કેન્દ્ર સરકારના આંખ આડા કાન પર સુપ્રીમે કોરડો વિંઝયો, સ્વતંત્ર તપાસનો આદેશ
પેગાસસ જાસૂસીકાંડનું સત્ય શોધવા સુપ્રીમે પૂર્વ જજનાં નેતૃત્વમાં 6 નિષ્ણાતોની સમિતિ રચી
ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિ.ના ડૉ. નવીન ચૌધરીનો સમાવેશ
દેશમાં બહુચર્ચિત બનેલા પેગાસસ જાસૂસીકાંડમાં સુપ્રીમ કોર્ટે બુધવારે સ્વતંત્ર તપાસનો આદેશ આપતાં ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, સરકારે આ મામલામાં પોતાનું વલણ યોગ્ય ગણાવવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો નથી. સુપ્રીમ કોર્ટે સમિતિને અરજકર્તાઓ દ્વારા મુકાયેલા આરોપોની તપાસ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપી 8 સપ્તાહ બાદ સુનાવણી મુકરર કરી હતી. ઇઝરાયેલી કંપની એનએસઓ દ્વારા તૈયાર કરાયેલ સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરી જાસૂસીના મામલાને ગંભીરતાથી લેતાં ચીફ જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે જણાવ્યું હતું કે, નિષ્ણાતોની સમિતિ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરશે. નાગરિકોના રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન ગંભીર બાબત છે. ભારતીયોની જાસૂસીમાં વિદેશી એજન્સીની સંડોવણી પણ ગંભીર ચિંતાનો વિષય છે.
સરકાર હંમેશાં પોતાના બચાવ માટે યોગ્ય જવાબ આપવાને બદલે રાષ્ટ્રીય સુરક્ષાની જ દલીલો કર્યા કરે છે. અદાલત જ્યારે ન્યાયિક સમીક્ષા કરતી હોય તે દરેક કિસ્સામાં રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર દલીલ રજૂ કરીને સરકાર છટકી શકે નહીં. રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ વ્યક્ત કરીને સરકાર કાયમ ફ્રી પાસ મેળવી શકે નહીં. કેન્દ્ર સરકારે અદાલતને મૂકદર્શક માની લેવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દેશના નાગરિકોની પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી થઇ હોવાના મામલામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઇ ચોક્કસ ઇનકાર કરાયો નથી. તેથી આ મામલાની સ્વતંત્ર તપાસ કરાવવા સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.
પેગાસસ સ્પાયવેર દ્વારા ભારતીય નાગરિકોના ડેટા મેળવવા, વાતચીત સાંભળવા, ચેટની માહિતી મેળવવા તેમના ફોનની જાસૂસી કરાઇ કે કેમ તેની તપાસ આ પ્રકારના સ્પાયવેર એટેકના કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકોની વિગતો પેગાસસનો ઉપયોગ કરીે ભારતીય નાગરિકોના વોટ્સએપ એકાઉન્ટ હેક કરાયા હોવાના અહેવાલો વર્ષ 2019માં પ્રસિદ્ધ થયા બાદ કેન્દ્ર સરકારે કેવા પગલાં લીધાં ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કોઇ કેન્દ્રીય અથવા રાજ્યની એજન્સી દ્વારા પેગાસસ સ્પાયવેરની ખરીદી કરાઇ છે? જો પેગાસસ સ્પાયવેર દ્વારા કોઇ નાગરિકની જાસૂસી કરાઇ છે તો તે કયા કાયદા અંતર્ગત કરાઇ તેની માહિતી દેશની કોઇ સંસ્થાએ કે વ્યક્તિએ નાગરિકો પર જાસૂસી કરી? શું તેને અધિકૃત કરાઇ હતી?
સુપ્રીમ કોર્ટના જાસૂસી મામલે મહત્ત્વનાં અવલોકનો આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ પુરાવા આધારિત હોવો જોઇએ
બંધારણ અંતર્ગત કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અંતર્ગત જ જાસૂસી કરી શકાય
કાયદા દ્વારા સંચાલિત લોકતાંત્રિક દેશમાં નાગરિકોની બેફામ જાસૂસી કરી શકાય નહીં
આ પ્રકારની જાસૂસીથી નાગરિકના રાઇટ ટુ પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન થાય છે
પોતાની જાસૂસી થઇ રહી છે તેવા ભયને કારણે પોતાાના અધિકારનો કેવી રીતે ઉપયોગ કરવો તે નાગરિક નક્કી કરી શકતો નથી
મીડિયાની સ્વતંત્રતાની વાત આવે છે ત્યારે જાસૂસી ચોક્કસ ચિંતા ઉપજાવે છે
મીડિયાની જાસૂસી એ વાણી સ્વાતંત્ર્ય પર ગંભીર અસર કરે છે
કોની જાસૂસી થઈ હોવાના આરોપ
ફ્રાન્સની ફોરબિડન સ્ટોરીઝ દ્વારા જાહેર કરાયેલા લિસ્ટ પ્રમાણે ભારતના 161 લોકોની જાસૂસી કરાઇ
રાજકીય નેતાઓ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, અભિષેક બેનરજી, પ્રહલાદ પટેલ, અશ્વિની વૈષ્ણવ, પ્રવીણ તોગડિયા સહિત 14ના નામ અધિકારીઓમાં પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, પૂર્વ સીબીઆઇ પ્રમુખ આલોક વર્મા, રાકેશ અસ્થાના, રાકેશ શર્મા એક્ટિવિસ્ટ રોના વિલ્સન, આનંત તેલતુંબડે, શોમા સેન, ગૌતમ નવલખા સહિત 40 નામ બિઝનેસમેનની યાદીમાં અનિલ અંબાણી, દલાઇ લામાના સંખ્યાબંધ અનુયાયીઓ પણ સામેલ પત્રકારોમાં એમ કે વેણુ, સિદ્ધાર્થ વરદરાજન, સુશાંતસિંહ, શિશિર ગુપ્તા, વિજેતા સિંહ સહિત 29 નામ
રાઇટ ટુ પ્રાઇવસીના રક્ષણ માટે નવો કાયદો ઘડવા , સાઇબર સિક્યુરિટી વધારવા, સરકારી અને બિનસરકરી સંસ્થાઓ દ્વારા રાઇટ ટુ પ્રાઇવસીના અધિકાર પર આક્રમણ, ગેરકાયદેસર જાસૂસી થતી હોવાની ફરિયાદ કરવાની વ્યવસ્થા અંગે ભલામણ કરશે.
