વિરમગામ, તા. 22 ડિસેમ્બર 2022, ગુરૂવાર
વિરમગામ રૂરલ પોલીસે વિરમગામ હાંસલપુર રોડ પરથી પસાર થઈ રહેલા એક ફોર્સ કંપનીની ટ્રાવેલ્સ ગાડી ટેમ્પોમાંથી વિદેશી દારૂ સહિત 4,72,300ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ જથ્થા સાથે પોલીસે બે ઈસમોની પણ ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીઓ તરફથી જુગારની પ્રવૃતિ પર ચાંપતી નજર રાખવાની સૂચના મળી હોવાથી વિરમગામ રૂરલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દમરિયાન છત્રસિંહ ઉદેસિંહને ખાનગી બાતમી મળી હતી કે એક ફોર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ખાનગી બોક્ષમાં ભરેલો છે અને તે વિરમગામ હાંસલપુર ચોકડી પરથી પસાર થવાની છે.
વિરમગામ પોલીસ ખાનગી બાતમીના આધારે એક્શનમાં આવી હતી અને હાઈવે રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એક ટ્રાવેલ્સ ગાડી નંબર GJ.01.DX.9986નો ટેમ્પો સચાણા તરફથી હાંસલપુર સર્કલ તરફ આવી રહ્યો હતો તેને પોલીસે રોક્યો હતો. આ ટેમ્પોમાં બે ઈસમો હતા જેમની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઈસમો રાજસ્થાનના જોધપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સુરેશરામ અને જિતેન્દ્રસિંગ નામના બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ટ્રાવેલ્સમાં સીટોની નીચે દારૂ ભરેલો છે.
પોલીસે તપાસ હાથ ધરતા સીટો નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા પતરાના બોક્ષ મળી આવ્યા હતા. આ તમામ બોક્ષમાં 2,62,300ની કિંમતની કુલ 539 જેટલી બોટલ તથા બીયર ટીન મળી આવ્યા હતા.
વિરમગામ પોલીસને પ્રાપ્ત થયેલા મુદ્દામાલમાં- 750 મીલીની મેકડોલ્સ નં-1 ની 41,500 કિંમતની કુલ 83 બોટલો, ઓફિસર ચોઈસ 750 મીલીની 90,000 કિંમતની કુલ 180 બોટલો, ગ્રીન લેબલ 750 મીલીની 60,000 કિંમતની કુલ 120 બોટલો, કાઉન્ટી ક્લબ 750 મીલીની 9,600 કિંમતની કુલ 24 બોટલો, 8PM સ્પેશિયલ 750 મીલીની 30,000 કિંમતની કુલ 60 બોટલો, સીગ્નેચર 750 મીલીની 24,000 કિંમતની કુલ 24 બોટલો, કિંગફીશર બીયર ટીન 500 મીલીની 7,200 કિંમતની કુલ 48 બોટલો, આ ઉપરાંત 10,000ની કિંમતના 2 મોબાઈલ અને 2,00,000 કિંમતની એક ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી સહિત કુલ 4,72,300ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.