ઘર હોય, દુકાન હોય કે કારખાનાં… જો ક્યાંય સાપ કે નાગ દેખાય તો મરદ મુછાળાને પણ ઘડીભર તો પરસેવો વળી જતો હોય છે, ત્યારે ગોંડલમાં રહેતા ડો. લક્ષિત સાવલિયાની ૮ વર્ષની દીકરી ક્રિષ્ટિનાને ભગવાને કંઇક અલગ ઘડી છે.એનામાં એવી પ્રતિભા આપી છે કે લોકો જાણીને દંગ રહી જાય છે.
ધોળકિયા સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી ક્રિષ્ટિના માત્ર 2 વર્ષની ઉંમરથી જ નાગ પકડી શકે છે અને રમકડાંની જેમ રમાડી શકે છે.ક્રિષ્ટિનાને પશુ , પક્ષી અને પ્રાણી પ્રત્યે અલગ જ લાગણી અને પ્રેમ છે, ખાસ કરીને સાપ સાથે વિશેષ પ્રેમ છે. નાનપણથી જ સાપ સાથે રમવું અને કોઇ રહેણાંક વિસ્તારમાં જો સાપ કે નાગ દેખાય તો આરામથી રેસ્ક્યુ કરીને તેને કુદરતના ખોળે છોડી દેવામાં તેની મહારથ છે.
સાપની 20થી વધુ પ્રજાતિને ઓળખી શકે છે
ક્રિષ્ટિના 20થી વધારે સાપની પ્રજાતિને ઓળખી શકે છે. અત્યારસુધીમાં 100થી વધુ સાપને રેસ્ક્યુ કરી સલામત સ્થળે વિહરતા કરી દીધા છે. ક્રિષ્ટિનાના પિતાની ઈચ્છા છે કે દીકરી હેર્પેટોલોજિસ્ટ એટલે કે સરીશ્રુપ તજજ્ઞ બને અને કેરિયર બનાવે.
નાનપણથી જ બિનઝેરી સાપ સાથે રમે છે
દીકરી હજુ ચાલતા પણ નહોતી શીખી ત્યારથી જાણે કે સેલ વાળું રમકડુું હોય તે રીતે સાપ સાથે રમતી.જો કે તેને અજાણ્યા કોઇ પણ સાપ કે નાગ પકડવાની મેં સ્પષ્ટ મનાઇ કરી દીધી છે.હું સાથે હોઉં તો જ તેને સાપને કે નાગને અડવાની છૂટ મેં આપી છે. તે અનેક પ્રજાતિ ઓળખી શકે છે.રેસ્ક્યુ કરવા પણ જાય છે. તે સાપ પકડી લોકોને ભયમુક્ત કરી દે છે.