કાનપુરમાં સુરંગ ખોદીને સોનાની ચોરી થઈ હતી. ચોરીની ઘટના કાનપુરના સચેંડી વિસ્તાર સ્થિત SBI બેંકમાં બની હતી. ચોરોએ પહેલા પ્લાનિંગ કર્યું, પછી બેંકની પાછળથી 8 ફૂટની સુરંગ ખોદીને લગભગ 2 કિલો સોનું લઈ લીધું. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પોલીસનું માનવું છે કે આ ઘટના માટે ચોરોએ 15 દિવસ સુધી પ્લાનિંગ કર્યું હોવું જોઈએ. પોલીસને બેંકના ઉચ્ચ અધિકારીઓ પર પણ શંકા…
એવી સુરંગ બનાવી, જે સ્ટ્રોંગરૂમમાં ખૂલે
ચોરોએ બેંકના પાછળના ભાગમાંથી સુરંગ બનાવી હતી, જે સીધી સ્ટ્રોંગ રૂમમાં જતી હતી. પછી ડ્રિલ મશીન વડે ટાઈલ્સ તોડીને નીચેથી ઉપર તરફ અંદર ઘૂસ્યા. સ્ટ્રોંગ રૂમના લોકરને ગેસકટર વડે કાપીને અંદાજે 2 કિલો સોનું ચોરી લીધું. ચોરોએ એટલી સફાઈથી કામ કર્યું કે બેંકનું એલાર્મ પણ વાગ્યું નહીં. ગુરુવારે સવારે જ્યારે બેંક સ્ટાફ પહોંચ્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી.
. સોનું લઈ લીધું, પણ લાખોની રોકડ બચી ગઈ
ચોરીની માહિતી મળતાં જ પોલીસ કમિશનર બી.પી.જોગદંડે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અહીં એક રસપ્રદ વાત બહાર આવી છે કે સોનાની બાજુમાં જ બીજું એક બોક્સ રાખવામાં આવ્યું હતું. એમાં 35 લાખ રૂપિયા હતા, પરંતુ ચોરોએ એને હાથ પણ લગાવ્યો નહોતો. પોલીસનું માનવું છે કે ચોરોને બેંકની અંદર ઘૂસીને સોનાની ચોરી કરવામાં ઘણો સમય લાગ્યો હશે, જેને કારણે તેઓ રોકડ છોડી ગયા હતા.
પોલીસ બહાર બેઠી રહી અને બેંક અંદરથી લૂંટાઈ
સવાલ એ થાય છે કે ચોરોએ આ બેંકને જ કેમ પસંદ કરી? બ્રાન્ચ મેનેજર નીરજ રાયે કહ્યું હતું કે આ બેંકની પાછળ કોઈ ઘર નથી અને કોઈ રહેતું નથી. જ્યારે ચોર સુરંગ ખોદીને ડ્રિલિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈને ખબર પણ ના પડી. મેનેજરે જણાવ્યું કે રાત્રે ચોર બેંકની પાછળ પહોંચ્યા. દીવાલ જૂની હતી. આસાનીથી તોડી નાખી, પછી સુરંગ ખોદીને સોનું ચોર્યું.
આ બેંકની સામે પોલીસ પિકેટ પોઈન્ટ પણ છે. ઘટનાની રાત્રે પણ પોલીસની પીઆર વાન 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી ઊભી હતી. એમ છતાં પણ ચોરોએ બેંકમાં સરળતાથી સુરંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો.
. 20 દિવસ પહેલાં જ ગોલ્ડ સેફ દીવાલમાં ચણી
પોલીસ-તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે 20 દિવસ પહેલાં બેંક મેનેજમેન્ટે ગોલ્ડ સેફ અને રોકડની તિજોરીને દીવાલમાં ચણાવી હતી. આ કામ માટે મજૂર-મિસ્ત્રી સ્ટ્રોંગ રૂમની અંદર ગયા હતા. તમામ લેબર મિકેનિક્સની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જે સોનું ચોરાયું છે એ 29 લોકોનું છે. એને સોના સામે લોન હેઠળ બેંકમાં રાખવામાં આવ્યું હતું. પોલીસ તેમને પણ શોધી રહી છે.
15 દિવસ પહેલાં 11 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, પણ બધા બંધ હતા
પૈસાની ચોરી કરનાર પ્રોફેસરની જેમ ચોરોએ બેંકના તમામ સીસીટીવી કેમેરા સ્વિચ ઓફ કરી દીધા હતા. બેંક-મેનેજરે જણાવ્યું હતું કે 15 દિવસ પહેલાં બેંકમાં 11 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ઘટનાની રાત્રે કેમેરાએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી કે ચોરી પહેલાં આ કેમેરા કેવી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા.
. બેંકની ડિઝાઇનની તમામ જાણકારી હતી
ચોરોનું આયોજન એટલું ચોક્કસ હતું કે તેઓ બેંકમાં પ્રવેશવા માટે સુરંગ બનાવે છે. એ સીધી સ્ટ્રોંગ રૂમમાં ખૂલે છે. તેઓ ફ્લોર તોડે છે, પછી ચોરી કરે છે અને ત્યાંથી પાછા ફરે છે. એનો અર્થ એ કે તેની પાસે બેન્કની ડિઝાઈન હતી.
ફિંગરપ્રિન્ટથી ચોર સુધી પહોંચવાનો પ્રયાસ
સ્ટ્રોંગ રૂમની તપાસ દરમિયાન તૂટેલી સોનાની તિજોરીમાંથી 9 અને છ સીસીટીવી કેમેરા પર ફિંગરપ્રિન્ટ મળી હતી. પોલીસે બેંક-કર્મચારીઓની ફિંગરપ્રિન્ટ મેચ કરવાનું શરૂ કર્યું છે. બેંકના સ્ટ્રોંગ રૂમમાં અમુક ખાસ કર્મચારીઓ જ પહોંચી શક્યા હતા. એટલું જ નહીં, છેલ્લા 20 દિવસમાં બેંકમાં અનેક ફેરબદલ થયા છે. ચોરો પણ તેમના વિશે જાણતા હતા. હવે પોલીસને બેંક સ્ટાફ પર શંકા છે, આથી પોલીસ દરેક કર્મચારીના લોકેશન અને કોલ-ડિટેઈલ ચેક કરી રહી છે.
. પકડાઈ જવાના ડરથી રોકડ ન લઈ ગયા
પોલીસ એવું માની રહી છે કે સોનાની ચોરી કરવા માટે વહેલી સવાર થઈ હશે. પકડાઈ જવાના ડરથી તેણે રોકડ રકમ સ્થળ પર જ છોડી દીધી હતી. તેઓ માત્ર સોનું લઈને ભાગી ગયા હતા.
. 11 વાગ્યા સુધી બેંકમાં કર્મચારીઓ હતા
બેંક-મેનેજર નીરજે જણાવ્યું હતું કે બેંકમાં લગભગ 15 દિવસથી ઓડિટ ચાલી રહ્યું છે, જેને કારણે ઓડિટ ટીમ અને બેંકના કેટલાક કર્મચારીઓ લગભગ 11 વાગ્યા સુધી ત્યાં જ હતા. તેમણે જણાવ્યું હતું કે આ 1969ની SBIની શાખા છે. વર્ષ 1997માં પણ અહીં સોનાની ચોરી થઈ હતી.
ચોર સોનું લેવા માટે વાહન લઈને આવ્યા હોવાની શંકા
પોલીસે કાનપુરના સરહદી વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. બેંક તરફ આવતા તમામ માર્ગો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે આટલું સોનું લઈ જવા માટે બદમાશોને મોટા વાહનની જરૂર પડી હશે. આવી સ્થિતિમાં પોલીસની ટીમ માર્કેટના CCTVમાં શંકાસ્પદ વાહનોને શોધી રહી છે, જેથી ચોરોને શોધી શકાય.