2020માં આત્મહત્યા મુદ્દે ગુજરાત દેશમાં 11મા ક્રમે : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,479
ગુજરાતમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો અને દારૂની લતના કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં 216 લોકોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં નશાની લતના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધવા માંડયું છે, વર્ષ 2018માં 64 લોકોએ આત્મહત્યા કરી હતી, એ પછીના વર્ષ 2019માં આ આંકડો વધીને 75 અને વર્ષ 2020માં 77ની આત્મહત્યા પોલીસ ચોપડે નોંધાઈ છે. દેશભરમાં વર્ષ 2020માં 9,169 લોકોએ આત્મહત્યા કરી છે, તેમ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયું છે. તાજેતરમાં જ ઉપરા છાપરી મોટા પાયે નશીલા પદાર્થો પકડાયાની ઘટનાઓ સામે આવી છે, સામે ચિંતા એ છે કે, નહિ પકડાયો હોય તેવા માદક પદાર્થોનો જથ્થો કેટલા મોટા પાયે બજારમાં ફરતો હશે, નશીલા દ્રવ્યો સામે લોકઝુંબેશની પણ જરૂર હોવાનું જાણકારો કહે છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, અસરગ્રસ્ત ક્ષેત્રોમાં નશામુક્તિ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે, નશાની લતના કારણે આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં 11મા ક્રમે છે, જ્યાં વર્ષ 2020માં 77 આત્મહત્યાની ઘટના બની છે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,479 આત્મહત્યાની ઘટના બની છે.