બધે સેવામાં દોડાવાતા શિક્ષકોની ભરતી પણ આઉટસોર્સ કરાશે.
ખાનગી એજન્સીને બખ્ખાં માટે પ્રવાસી શિક્ષકોના વેતન બમણાં કરવાનું નક્કી થયું
રાજ્યની સ્કૂલોમાં 11 માસના કરાર આધારીત ભરાતાં પ્રવાસી શિક્ષકોના શોષણનો પણ તખતો તૈયાર થઈ ગયો છે. મોટાભાગની સરકારી કામગીરીમાં દોડતાં અને ઓછા વેતનમાં વિદ્યાર્થીઓને ભણાવતાં પ્રવાસી શિક્ષકોની ભરતીમાં પણ સરકારે હાથ અધ્ધર કરી દીધાં છે અને આ ભરતી પ્રક્રિયા આઉટસોર્સથી કરવાની તૈયારીઓ કરી દેવાઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. બીજી તરફ રાજ્યના શિક્ષણમંત્રીએ આગામી સમયમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરાશે તેવી જાહેરાત સાથે 27 હજારનું વેતન ચુકવાની જાહેરાત પણ આજે બુધવારે કરી છે. મહત્વની વાત તો એ છે કે, અત્યાર સુધી પ્રવાસી શિક્ષકોની વારંવાર રજૂઆતો છતાં વેતનમાં વધારો કરવામાં આવ્યો નહોતો અને હવે ખાનગી એજન્સીને બખ્ખાં કરાવવા માટે પ્રવાસી શિક્ષકોના વેતન બમણાં કરવાનું નક્કી કરાયું છે.
રાજ્યની સ્કૂલોમાં જ્યાં વિષય શિક્ષકોની ઘટ હોય ત્યાં 11 માસના કરાર આધારીત પ્રવાસી શિક્ષકોની દર વર્ષે ભરતી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે અડધા સત્ર પછી પણ ભરતીના કોઈ ઠેકાણા નથી. પ્રાથમિક શાળામાં અંદાજે 18 હજારથી વધુ તેમજ હાઈસ્કૂલમાં પણ 5 હજારથી વધુ શિક્ષકોની ઘટ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સંજોગોમા અનેક માગ થવા છતાં શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકની ભરતી કરી નથી. શિક્ષકની ભરતીની જાહેરાત વચ્ચે અનેક તર્ક વિતર્ક ઉભા કરતી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. મંત્રીએ જાહેર કર્યું છે કે, શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તે માટે આગામી સમયમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવશે. પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂ.27,000ની મર્યાદામાં આ શિક્ષકોને વેતન અપાશે અને દરરોજ આ શિક્ષકોએ 7 તાસ લેશે. જેની સામે શિક્ષણ નિષ્ણાંતોએ સવાલો ઉઠાવ્યાં છે કે, શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળકોના શિક્ષણકાર્યની આટલી જ ચિંતા થતી હતી તો અત્યાર સુધી શા માટે ભરતી કરાઈ નહી. બોર્ડની પરીક્ષામાં બેસવાના છે તે વિદ્યાર્થીઓનું અત્યાર સુધી શિક્ષણકાર્ય બગડયુ તેની કેમ ચિંતા કરવામાં આવી નથી. બીજુ કે શિક્ષકોના પગાર પંચ જે તેમના હકના હોય છે તે લાગુ કરવામાં શા માટે આટ આટલો વિલંબ કરવામાં આવતો હોય છે જ્યારે પ્રવાસી શિક્ષકોના વેતન અચાનક જ ડબલ કરી દેવાયાં. પ્રવાસી શિક્ષકોના વેતનમાં વર્ષ–2015માં શિક્ષણ વિભાગે જે ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો તેમાં પ્રાથમિક શિક્ષકની તાસ દીઠ રૂ.50 લેખે મહત્તમ રૂ.7,500, માધ્યમિક શિક્ષકને તાસ દીઠ રૂ.75 લેખે મહત્તમ રૂ.13,500 અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકને તાસ દીઠ રૂ.90 લેખે મહત્તમ વેતન રૂ.13,700 ચુકવવાનું નિયત કરાયું હતુ. હાલમાં જે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે તેની સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, પ્રાથમિકમાં રૂ.15,000, માધ્યમિકમાં રૂ.27,000 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં રૂ.27,400 વેતન ચુકવવામાં આવશે. હાલના નિયમ પ્રમાણે, પ્રવાસી શિક્ષકને વધુમા વધુ 6 તાસ લેવાની છુટ છે જેમા વધારો કરીને 7 તાસ લેવાની છુટ આપવામાં આવી છે. તાસ દીઠ જે મહેનતાણું વધારવાનું નક્કી કરાયુ છે તેમા પ્રાથમિકમાં રૂ.50ના બદલે રૂ.100, માધ્યમિકમાં 75ના બદલે 150 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 90ના બદલે રૂ.180 ચુકવાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમા પ્રવાસી શિક્ષકોના વેતનમાથી રવિવાર, જાહેર રજાના દિવસે પગાર કટ કરી દેવામાં આવતો હતો. ઉપરાંત પગાર ચુકવવામાં પણ ભારે વિલંબ કરવામાં આવતો હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. આ રજૂઆતો અને ફરિયાદોનો ઝડપથી ઉકેલ લાવવાની શિક્ષણ વિભાગે ક્યારેય તસ્દી લીધી નથી અને હવે આઉટ સોર્સ એજન્સીની ભરતીની કમાન સોંપવાની તૈયારીઓ કરી દેવાઈ છે ત્યારે પ્રવાસી શિક્ષકોના વેતન પણ ડબલ કરી દેવાયાં છે.
સરકાર જાહેર કરેલ વેતન સીધુ શિક્ષકના એકાઉન્ટમાં જમા થશે ખરું ?
સરકારના અન્ય વિભાગોમાં કે જ્યાં આઉટ સોર્સની ભરતી કરવામાં આવે છે ત્યાં મોટા પ્રમાણમાં શોષણ થતું હોવાની અવાર–નવાર ફરિયાદો ઉઠે છે. જેથી પ્રવાસી શિક્ષકોનું આ પ્રમાણે શોષણ ન થાય અને સરકારે જે વેતન આપવાની જાહેરાત કરી છે તે શિક્ષકના બેંક એકાઉન્ટમાં જમા થશે ખરી તેવા સવાલો ઉઠયાં છે. આ ઉપરાંત આઉટ સોર્સમાં બે–ત્રણ એજન્સીનું એક હથ્થુ સંચાલન ચાલી રહ્યુ છે એમ પ્રવાસી શિક્ષકોની ભરતીમાં પણ થઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે.