સયાજીગંજ પોલીસ સ્ટેશનની નજીકમાં જ ડ્રગ્સ બનાવવાનું યુનિટ ધમધમતું હતું

Views 41

સિંધરોટ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, ૯ દિવસના રિમાન્ડ મંજૂર, સયાજીગંજના યુનિટમાં પાંચ કરોડનું ડ્રગ્સ મુંબઇ સપ્લાય થયું હતું

વડોદરા : સિંધરોટ ગામના ખેતરમાં અમદાવાદ એટીએસએ દરોડો પાડીને નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી અને આ કેસમાં અગાઉ એટીએસ ૬ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. આરોપીઓની પુછપરછ દરમિયાન એવી હકિકત પણ સામે આવી છે કે માત્ર સિંધરોટના ખેતરમાં જ નહી પરંતુ વડોદરાના મધ્યમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની નજીકમાં જ ડ્રગ્સ બનાવવાનું યુનિટ ધમધમતું હતું અને પોલીસને ગંધ પણ આવી નહી.

અગાઉ પકડાયેલા આરોપીઓ સૌમીલ સુરેશચન્દ્ર પાઠક, શૈલૈષ ગોવિંદભાઇ કટારીયા, વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઇ નિજામામાંછી અને ભરત ભીખાભાઇ ચાવડા પાસેથી એટીએસએ માહિતી ઓકાવી હતી કે આરોપીઓએ રાજુ કૃપાગીરી રાજપુત (ઉ.૫૧, રહે. પાયલ કોમ્પ્લેક્સ, વાકળ સેવા કેન્દ્રની સામે, સયાજીગંજ)ની ભાગીદારીમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રૃમ નં. ૫૦૩માં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું યુનિટ ઉભુ કર્યુ હતું અને અંદાજે ૫૦ કિલો ડ્રગ્સ બનાવીને યોગેશ નંદકિશોર તડવી (ઉ.૩૩, રહે.વિશ્વામિત્રી ટાઉનશીપ, વિશ્વામિત્રી બ્રિજ પાસે, માંજલપુર) તથા અનિકલ રામજીભાઇ પરમાર (ઉ.૩૩, રહે.વણકરવાસ, કરજણ રોડ, પાદરા)મારફતે મુંબઇના અંધેરી વિસ્તારમાં અયમાન નામના શખ્સને ડિલિવરી કરી હતી અને અયમાને તે પેટે રમેશ અંબાલાલ નામના આંગડીયા મારફતે ટુકડે ટુકડે કુલ રૃ .૪.૮૬ કરોડ મોકલાવ્યા હતા.

એટીએસએ બુધવારે રાજુ કૃપાગીરી રાજપુત, યોગેશ નંદકિશોર તડવી અને અનિલ રામજીભાઇ પરમારની ધરપકડ કરીને આજે વડોદરા એનડીપીએસ કોર્ટમાં રજૂ કર્યા હતા. સરકારી વકીલ અનિલ દેસાઇએ આ ત્રણ આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ માટેની માગ સાથે સજ્જડ પુરાવાઓ સાથે દલીલો કરી હતી. આ દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ડ્રગ્સ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર

રાજુ કૃપાગીરી રાજપુતની અગાઉ ૩ વખત વિદેશી દારૃના કેસમાં સયાજીગંજ પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી અને બે વખત પાસા હેઠળ પણ અટકાયત થઇ હતી

યોગેશ નંદકિશોર તડવીની અગાઉ વાડી પોલીસ સ્ટેશનમાં જુગાર રમવાના કેસમાં પકડાયેલ છે.

અનિલ રામજીભાઇ પરમારની અગાઉ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૃના કેસમાં તેમજ સાત મહિના પહેલા વડોદરા જે.પી.પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં ધરપકડ થઇ હતી ઉપરાંત તેની સામે ચેક રિટર્નના છ કેસો વડોદરા અને ડભોઇ કોર્ટમાં ચાલી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *