મહેસાણા જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં સ્વાઈન ફ્લુના ૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે ઊંઝા નજીકના ૪૨ વર્ષીય યુવકનું મોત થતા આરોગ્ય આલમમાં ખળભળાટ મચી ગયો છે. સ્વાઈન ફ્લુના સાતેય દર્દીઓ અમદાવાદની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લામાં મિશ્ર ઋતુ સહિતના કારણોસર સ્વાઈન ફ્લુ ફરી એકવાર સામે આવ્યો છે. અગાઉના ૩ જૂના કેસ બાદ છેલ્લા ૧૦ દિવસમાં વધુ ૭ દર્દીઓ ઉમેરાયા છે.
શંકાસ્પદ લક્ષણો જણાતા કુલ ૩૮ની તપાસકરવામાં આવ્યા બાદ મહેસાણા તાલુકામાં-૨,વિસનગરમાં-૧, વિજાપુર-૧, ઊંઝા-૧ અને કડી તાલુકામાં-૨ મળી કુલ ૭ કેસ સામે આવ્યા છે.
જેમાં ઊંઝા નજીક સુરપુરા ગામના ૪૨ વર્ષીય યુવકનું મોત થતા હડકંપ મચી ગયો છે. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સ્વાઈન ફ્લુના દર્દીઓ શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૃઆત બાદ સ્વાઈન ફ્લુના કારણે મૃત્યુ થયાનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
સ્વાઈન ફ્લુની મહેસાણા જિલ્લામાં સારવાર ઉપલબ્ધ છતાં બિમારીથી મોતના ડરને કારણે દર્દીઓ અમદાવાદ ખાતેની ઉચ્ચકક્ષાની હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યાનુ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસુ ઋતુ શરૃ થયા બાદ જોટાણા, કડી અને બેચરાજી તાલુકામાં ૧-૧ મળી સ્વાઈન ફ્લુના કુલ ત્રણ જૂના કેસ બાદ ૭નો ઉમેરાયા છે.