વોશિંગ્ટનમાં પાકિસ્તાન એમ્બેસી વેચવામાં આવશે:બે દુશ્મનોએ સૌથી વધુ બોલી લગાવી, પ્રથમ દેશ ઇઝરાયેલ અને બીજો ભારત

Views 49

વોશિંગ્ટનમાં સ્થિત પાકિસ્તાનના દૂતાવાસનો મોટો ભાગ વેચાવા જઈ રહ્યો છે. આ માટે બિડ પ્રોસેસ એટલે કે હરાજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે એમ્બેસીના ડિફેન્સ સેક્શનને ખરીદવા માટે જે બે સૌથી મોટી બોલી લાગી છે, તે બંને પાકિસ્તાનના દુશ્મન દેશો છે. આ બે દેશો છે ઈઝરાયેલ અને ભારત.

ઈઝરાયેલના યહૂદી ગ્રુપે 6.8 મિલિયન ડોલરની બોલી લગાવી છે. તો બીજી સૌથી મોટી બોલી લગાવનાર ભારતીય છે. તેણે 50 લાખ ડોલરમાં આ બિલ્ડિંગ ખરીદવાની ઓફર કરી છે.

જે વધુ પૈસા આપશે, તેને મળશે બિલ્ડિંગ
પાકિસ્તાન એમ્બેસીની બિલ્ડિંગ વેચવાના અહેવાલનો ખુલાસો ન્યૂઝપેપર ‘ધ ડોન’ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે એમ્બેસીના અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટ પબ્લિશ કરી છે. એક અધિકારીએ કહ્યું- એક યહૂદી, એક ભારતીય સિવાય ત્રીજી બોલી પાકિસ્તાની મૂળના વ્યક્તિએ 4 મિલિયન ડોલરમાં લગાવી છે. અમે સૌથી વધુ બોલી લગાવનારને બિલ્ડિંગ વેચીશું. આમ પણ હરાજીમાં આ જ પ્રોસેસ અપનાવવામાં આવે છે. ખરીદનાર કોણ છે અને આ મિલકત ખરીદવા પાછળ તેનો હેતુ શું છે તે અંગે અમારે ચિંતા ના કરવી જોઈએ.

યહૂદી ગ્રુપ પૂજાસ્થળ બનાવશે
રિપોર્ટમાં એક અન્ય અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો યહૂદી ગ્રુપ આ એમ્બેસીને ખરીદે છે તો તે અહીં પૂજાસ્થળ એટલે કે સિનેગોગ બનાવશે. આ સારી બાબત છે કારણ કે તે ગુડવિલ પેદા કરશે. થોડા દિવસો પહેલા, ‘ધ ડોન’ એ સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો કે નાદારીની આરે ઉભેલા પાકિસ્તાન હવે તેની તમામ મિલકતો, ખાસ કરીને દૂતાવાસો અન્ય દેશોમાં વેચી શકે છે.

એમ્બેસીનો જે વિભાગ વેચાઈ રહ્યો છે તે લગભગ 20 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ ડિફેન્સ સેક્શન એટલે કે પાકિસ્તાન આર્મીની ઓફિસ તરીકે થતો હતો. પાકિસ્તાન સરકારની બીજી પ્રોપર્ટી રૂઝવેલ્ટ હાઉસને પણ વેચવાની તૈયારી છે. નાણામંત્રી ઈશહાક ડાર મીડિયા સામે પણ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે.

પાકિસ્તાનના કેટલાક અધિકારીઓ આ મામલે સફાઈ આપતા કહે છે – આ ઇમારત જૂની છે. બે રસ્તા છે. કાં તો અમે તેને રિનોવેશન પાછળ ખર્ચ કરીએ અથવા તેને વેચી દઈએ. રિપોર્ટ અનુસાર- કેટલાક લોકો સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે નવી અને જૂની બંને એમ્બેસી વેંચાઈ રહી છે.

ઈઝરાયેલ અને ભારત સાથે દુશ્મની

  • એક દેશ તરીકે ઈઝરાયેલ 1948માં અસ્તિત્વમાં આવ્યું. પાકિસ્તાન એક વર્ષ પહેલા એટલે કે 1947માં અસ્તિત્વમાં આવ્યું. પાકિસ્તાને હજુ સુધી ઈઝરાયેલને માન્યતા આપી નથી. તેનું કહેવું છે કે ઈઝરાયલે ફિલિસ્તાન અને મુસ્લિમો પર ઘણા અત્યાચાર કર્યા છે.
  • ગત વર્ષે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે – એક મિત્ર દેશ મારા પર ઈઝરાયેલને માન્યતા આપવા માટે ભારે દબાણ કરી રહ્યો છે, પરંતુ મારું હૃદય તેને મંજૂરી આપતું નથી. જો કે ખાને તે દેશનું નામ જણાવ્યું નહોતું. પાકિસ્તાનીઓ હજુ પણ યહૂદીઓને નફરત કરે છે અને તેમના ફિલિસ્તાન ભાઈ-બહેનોને પ્રેમ કરે છે.
  • ચોંકાવનારી વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં અમેરિકાએ અબ્રાહમ એકોર્ડ રજૂ કર્યો હતો. આ અંતર્ગત UAE, બહરીન, ઓમાન અને જોર્ડન સહિત પાંચ આરબ દેશોએ ઈઝરાયેલને માન્યતા આપી હતી. હવે આ બધાના સંબંધ દરેક રીતે મજબૂત થઈ રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે 2023માં કોઈપણ સમયે સાઉદી અરેબિયા પણ ઈઝરાયેલને માન્યતા આપી શકે છે.
  • બીજી બાજુ ભારત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને આતંકવાદ સહિતના અનેક મુદ્દે મતભેદ છે. LOC પર ફાયરિંગ લગભગ એક વર્ષથી બંધ છે, પરંતુ વાતચીત પણ થઈ રહી નથી.

મુશ્કેલીમાં દૂર થઈ ગયા મિત્રો

  • પાકિસ્તાન પાસે હાલમાં માત્ર 6.7 અબજ ડોલરનું વિદેશી ભંડાર છે. જેના કારણે આયાત માત્ર ત્રણ સપ્તાહ માટે જ થઈ શકશે. જૂની લોનના હપ્તા પણ ભરી શકાતા નથી. નાણામંત્રી ઈશહાક ડારે નવેમ્બરમાં કહ્યું હતું કે ચીન અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટૂંક સમયમાં 13 અબજ ડોલરની નવી લોન આપશે. તે આજ સુધી મળી નથી અને બંને દેશો મૌન છે.
  • ચીન એક ડગલું આગળ વધી ગયું છે. તેણે પાકિસ્તાનને નવી લોન તો આપી નહીં, તેનાથી વિપરીત શાહબાઝ શરીફ પાસે જૂની લોનનો 1.3 અજબ ડોલરનો હપ્તો માગી લીધો.
  • પાકિસ્તાન પાસે હાલમાં માત્ર 6.7 અબજ ડોલરનું વિદેશી ભંડાર અથવા ફોરેક્સ રિઝર્વ છે. તેમાંથી 2.5 અબજ ડોલર સાઉદી અરેબિયા, 1.5 અબજ ડોલર UAE અને 2 અબજ ડોલર ચીનના છે. આ ભંડોળ સિક્યોરિટી ડિપોઝિટ છે, એટલે કે શાહબાઝ શરીફ સરકાર તેનો ખર્ચ કરી શકતી નથી. બીજી વાત, સાઉદી અને UAE 36 કલાકની નોટિસ પર આ પૈસા પરત લઈ શકે છે. 2019માં પણ પાકિસ્તાનનું ફોરેન રિઝર્વ આટલું જ હતું.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *