માત્ર ચીનમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કોરોનાના 5.37 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 1396 લોકોએ જીવ ગુમાવ્યા છે.છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચ્યો છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કારોનાને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કેટલા કેસ મળ્યા?
કોરોનાના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા worldometerના અનુસાર છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.37 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 1396 લોકોના મોત થયા છે. કોરોનાને કારણે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 659497698 કેસ મળી આવ્યા છે. જ્યારે 20 કરોડ એક્ટિવ કેસ છે.
ચીન બાદ જાપાન-ફ્રાન્સમાં કોરોનાના કેસમાં વધારો; WHOએ કહ્યું- મહામારીના અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળભર્યું રહેશે
ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ પણ ઓછા પડી રહ્યા છે. હવે જાપાન, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે. Worldometers.infoના ડેટા અનુસાર, આ દેશોમાં દર્દીઓની સંખ્યા જાપાનમાં 10 લાખ 65 હજાર, દક્ષિણ કોરિયામાં 4 લાખ 61 હજાર અને ફ્રાન્સમાં 3 લાખ 58 હજાર છે.
આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે કોરોનાના વૈશ્વિક અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળભર્યું હશે. એટલે કે કોરોના હજુ પણ ગ્લોબલ ઈમરજન્સી બની રહેશે.ચીનમાં લોકડાઉન હટાવ્યા બાદ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને WHOએ આ વાત કહી છે.
ચીન પાસેથી કોવિડ ડેટા પણ માંગ્યો
15 ડિસેમ્બરે WHOના ચીફ ટેડ્રોસ અડહાનોમે કહ્યું હતું કે 2023માં કોરોના ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નહીં હોય. તેમણે કહ્યું – અમને એવી આશા છે કે આવતા વર્ષે આપણે કહી શકીએ કે કોરોનાનો ખતરો ઓછો થયો છે અને તે હેલ્થ ઈમરજન્સી નથી.
તેણે ચીનને કોરોના વાયરસ સંબંધિત ડેટા શેર કરવા પણ કહ્યું. WHOએ એક નિવેદનમાં કહ્યું- કોરોનાને વધુ સારી રીતે સમજવા માટે અને ચીન પાસેથી તેના મૂળ સંબંધિત માહિતી માટે ડેટા માંગવામાં આવ્યો છે. ચીનના વુહાનમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.
ફ્રાન્સમાં સ્થિતિ બગડી, એક દિવસમાં 57 હજાર કેસ સામે આવ્યા
ફ્રાન્સમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 16 ડિસેમ્બરે અહીં 57,849 કેસ નોંધાયા હતા. સરકાર લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે. લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયામાં 87,759 કેસ નોંધાયા હતા. જ્યારે 56 લોકોના મોત થયા હતા.
અમેરિકામાં પણ કોરોનાથી જોખમ
અમેરિકામાં પણ ફરી એકવાર કોવિડના કેસ વધવા લાગ્યા છે. બુધવારે, કુલ સંક્રમિતોનો આંકડો 10 કરોડને પાર થઈ ગયો હતો. ન્યુયોર્ક ટાઈમ્સનો વિશેષ અહેવાલ અનુસાર, બાઈડેન એડમિનિસ્ટ્રેશન માટે સૌથી મોટી ચિંતા વૃદ્ધોનું વેક્સિનેશન છે.
રિપોર્ટ અનુસાર- 65 વર્ષ કે તેથી વધુ વયના 94% વરિષ્ઠ નાગરિકોએ વેક્સિનના પ્રથમ બે ડોઝ લીધા છે. ચિંતાનો વિષય છે કે 36% વૃદ્ધો આવા છે જેમને બૂસ્ટર ડોઝ મળ્યો નથી અને તેમને નવી લહેર માટે ખતરો માનવામાં આવે છે. તબીબી નિષ્ણાતો માને છે કે સરકાર પાસે આ સમસ્યાનો સામનો કરવાનો કોઈ નક્કર આયોજન પણ નથી. સમસ્યા એ પણ છે કારણ કે 70 વર્ષ કે તેથી વધુ વયના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા યુવાન લોકો કરતા ચાર ગણી વધુ છે.
ઓમિક્રોનના નવા વેરિઅન્ટે ચીનમાં ખતરો વધાર્યો છે
ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ BF.7 ચીનમાં ફેલાઈ રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓમિક્રોનનું આ સૌથી પાવરફુલ વેરિઅન્ટ છે. BF.7 વેરિઅન્ટ કોરોના વાયરસનું સ્પાઇક પ્રોટીન R346T નામના ખાસ મ્યુટેશનથી બનેલું છે. નિષ્ણાતોના મતે, આ પરિવર્તનને કારણે, આ વેરિઅન્ટ પર એન્ટિબોડીઝની પણ કોઈ અસર થતી નથી.
સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ વ્યક્તિને અગાઉ કોરોના થયો હોય અથવા તેને વેક્સિન આપવામાં આવી હોય, તો તેના શરીરમાં એન્ટિબોડીઝ બની જાય છે. BF.7 વેરિઅન્ટ આ એન્ટિબોડીને પણ ચકમો આપીને શરીરમાં સંક્રમણ ફેલાવવામાં સક્ષમ છે.
BF.7 વેરિઅન્ટનો પહેલો કેસ ચીનના ઇનર મંગોલિયા પ્રાંતમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધી આ વાયરસ ભારત, અમેરિકા, યુકે, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક સહિત ઘણા યુરોપિયન દેશોમાં ફેલાઈ ગઈ છે યુએસમાં કોરોનાના નવા કેસોમાં BF.7 વેરિઅન્ટના 5.7% કેસ હતા. આ રીતે કુલ કોરોના કેસમાં, બેલ્જિયમમાં 25% જ્યારે ફ્રાન્સ અને જર્મનીમાં 10% કેસ આ વેરિઅન્ટના હતા.