વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. એને લઇને આજે વડનગરમાં બંધ પાળવામાં આવ્યો છે. હીરાબાએ અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમશ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારીયાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ ગાંધીનગર સ્થિત રાયસણ ખાતે હીરાબાની અંતિમવિધિ કરવામાં આવી હતી.
વેપારીઓએ બંધ પાળ્યો
હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે. હીરાબાના અવસાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમનાં અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
સ્વજનો હીરા બાને આપી રહ્યા છે અંતિમવિદાય
હીરા બાના નિધન પર તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાબાના પિયર પક્ષના અને સાસરી પક્ષના સ્વજનો હાજર છે. તમામ સ્વજનો સ્તુતિ કરીને હીરાબાને અંતિમવિદાય આપી રહ્યા છે.
PM મોદીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત્ રહેશે
મોદી પરિવારે નાગરિકોને પોતાનું કાર્ય યથાવત્ રાખવા અપીલ કરી છે. બાને શ્રદ્ધાંજલિ આપતા પોતાનું કાર્ય યથાવત્ રાખવા મોદી પરિવારે અપીલ કરી છે. મોદી પરિવારે જણાવ્યું હતું કે અગાઉથી નક્કી આપનું કાર્ય યથાવત્ રાખશો, એ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ છે. જ્યારે PM મોદીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત્ રહેશે. PMO તરફથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં મુખ્ય કનેક્ટિવિટી-સંબંધિત પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.
મંગળવારે મોડી રાત્રે તબિયત બગડી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને નાદુરસ્ત તબિયત કારણે મંગળવારે મોડી રાત્રે યુ.એન.મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક-એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા