ગૃહ સચિવ અને 1987 બેચના આઇએએસ અધિકારી રાજ કુમાર હવે ગુજરાત સરકારના મુખ્ય સચિવ બનશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બુધવારે બહાર પાડેલા હુકમ અનુસાર રાજકુમાર 31 જાન્યુઆરીએ આ હોદ્દો સંભાળી લેશે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર 31 જાન્યુઆરીએ તેમની ટર્મ પૂરી થતા નિવૃત્ત થશે. સરકારે આ હુકમમાં રાજ કુમારને તેઓ મુખ્ય સચિવ તરીકે ચાર્જ ન સંભાળે ત્યાં સુધી તે કચેરીના જ ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
નિયુક્તિ પહેલા મુખ્ય સચિવની કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્તિ થવી તેવું ગુજરાતની બાબુશાહીના ઇતિહાસમાં પહેલીવાર થયું છે. જો કે આ પ્રથા કેન્દ્રમાં પળાય છે અને સર્વોચ્ચ અમલદાર તરીકે કેબિનેટ સેક્રેટરીની નિયુક્તિ થાય તે પૂર્વે અનુગામી અધિકારીને તે કચેરીના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્ત કરાય છે અને આ નિયમ હવે અહીં લાગુ કરાયો છે. જો કે સરકારના સૂત્રો જણાવે છે કે આ પ્રથા હવે ગુજરાત સરકારમાં કાયમી બનશે કે કેમ તે અંગે કાંઇ ચોક્કસ કહી શકાય નહીં. ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે કે ગુજરાત સરકારનો આ હુકમ કાંઇ સમજાય તેવો નથી. રાજ કુમારને એક રીતે જોવા જઇએ તો મુખ્ય સચિવની કચેરીની કાર્યપ્રણાલી સમજવા માટે ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે, પરંતુ તેઓ વિધિવત્ ચાર્જ લે તે પૂર્વે તેમને આ માટે માત્ર ત્રણ જ દિવસ મળશે. ત્રણ દિવસ માટે જ થયેલી આ નિયુક્તિ વિચિત્ર લાગે છે.
સીએમ સાથે મળીને બદલીઓનો નિર્ણય કરશે
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુમારને ખાસ ફરજ પરના અધિકારી બનાવવા પાછળનો તર્ક એ છે કે તે દરમિયાન તેઓ ખૂબ ટૂંકાગાળામાં આવનારી બદલીઓ માટેની ડિઝાઇન મુખ્યમંત્રી સાથે મસલત કરીને નક્કી કરશે. તેઓ પોતાની ટીમમાં પસંદગીના અધિકારીઓને વ્યવસ્થિત ગોઠવી શકે તે સ્વતંત્રતા અને સત્તા તેમને હાલની નિયુક્તિથી મળશે.
વિપુલ મિત્રા સુપરસીડ થશે| પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ અને 1986 બેચના આઇએએસ વિપુલ મિત્રા રાજ કુમારથી સિનિયર છે, તેથી હવે તેઓ સુપરસીડ થશે. તેમને સરકાર કોઇ બોર્ડ નિગમમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ આપી શકે છે. મિત્રા આગામી જૂલાઇ માસમાં નિવૃત્ત થઇ રહ્યા છે.
હવે બદલીઓ થશે
રાજ કુમારની પાસે રહેલા ગૃહ અને ઉદ્યોગ વિભાગનો હવાલો હાલ તેમની પાસે જ રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સચિવાલયમાં બદલીઓ થશે.