ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ પદ માટે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલા તેમણે ગુજરાત ભાજપ વિધાનમંડળના સભ્યોની બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પોતાનું રાજીનામું આપ્યું હતું. નિયમ અને ઔપચારિકતા પ્રમાણે વિધાનસભાના અધ્યક્ષ કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાણ ધરાવતાં ન હોવા જોઇએ તે મુજબ ચૌધરીએ રાજીનામું આપ્યું હતું. આ સિવાય ચૌધરી ભાજપની કોર કમિટિમાં સભ્ય તરીકે પણ હતા પરંતુ હવે તેઓ આ સમિતિના સભ્ય તરીકે રહેશે નહીં.
ચૌધરી બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપના શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડે ઉમેદવારી નોંધાવી હતી. સામે વિપક્ષમાંથી કોઇપણ ધારાસભ્યએ આ બન્નેમાંથી એકપણ પદ માટે ઉમેદવારી ન કરતા આ બન્ને બિનહરીફ ચૂંટાઇ આવશે. આથી વિધાનસભા ગૃહની મંગળવારની બેઠકમાં ચૂંટણી કરવાની રહેશે નહીં. અગાઉ જાહેર કરાયેલાં ક્રમ મુજબ યોજાનારી પ્રથમ બેઠકમાં જ આ બન્ને પદો માટે ચૂંટણી યોજાવાની હતી.
હવે બેઠકમાં સૌપ્રથમ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીના નામની દરખાસ્ત કરશે. જેમાં પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ અન્ય કોઇ ઉમેદવાર ન હોવાનું જણાવી ચૌધરીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરશે. તે પછી મુખ્યમંત્રી અને અન્ય સિનિયર ધારાસભ્યો શંકર ચૌધરીને તેમની બેઠકથી અધ્યક્ષની ખુરશી સુધી દોરી જશે અને પછી વિધિવત્ રીતે શંકર ચૌધરી અધ્યક્ષ પદ સંભાળશે. ઉપાધ્યક્ષનું પદ સામાન્ય રીતે સત્તાપક્ષ વિપક્ષના સભ્ય માટે રાખે છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત પહેલેથી જ કરી દેતા કોંગ્રેસે આ પદ માટે પણ કોઈ દાવેદારી નોંધાવી ન હતી.