આજે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સને લઈને ચર્ચા કરી હતી. ત્યારે અમદાવાદમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ડ્રગ્સ મામલે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ડ્રગ્સ વેચાય છે. વિપક્ષના નેતા શહેઝાદખાન ડ્રગ્સ લેવા માટેની પાઈપ લઈને ગૃહમાં આવ્યા હતાં. આ મુદ્દે ભાજપના નેતાોએ જવાબ આપતાં કહ્યું હતું કે, રિવરફ્રન્ટ પર ડ્રગ્સ વેચાતું હોય અને તેઓ લઇને આવ્યા છે તો તેમની સામે જ પોલીસ ફરિયાદ કરવી જોઇએ.
આ નિવેદન બાદ સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબાળો થયો હતો અને સામ સામે આવી ગયાં હતાં. વિપક્ષના નેતા શહેઝાદખાન જે પાઈપ લઈને આવ્યા હતાં તે પાઈપને તેમની પાસેથી ઝૂંટવી લેવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, શહેઝાદ ખાન ગૃહમાં સાથે ડ્રગ્સ લઈને આવ્યાં છે તો તેમની સામે જ ગુનો દાખલ કરવો જોઈએ. શહેઝાદ ખાને આટલું સાંભળતાં જ ડેપ્યુટી મેયર સમક્ષ દોટ મુકી હતી અને પાઈપ તેમને પાછી લઈ લીધી હતી.
આજે AMCની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર સિક્યુરિટીને લઈ અને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. શહેજાદખાનએ કહ્યું હતું કે, જ્યારે હું રિવરફ્રન્ટ ગયો ત્યારે 17 વર્ષની ઉંમરના છોકરાઓ ડ્રગ્સ લેતા જોવા મળ્યા હતા. એનો હું પુરાવો લઈને આવ્યો છું. વિપક્ષના નેતાએ ડ્રગ્સ લેવા માટે જે પાઇપ વાપરવામાં આવે છે તે ડેપ્યુટી મેયર અને સભાગૃહ સમક્ષ રજુ કરી હતી. ત્યારે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે સામે જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી વધારે ડ્રગ્સ પકડવા વાળું રાજ્ય છે અને જો તમને ત્યાં ડ્રગ્સ લેતા લોકો દેખાયા હતા તો તમારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ.