- પુત્રવધુને પંખે લટકતી જોઇ તેના સસરા દોડી આવ્યા હતા
ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં ગોપાલનગર સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષની પરિણીતાએ આજે સવારના સમયે પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. તે મહિલાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ આ મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પેથાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગરના પેથાપુરમાં આવેલી ગોપાલનગર સોસાયટીમાં રહેતા વિજયસિંહ વાઘેલાના ૧૧ વર્ષ પહેલાં નેહલબા સાથે લગ્ન થયા હતા. આ લગ્નજીવનથી તેમને બે બાળકોને જન્મ પણ આપ્યો હતો. વિજયસિંહ ગામમાં પાન પાર્લર ચલાવે છે. ત્યારે આજે સવારના સમયે નેહલબાએ કોઇ કારણોસર તેમના રૂમમાં પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. તે જ સમયે મહિલાના સસરાં કલ્યાણસિંહે પુત્રવધુને પંખે લટકતી જોઇને બુમા-બુમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, તેમજ નેહલબાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ આ ઘટના અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સિવિલ ખાતે પહોંચી હતી અને આ પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ આપઘાતનું કારણ જાણવા માટે મથામણ શરૂ કરી હતી.
રિપોર્ટર – તેજાજી ચૌહાણ