પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજબરોજ જુદા જુદા વિષયો પર કોન્ફરન્સ યોજવામાં આવે છે. આજની કોન્ફરન્સમાં પ્રાચીન ભારતીય સ્થાપત્ય શાસ્ત્રો, શિલ્પ સંહિતાઓ અને આધુનિક યુગમાં એની ઉપયોગિતાની અને એના પ્રદાન વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ દરમિયાન આઇઆઇટી- કાનપુરના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ અને છેલ્લાં 33 વર્ષથી BAPSનાં મંદિરોના બાંધકામની સેવામાં જીવન અર્પણ કરનારા સંજય પરીખ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન અબુધાબીમાં BAPSના નિર્માણ પામી રહેલા મંદિરમાં કઇ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો એ સહિતની વિવિધ ચર્ચા કરવામાં આવી હતી
શાસ્ત્રો દ્વારા મંદિર નિર્માણ તથા આજના યુગમાં તેની ઉપયોગિતા વિષયની કોન્ફરન્સમાં શું શું ચર્ચા થઈ અને આજના આધુનિક યુગમાં એની કઇ રીતે ઉપયોગિતા છે?
સંજય પરીખ: આજની જે કોન્ફરન્સ હતી એમાં સમગ્ર ભારતમાંથી તેમ જ પરદેશથી પણ વિદ્વાનો બધા આવ્યા હતા. એ વિદ્વાનોએ અલગ અલગ વિષય પર ચર્ચાઓ કરી. ખાસ કરીને ઘણા વિદ્વાનોએ શાસ્ત્રોને અનુસરીને તે લોકો એમાં ઊંડા ઊતર્યા હતા. ઘણા વિદ્વાનો મંદિરમાં કેવી રીતે બાંધકામ થાય એમાં ઊંડા ઊતરેલા હતા અને એમાં ચર્ચાઓના અંતે આ જે શાસ્ત્રો છે એ બહુ જ જૂનાં પુરાણાં શાસ્ત્રો છે પણ આજે પણ એ શાસ્ત્રો પ્રમાણે મંદિરો બને છે. તો એ મંદિરો બનતી વખતે આજના જમાનાને અનુરૂપ કેવી રીતે કરી શકાય એ બધી ખાસ ચર્ચા થઈ. ખાસ કરીને મોડર્ન ટેકનોલોજી યુઝ થઇ શકે અને કેવી રીતે મંદિર બની શકે, સાથેસાથે આ જે મંદિર બને છે એને મોડર્ન ટેકનોલોજી દ્વારા કેવી રીતે મોનિટરિંગ કરી શકીએ એનું હેલ્થ મોનિટરિંગ કરી શકીએ. એના વિશે ખૂબ સુંદર ચર્ચા અહીં થઈ. એના આધારે ઘણા બધા નિષ્કર્ષ થયા અને હજુ પણ આવાં બધાં ઘણાં પેપરો રજૂ થઇ રહ્યાં છે. આ ચર્ચાના અંતે કેવી રીતે આજના જમાનાની અંદર કે જે અનાદિનાં જે શાસ્ત્રો છે જેના આધારે આ મંદિરો નિર્માણ પામી રહ્યાં છે, જે આજના મોડર્ન જમાનામાં કેવી રીતે સુસંગત છે અને એમાં એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ બાબતે ચર્ચાઓ થઇ રહી છે.
અબુધાબીમાં BAPS મંદિરનું બની રહ્યું છે. એમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે એમાં શું શું આધુનિકતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
સંજય પરીખ: અબુધાબીમાં આપણે જે મંદિરની વાત કહી રહ્યા છીએ એમાં ઘણી બધી નવીન વસ્તુઓ કરી છે અને મંદિર જ્યારે બનતું હોય અને બન્યા પછી પણ એ ઊભું હોય છે, જેવી રીતે ડોકટર આપણા હાર્ટબીટ માપે, બ્લડપ્રેશર કેટલું છે, તમારું શુગર કેટલું છે, એવી રીતે મંદિરની અંદર પહેલાંથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એમાં જે જે ડિફરન્ટ પાર્ટ્સ છે એમાં ઇન્સ્ટુમેટેશન મૂકવામાં આવ્યાં છે, જેને કારણે જેમ જેમ મંદિર બનતું જાય છે, એટલે મંદિર બાંધતી વખતે અને બાંધ્યા પછી પણ વર્ષો સુધી એ એની હેલ્થ કેવી છે, મંદિર કયા સ્ટેજ પર છે, કોઈ જગ્યાએ પ્રશ્ન થયો કે નથી થયો, થવાનો છે કે નથી થવાનો એની કન્ટિન્યુસ માહિતી આપણને આપે છે, એટલે કે ઓનલાઇન ડેટા બધો આવે છે. આપણે ડિફાઇન કર્યું હોય એમ દર 30 મિનિટે એક ડેટા આપણા સર્વર પર આવી જાય અને એ ડેટાનું આપણે સતત એનાલિસિસ કરીએ છીએ, એટલે કે એક બાજુ આપણી પાસે ડિઝાઇન છે અને બીજી બાજુ આપણી પાસે ડેટા છે. એ બંનેનું આપણે સતત કોમ્બિનેશન કરીને બંનેને કમ્પેર કરીને જોઈએ છીએ કે જે પ્રમાણે ડિઝાઇન થયું છે એ પ્રમાણે …કારણ કે આ મંદિર જે જગ્યાએ બની રહ્યું છે ત્યાં મોટો અર્થકવેક આવવાની પોસિબિલિટી છે, એટલે એ પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે કે જે સ્કેલમાં ભુજમાં અર્થક્વેક આવ્યો હતો એ જ સ્કેલમાં અર્થક્વેક ત્યાં આવવાની શક્યતા છે. તો એ પ્રકારનો અર્થકવેક આવે તોપણ શું થશે અને એ કેવી રીતે બીહેવ કરશે એનું પણ અત્યારથી એ પ્રમાણે આપણે મોનિટરિંગ કરીએ છીએ. એ પ્રમાણે ડિઝાઇન ચેન્જ કરીને ઘણીબધી વસ્તુઓ કરી છે, સાથે સાથે આપણે જે કોન્ક્રીટ અને જે બધું યુઝ કરીએ છીએ, હાઇ વોલ્યુમ ફાયર કોન્ક્રીટ યુઝ કરવાની સાથે ઘણી બધી ટેકનોલોજી આપણે ત્યાં યુઝ કરી રહ્યા છીએ.
આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે એનાથી કેટલા સ્કેલ સુધીનો ભૂંકપ આવે તો આપણે અત્યારની સ્થિતિમાં ટકી શકીએ એમ છીએ?
સંજય પરીખ: અત્યારે જે ડિઝાઇન થયેલી છે એ ડિઝાઇન ટેક્નિકલ લેગ્વેજમાં સમજાવું તો .41 જી એટલે કે લગભગ ભુજમાં જે લેવલનો અર્થક્વેક આવ્યો હતો એ લેવલનો અર્થક્વેક આવે તો મંદિર ઊભું રહી શકે એ રીતની ડિઝાઇન અત્યારે કરવામાં આવી છે. બીજું તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં એકપણ લોખંડનો ટુકડો કોઇપણ રેનફોર્સમેન્ટ યુઝ કર્યો નથી. શિલ્પશાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે ઇંટો અને પથ્થરના માધ્યમથી આ મંદિર બનાવીએ છીએ. તેમ છતાં આટલો મોટો અર્થક્વેક આવે તોપણ મંદિર સારી રીતે ઊભું રહી શકે એ રીતની ડિઝાઇન કરી છે.
લોખંડનો ટુકડાનો પણ ઉપયોગ નથી કર્યો, માત્ર પથ્થર પર ઊભું કરવામાં આવ્યું છે, તો આવું આ પહેલું મંદિર હશે કે અગાઉ પણ આવું મંદિર કયાંય બન્યું છે?
સંજય પરીખ: ના, જેટલાં પણ આપણાં મંદિરો શિલ્પશાસ્ત્ર પ્રમાણે બને છે એની અંદર ફેરસ મેટલ એટલે કે લોખંડનો ઉપયોગ કરવાની ના પાડે છે, એટલા માટે કે સ્ટ્રકચરની લાઇફ ઘણી વખત ઘટી જતી હોય છે. એને કારણે જેટલાં પણ પુરાણાં મંદિર ભારતમાં બન્યાં છે એ બધાં જ ક્યાંય પણ લોખંડનો ટુકડો યુઝ કરવામાં આવ્યો નથી અને આપણા BAPSનાં ઘણાં બધાં મંદિર બનાવ્યા છે. ભારતમાં બન્યાં છે એ અને લંડન, શિકાગો, ટોરેન્ટોમાં પણ બન્યાં છે. આ બધાં મંદિરોમાં આપણે સ્ટીલ વાપર્યા વગર જ મંદિરનું નિર્માણ કર્યું છે.
લોખંડ નહીં વાપરવાને કારણે મજબૂતાઇમાં કંઈ નબળાઈ આવતી હોય કે પછી એવું કાંઈ ખરું કે એની કોઈ અસર થતી નથી?
સંજય પરીખ: હું આની તમને જુદી રીતે તમને કહીશ કે નબળાઇ નથી આવતી, ઊલટી મજબૂતી આવે છે. મજબૂતી એટલા માટે આવે છે કે જ્યારે લોખંડ વાપરો છો ત્યારે લોખંડનો એક એવો સ્વભાવ છે કે તે પોતે ધીરે ધીરે રસ્ટ થતું જાય છે અને રસ્ટિંગને લીધે વસ્તુ જે છે એની લાઇફ કોઇપણ કે અત્યારે મોડર્ન સ્ટ્રકચર ડિઝાઇન થયેલા છે એની લાઇફ 50, 60 કે 100 વર્ષ સુધીની જ ગણવામાં આવે છે. જ્યારે આપણે જે મંદિર ડિઝાઇન થયું છે એને 500, 700 કે હજાર વર્ષ સુધી કાંઇ ના થાય. ખરેખર લોખંડ નહીં વાપરવાથી એની વધુ મજબૂતી આવે છે.
અબુધાબીમાં જે મંદિર ઊભું થઈ રહ્યું છે એ કેટલાં સમયમાં ઊભું થઈ જશે?
સંજય પરીખ: અત્યારના પ્લાનિંગ પ્રમાણે 2024માં એનું ઉદઘાટન કરવાનું પ્લાનિંગ છે
આ મંદિરની કુલ જમીન 26 એકર છે. એમાં 13 એકરમાં મંદિર ઊભું કરાશે અને બાકીના 13 એકરમાં પાર્કિંગ એરિયા કરેલો છે. આપણને બધાને જાણીને આશ્ચર્ય થશે કે બધી જ જમીન અબુધાબીના રાજાએ સંપૂર્ણ ફ્રી રીતે સેવામાં આપેલી છે. પાર્કિંગની જગ્યા પણ કમ્પ્લીટ ડેવલપ કરીને આપશે.
અબુધાબીના રાજાએ આપણને જમીન આપી છે, પણ તેઓ પણ પ્રમુખસ્વામી નગરની મુલાકાતે આવવાના છે એ બાબતે આપણને કાંઈ સ્પષ્ટ થયું છે?
સંજય પરીખ: ના, એ બાબતે મને કાંઈ ખબર નથી.