નોટબંધી અને જીએસટીની વિપરીત અસર દેશ પર થઇ હોવાનો વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ નોટબંધી અને જીએસટીને કારણે ઘરેલુ બચત દર ઘટી ગયો છે.
ઇન્ડિયા રેટિંગની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ની વચ્ચે બચત ૨૩.૬ ટકા હતી. જોકે હવે તે ૧૬.૩ ટકા સુધી આવી ગઇ છે.
ઇન્ડિયા રેટિંગ અનુસાર જો ઘરેલુ બચત આ રીતે જ ઘટતી રહેશે તો આવનારા દિવસોમાં તેની ખરાબ અસર દેશ પર થઇ શકે છે. ખાસ કરીને આર્થિક સ્થિરતાને લઇને અનેક વિપરીત સંજોગોનું નિર્માણ થઇ શકે છે.
ઇન્ડિયા રેટિંગના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે પંતે રિપોર્ટમાં કહ્યું છે કે નોટબંધી અને જીએસટીની અર્થતંત્ર પર બહુ જ વ્યાપક પ્રમાણમાં અસર પડી છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ઘરેલુ બચતમાં ૧૫૩ આધાર અંક એટલે કે ૧.૫૩ ટકાનો ઘટાડો થયો છે.
ખાનગી ક્ષેત્રની બચત અહીં ૧૨ બેસિસ પોઇન્ટ ઘટી છે. જ્યારે જાહેર ક્ષેત્રના બચતદરમાં ૦.૩૭ આધાર અંકનો વધારો થયો છે. આ રીતે બચત દરમાં ૧.૨૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
નોંધનીય છે કે ઘરેલુ બચતમાં આમ નાગરીકો દ્વારા કરવામાં આવતી બચત, બિન નફાકારી સંસ્થાઓ અને અર્ધ નિગમો દ્વારા કરવામાં આવતી બચતનો સમાવેશ થાય છે. કોઇ પણ દેશના અર્થતંત્ર પર તેનું બહુ મોટુ યોગદાન હોય છે.
ઇન્ડિયા રેટિંગે પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૧૨થી ૨૦૧૭ની વચ્ચે અર્થવ્યવસ્થાની કુલ બચતમાં આ ઘરેલુ બચતનું યોગદાન ૬૦.૯૩ ટકા છે. ખાનગી ક્ષેત્રનું યોગદાન ૩૫ ટકા છે. જ્યારે જાહેર ક્ષેત્રનું ૪૭ ટકા રહ્યું. આ જ દરમિયાન ઘરેલુ બચતની વૃદ્ધિ ૩.૭ ટકા રહી.
ખાનગી ક્ષેત્રનો વૃદ્ધીદર ૧૭.૪ ટકા જ્યારે જાહેર ક્ષેત્રનો ૧૨.૯ ટકા છે. આ જ કારણ છે કે ઘરેલુ બચત દર ૨૩.૬ ટકાથી ઘટીને ૧૬.૩ ટકા થઇ ગયો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યુ છે કે નોટબંધી અને જીએસટીને કારણે આ ઘરેલુ બચત ઘટી છે અને આ ઘરેલુ બચતમાં ઘટાડો થવાથી તેની અતી માઠી અસર દેશના અર્થતંત્ર પર પડે છે.
નોટબંધી-GSTને કારણે ઘરેલુ બચત દર ઘટયો, અર્થતંત્રને ખતરો: ઇંડિયા રેટિંગ
Views 75