રાજકોટમાં એકના ડબલ કરવાની વિધિ કરી રૂ.11 લાખ લઇ ચાર શખ્શો ફરાર, મહિલા સહિત બે રોકડ સાથે પકડાયા

Views 181

રાજકોટમાં એકના ડબલ કરવાની વિધિ કરી રૂ.11 લાખ લઇ ચાર શખ્શો ફરાર, મહિલા સહિત બે રોકડ સાથે પકડાયા

     ગઠિયાઓ અવનવી લાલચ આપીને છેતરપિંડી આચરતા હોય છે આવી જ એક લાલચમાં આંગડિયા પેઢીનો કર્મચારી ફસાયો હતો, એકના ડબલ કરવાની વિધિના બહાને એક મહિલા સહિત ચાર શખ્સ કુવાડવા રોડ પર એક મકાનમાં આવ્યા હતા અને કર્મચારીએ રૂ.11 લાખ વિધિમાં મુક્યા હતા, થોડીવાર વિધિનો ઢોંગ કરી મહિલા સહિત ચારેય શખ્સ નાસી છૂટ્યા હતા, જોકે પોલીસે મહિલા સહિત બેને તમામ રોકડ સાથે ઝડપી લીધા હતા.

     રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અને સમૃદ્ધિ ભવનમાં આવેલી એસઆર આંગડિયા પેઢીમાં નોકરી કરતા પાટણના મેરવાડા ગામના વતની જોરૂભા જીવાજી દરબાર એકાદ વર્ષ પહેલા પોતાની કારમાં તેના વતનથી રાજકોટ આવતા હતા અને ચાણસના વડાવલી ગામે હોટેલે ચા પીવા ઊભા હતા ત્યારે વડાવલીના ભરત નામના શખ્સનો પરિચય થયો હતો અને ભરતે પોતાની પાસે એક સાધ્વી સહિતના લોકો છે જે એકના ડબલ પૈસા કરી આપે છે, જેતે વખતે જોરૂભાએ તેની વાતને ધ્યાને લીધી નહોતી, જોકે બાદમાં ભરત અવાર નવાર ફોન કરીને પૈસા ડબલ કરી દેવાની લાલચ આપતો હતો, સોમવારે રાત્રે ભરતે ફરીથી ફોન કર્યો હતો અને મંગળવારે તમારા ઘરે આવીને ડબલ કરી દેશું તેમ કહેતા જોરૂભા તેની જાળમાં ફસાઇ ગયા હતા અને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું.

     મોટી રકમ ડબલ થાય તો પોતાને વધારે પૈસા મળે તેવી લાલચમાં જોરૂભાએ મંગળવારે સવારે તેના શેઠને હોસ્પિટલના કામે પૈસાની જરૂર છે તેમ કહી રૂ.11 લાખ ઉછીના લીધા હતા અને ઘરે આવ્યો હતો, બપોરે બે વાગ્યે ભરત, શાંતુજી, સાધ્વીના સ્વાંગમાં રહેલી મહિલા એક કારમાં આવી પહોંચ્યા, કારચાલક કારમાં જ બેઠો હતો, ભરત સહિતના ત્રણેય શખ્સ મકાનના ઉપરના માળે રૂમમાં વિધિ કરાવવા ગયા હતા, થોડીવાર વિધિ કર્યા બાદ સાધ્વીના સ્વાંગમાં રહેલી મહિલાએ જેટલી રકમ ડબલ કરવી હોય તેટલી રકમ મુકવાનું કહેતા જોરૂભાએ રૂ.11 લાખ રોકડા મુક્યા હતા,

     ત્યારબાદ ફરીથી તે મહિલાએ વિધિનો ઢોંગ કર્યો હતો, બાદમાં મહિલાએ જોરૂભા, ભરત અને શાંતુજીને એક રૂમમાં જતા રહેવાનું કહેતા ત્રણેય રૂમમાં જતા જ મહિલાએ બહારથી બારણું બંધ કરી દીધું હતું અને રોકડ લઇ કારમાં બેસીને ભાગી ગઇ હતી, લાંબો સમય વિતવા છતાં બારણું નહીં ખૂલતા જોરૂભાઇએ રૂમની બારીમાંથી બહાર નીકળી તપાસ શરૂ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.

     તેમજ રૂમનું બારણું ખોલતા ભરત તથા શાંતુજી પણ તેની સાથે મહિલાની શોધમાં જોડાયા હતા, ઘટનાને પગલે પાડોશીઓ એકઠા થયા હતા ત્યારે ભીડનો લાભ લઇને ભરત તથા શાંતુજી પણ ભાગી ગયા હતા. બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.સી.વાળા સહિતની ટીમે ચોક્કસ લોકેશન મેળવી મહિલા અને કારચાલકને ઝડપી લઇ રૂ.11 લાખ કબજે કર્યા હતા. નાસી છૂટેલા ભરત અને શાંતુજીની શોધખોળ ચાલુ કરી છે.

                                                                                                                                                                                             અહેવાલ – ઈલા મારૂ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *