કાગળ પર દલાલીનું બળજબરીથી લખાવ્યું:રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પતિએ સોસાયટીના NOC માટે 1 લાખ માગી મકાનમાલિકને ધમકાવ્યો, વીડિયો વાઇરલ

Views 131

કાગળ પર દલાલીનું બળજબરીથી લખાવ્યું:રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પતિએ સોસાયટીના NOC માટે 1 લાખ માગી મકાનમાલિકને ધમકાવ્યો, વીડિયો વાઇરલ

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
                                                                                                       પ્રતિકાત્મક તસવીર
  • હોલમાં રૂ.20 હજારના 10 પંખા નખાવી દેવા પડશે તેમ કહી ધમકી આપી
  • નગરસેવિકાનો પતિ વોર્ડનો પ્રમુખ હોય મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચતા આગેવાનોમાં દોડધામ

     શહેરના વોર્ડ નં. 6ના ભાજપના કોર્પોરેટરના પતિએ પોતે જે સોસાયટીનો પ્રમુખ છે તે સોસાયટીના રહીશે મકાન વેચતા તેના એનઓસીના બદલામાં રૂ.1 લાખ માગી મકાનમાલિકને ધમકાવ્યો હતો, પૈસા વસૂલવા માટે ભાજપના આ આગેવાને મકાનમાલિકને ગાળો પણ ભાંડી હતી આ અંગેનો વીડિયો ફરતો થતાં ચકચાર મચી ગઇ હતી.

     શહેરના ઉપલાકાંઠા વિસ્તારના સંતકબીર રોડ પરની ભોજલરામ સોસાયટીમાં રહેતા દીપક જયંતીભાઇ ટુડિયા નામના યુવકે ભોજલરામ સોસાયટીમાં આવેલું પોતાનું મકાન રૂ.45 લાખમાં વેચવાનો સોદો નક્કી કર્યો હતો, મકાન ખરીદનારે સોસાયટીનું એનઓસી માગતા દીપક ટુડિયા સોસાયટીના પ્રમુખ ઘનશ્યામ હમીરભાઇ કુંગશિયા પાસે પહોંચ્યો હતો, ઘનશ્યામ વોર્ડ નં. 6નો ભાજપનો પ્રમુખ છે અને તેના પત્ની મંજુબેન આ વોર્ડના જ કોર્પોરેટર છે, દીપક ટુડિયાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના આગેવાન ઘનશ્યામ કુંગશિયાએ મને પૂછ્યા વગર મકાન કેમ વેચ્યું તેમ કહી એનઓસી જોઇતું હોય તો દલાલીના 2 ટકા એટલે કે રૂ.90 હજાર અને સોસાયટીના હોલમાં 10 પંખા નખાવી દેવાના તેના રૂ.20 હજાર મળી રૂ.1.10 લાખની માંગ કરી હતી,

     ઘનશ્યામ કુંગશિયાએ ધમકાવતા ડરી ગયેલા દીપકે જેતે સમયે પૈસા આપવાનો વાયદો કર્યો હતો અને ઘનશ્યામે પોતાના બચાવ માટે દીપકને ધમકાવીને સાદા કાગળમાં દલાલીના રૂપિયા આપવાના છે તેવું લખાણ પણ લખાવી લીધું હતું. સોસાયટીનું એનઓસી મળી જતાં મકાન વેચાઇ ગયું હતું, પરંતુ દીપકે પૈસા નહીં ચૂકવતા ભાજપના આગેવાન ઘનશ્યામે નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને દીપકને અનેક ફોન કરી પૈસાની માંગ કરી હતી અને જો પૈસા નહીં મળે તો જોઇ લેવાની પણ ધમકી આપતો હતો, દીપક અને મહિલા કોર્પોરેટરના પતિ તથા વોર્ડ પ્રમુખ ઘનશ્યામ વચ્ચે થયેલા વાર્તાલાપના અંશો અત્રે પ્રસ્તુત છે.

*હું ઘરે આવીને ધબધબાટી બોલાવીશ પછી કહેતો નહીં

દીપક: હ, ઘનશ્યામભાઇ

આગેવાન: તમે હવે આવવાના છો કે નહીં, મકાન ખરીદનારે કહ્યું કે પૈસા ચૂકવાઇ ગયા છે. તમે અને તમારા પપ્પા ટાઇમ આપ્યે રાખો છો.

દીપક: કાલે બેંક બંધ હતી, મારો મોબાઇલ બગડી ગયો હતો.

આગેવાન: મારે હવે લબડવાનું છે? તમારું કામ કરીને, એક દિવસની વાત થઇ હતી.

દીપક: તમે મને કેટલા ફોન કરીને ધમકી આપી અને ધમકાવીને દલાલીનું પરાણે લખાવ્યું.

આગેવાન: એટલે હવે તમારે શું છે? શેની ધમકી આપી

દીપક: બે ટકા દલાલીનું પરાણે લખાવી લીધું

આગેવાન: હા, એ તો બધું લખી દેવું પડે

દીપક: એ લખાણ વાળો કાગળ સહી કરીને મને પાછો આપી દેશોને?

આગેવાન: તું અહીં આવને એટલે બધું જ આપી દઉં.

દીપક: અત્યારે નહીં આવી શકું, સગાઇમાં ગયો છું.

આગેવાન: આવું તો તું મને કેટલાય સમયથી કહેશ, (ગાળો ભાંડે છે)

દીપક: ગાળો ન બોલાવાની હોય, હું પણ ભાજપનો કાર્યકર છું અને તમે પણ ભાજપના કાર્યકર છો.

આગેવાન: તું ક્યાં છો હું ત્યાં આવું અને જાહેરમાં વાત કરું.

દીપક: આવવાની શું વાત હોય, તમે ક્યો ત્યારે આવું જ છું.

આગેવાન: ક્યારે આવ્યો, (ગાળો ભાંડે છે) ગણતરી શું છે એ કેને એટલે ખબર પડે, મારો મગજ ઓવરલોડ વયો જશે તો ન થવાની થશે.

દીપક: ગાળો શું કામ આપો છો

આગેવાન: તમે ફિટ થઇ ગયા હતા એટલે બાપ દીકરો આવ્યા હતા

દીપક: તમે સંબંધમાં પણ એનઓસી તો આપોને, નિયમ મુજબ પણ આપવું પડેને તો પૈસા શેના?

આગેવાન: સંબંધની….તમે ક્યાં ફિટ થઇ ગયા હતા એ તો ખબર છેને (ગાળો ભાંડે છે) તું ક્યા છો હું આવું છું.

દીપક: હું સગાઇમાં છું કાલે પૈસા આપી દઇશ.

*મેં દલાલીના પૈસા જ માગ્યા’તા, મને બદનામ કરવાનો પ્રયાસ
ઘનશ્યામ કુંગશિયાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, દીપક ટુડિયાએ મકાન વેચવાનું હતું એટલે તે મારી પાસે આવ્યો હતો અને મકાન ખરીદનાર મારા સંબંધીને મકાન લેવું છે તેવી વાત કરી હતી, મકાનનો સોદો થઇ ગયો ત્યાં સુધી મને જાણ કરવામાં આવી નહોતી, અને મેં મકાનની દલાલીના પૈસા માગ્યા હતા, મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

                                                                                                                                                                                                 અહેવાલ – ઈલા મારૂ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *