500 ગ્રામના ચાંદીના છત્તર અને 250 ગ્રામ ચાંદીની પાદુકાની ચોરી થઇ હતી. જ્યારે ચામુંડા માતાજીના મંદિરમાંથી છત્તર, હિંગળાજ માતાજીના મંદિરમાંથી છત્તર અને મહાદેવજીના મંદિરમાંથી 3 છત્તરની ચોરી થઇ હતી.