ગાંધીનગર લૂંટ પ્રકરણ:ગર્લફ્રેન્ડના ખર્ચા પુરા કરવાં શખ્સોએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો, કોબા રોડ પર લૂંટ કરીને ઘરે પહોંચતા જ પોલીસે ઉઠાવી લીધા
- એક્ટિવા સવાર મહિલાઓને આંતરીને ચાલુ બાઈક ઉપર પર્સની લૂંટ કરી હતી
- પ્રથમ વખત લૂંટને અંજામ આપ્યો પણ ગણતરીનાં કલાકોમાં ઈન્ફોસિટી પોલીસે પગેરૂ શોધી કાઢ્યું
ગાંધીનગરના કોબા રોડ પરથી પસાર થતી એક્ટિવા સવાર મહિલાઓનો પીછો કરીને 20 હજારની મત્તા ભરેલું પર્સની લૂંટ કરનાર બાઈક સવાર ત્રણ લૂંટારૃને ઈન્ફોસિટી પોલીસે મધ્ય રાત્રિએ દિલધડક ઓપરેશન હાથ ધરીને માત્ર સાડા ત્રણ કલાકના ગાળામાં જ પગેરૂ મેળવીને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો. ત્યારે ગર્લફ્રેન્ડનાં ખર્ચા પૂરા કરવા માટે લૂંટારુઓએ લૂંટનો પ્લાન ઘડીને પ્રથમ વખત જ ઉક્ત સ્થળે લૂંટ કરીને ઘરે પહોંચ્યા હતા અને પોલીસે પહોંચી ગઈ હતી.
એક્ટિવા સવાર મહિલાઓને ટાર્ગેટ કરીગાંધીનગરના કોબા રોડ ઉપર નિધિ પેટ્રોલ પંપ સામેથી પસાર થતી એક્ટિવા સવાર બે મહિલાનો ગત બુધવારની સાંજના સમયે પીછો કરીને બાઈક સવાર ત્રણ લૂંટારૃઓ 20 હજારની મત્તા ભરેલા પર્સની તફડંચી કરીને ફરાર થઇ ગયા હતા. અચાનક લુટારુઓએ ચાલુ વાહને લૂંટ કરતા એક્ટિવા સવાર બન્ને મહિલા પડી જતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ થયો હતો.
કોબા રોડ પર લૂંટ કરી હતીગાંધીનગરના સેકટર – 27 શિવમ સોસાયટીમાં રહેતા શિખાબેન દિપકભાઈ કસારા તેમના નણંદ સંગીતાબેન સાથે ગત બુધવારે એક્ટિવા લઈને મણિનગર ગયા હતા. સંગીતાબેનના જૂના ઘરેથી જરૂરી સામાન લઈને તેમની દીકરીનું લિવિંગ સર્ટી સ્કૂલમાંથી લીધા પછી પરત ગાંધીનગર આવી રહ્યા હતા. એ વખતે શિખાબેને એક્ટિવા આગળ પર્સ રાખ્યું હતું. તેઓ કોબા સર્કલથી આગળ નિધિ પેટ્રોલ પંપ સામેના રોડ પર પહોંચતા પાછળથી બાઈક ઉપર ત્રણ લૂંટારૃઓ આવી પહોંચ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા ઈસમે અચાનક એક્ટિવામાં ભરાવેલું પર્સની તફડંચી કરી ગાંધીનગર તરફ ભાગ્યા હતા. જોકે, ચાલુ વાહને તફડંચી થઈ હોવા છતાં શિખાબેને પર્સ પકડી લીધું હતું. પરંતુ એકદમ ઝટકો આવતાં તેમના હાથમાંથી પર્સ છૂટી ગયું હતું અને એક્ટિવા પરથી કાબુ ગુમાવી દેતા તેઓ રોડ પર દસ ફૂટ સુધી ઘસડાયા હતા. જેનો લાભ લઈ લૂંટારુઓ નાસી ગયા હતા.
રિવર્સ સીસીટીવી ફુટેજ ફોર્મૂલા કામ લાગી હતીઆ બનાવની જાણ થતાં જ ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી જી રાઠોડ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને રિવર્સ સીસીટીવી ફુટેજ ફોર્મૂલા મુજબ એક પછી એક કેમેરા ચેક કરતાં ત્રણ ઈસમો નંબર પ્લેટ વિનાના FZ બાઈક પર જતાં નજરે ચડ્યા હતા. અંતે ગણતરીના કલાકોમાં સરદારનગર ગાર્ડન ગલી અનુરાગ નરેશકુમાર જેસવાની, મનીષ સુનીલકુમાર જોધાણી(માતૃભૂમિ સોસાયટી, કુબેર નગર) અને સાહિલ મહેશકુમાર હીરવાણીને (કુબેરનગર) ઉઠાવી લીધા હતા.
ગર્લફ્રેન્ડનાં ખર્ચા પૂરા કરવા માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતોઆ સમગ્ર ઓપરેશન માત્ર સાડા ત્રણ કલાકના સમયમાં પાર પાડનાર પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓનાં રિમાન્ડ દરમિયાન ગર્લફ્રેન્ડના ખર્ચા પૂરા કરવા માટે અનુરાગ જેસવાનીએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અને તેમાં તેના મિત્રો મનીષ અને સાહિલ પણ તૈયાર થઈ ગયા હતા. બાદમાં બાઈક ઉપર ત્રણેય જણાં શિકારની શોધમાં ગાંધીનગર તરફ આવ્યા હતા અને કોબા રોડ ઉપરથી પસાર થતી મહિલાઓને ટાર્ગેટ કરીને મોકો મળતાં જ લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટ કરી PDPU થઈ ચીલોડા ગયા હતાવધુમાં પીઆઈ રાઠોડે ઉમેર્યું હતું કે, લૂંટ કર્યા પછી ત્રણેય PDPU રોડ તરફ ઘૂસ્યા હતા. જ્યાંથી રાયસણ થઈ રાંદેસણ તરફથી ચીલોડા ગયા ગયા હતા. જ્યાં પર્સમાંથી રૂપિયા કાઢીને લઈ પર્સ ત્યાં જ ફેંકી દીધું હતું. ત્રણેયને એમ હતું કે, મોટી રકમ હાથમાં આવશે પણ પર્સમાં માત્ર 11 હજાર જ હતા. બાદમાં નરોડા થઈને સરદારનગર ઘરે પહોંચ્યા જ હતા અને પોલીસ પહોંચી ગઈ હતી. આ લોકો પાંચ છ હજારની છૂટક નોકરી કરે છે અને ગર્લફ્રેન્ડનાં શોખ પૂરા કરવા સમગ્ર લૂંટનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અહેવાલ – વિજયસિંહ દરબાર