પેટીએમના લિસ્ટિંગ દરમ્યાન સીઇઓ વિજય શેખર શર્માની આંખોમાં આંસુ આવી ગયા હતા
શેખર શર્માએ કહ્યું કે આ દિવસ કંપની માટે ખૂબ જ અગત્યનો છે
આપને જણાવી દઇએ કે પેટીએમનું લિસ્ટિંગ સારું થયું નથી.
ભારતીય શેરબજારમાં આજે પેટીએમના લિસ્ટિંગની કાગડોળે રાહ જોવાય રહી હતી. જેનું ખરાબ લિસ્ટિંગ થતાં રોકાણકારોમાં નિરાશા વ્યાપી ગઇ છે. Paytmના આઇપીઓમાંથી રોકાણકારોને મોટો નફો થવાની આશા હતી પરંતુ રોકાણકારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm ની પેરેન્ટ કંપની One 97 Communicationsનું આજે શેરબજારમાં લિસ્ટિંગ થયું પરંતુ તેને બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો.
કંપનીના શેર ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતેરૂ.1955 એટલે કે 9.07 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ પ્રાઇસ 2150 રૂપિયા હતી. એટલે કે રોકાણકારને શેર દીઠ રૂ.195નું નુકસાન થયું હતું. કંપનીનો શેર NSE પર 9.3 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ.1950 પર લિસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે રોકાણકારોને પેટીએમનું પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થવાની આશા હતી.

2010માં ઉત્તર પ્રદેશના અલીગઢથી માત્ર 10 હજાર રૂપિયા લઈને Paytmની સ્થાપના કરનાર વિજય શેખર શર્મા માટે આજની ક્ષણ ખૂબ જ ખાસ હતી. બીએસઈના પોડિયમ પર તેની કંપનીના શેરની યાદી બનાવવાનું દરેક બિઝનેસમેનનું સપનું હોય છે. શેખરનું સપનું આજે પૂરું થઈ રહ્યું હતું અને તે પણ આ ક્ષણે ખૂબ જ ભાવુક થયા હતા.
પેટીએમ લિસ્ટિંગ સમારંભ દરમિયાન રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થતાં જ 43 વર્ષીય શેખર ભાવુક થઈ ગયા હતા. હિન્દીમાં પોતાનું સંબોધન શરૂ કરતાં શેખરે કહ્યું કે રાષ્ટ્રગીતની ધૂન સાંભળતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, ‘મારી સાથે હમણાં આ તો થઇ ગયું, કારણ કે તમે રાષ્ટ્રગીત ગાયું છે. ભારત ભાગ્ય વિધાતા શબ્દ મને ખૂબ જ ખુશ કરે છે.
રૂમાલથી આંસુ લૂછતા શેખર શર્માએ કહ્યું કે આજનો દિવસ તેમની કંપની માટે શું મહત્ત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે લોકોએ મને કહ્યું કે તમે આટલી ઊંચી કિંમતે પૈસા કેવી રીતે એકઠા કરશો? તેથી મેં તેમને કહ્યું કે હું કિંમત માટે નહીં પરંતુ ઉદ્દેશ માટે પૈસા એકઠા કરું છું.