વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી રવિવારે બારાબંકીમાં હતા. ત્યાં તેમણે ગુજરાતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગુજરાતમાં ક્યારેય કોઈ ત્રીજી પાર્ટી ક્યારેય ખીલી શકી નથી. અને હવે આ રાજ્યમાં કોંગ્રેસ શૂન્ય થઈ જવાને કારણે ત્યાં ભાજપ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે. મોદી હૈદરગઢના સુબેહાના સરાય ચંદેલ ગામમાં સ્થાનિક બીજેપી નેતા સુમિત સિંહના ઘરે પહોંચ્યા હતા.
પ્રહલાદ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ હવે શૂન્ય થઈ ગઈ છે અને ભાજપ તેની સંપૂર્ણ તાકાત પર આવી ગયું છે. રાજ્યમાં માત્ર બે જ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ચાલી રહી છે. કોઈ તૃતીય પક્ષ ક્યારેય ત્યાં સ્થાન બનાવી શક્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેમનો ઈશારો આમ આદમી પાર્ટી તરફ હતો જે ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. મોદીએ કહ્યું કે, દેશની જનતાને તેમની પસંદગીના વડાપ્રધાન મળ્યા છે. આ જ કારણ છે કે લોકો વારંવાર કહેતા રહે છે અને વર્ષ 2024માં પણ કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે.
વડાપ્રધાનના ભાઈ અંગત કામ માટે ગામ સરાય ચંદેલ પહોંચ્યા હતા. અહીં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. તે તેના મિત્ર અને બીજેપી નેતા સુમિત સિંહના ઘરે ગયા હતા. મોદીએ કહ્યું કે, તેમણે સિંહને ઘણાં સમય પહેલા ઘરે આવવાનું વચન આપ્યું હતું જેને પુરુ કરવાના હેતુથી તેમના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા. તેમનો ત્યાં જવા પાછળનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી