વાઘોડિયા રોડની પરિણીતાની માતાને SSG હૉસ્પિટલમાં દાખલ કરતાં ડૉ. મિતુલ સારવાર કરતો હતો
ડૉ.મિતુલે પરિણીતાને ગર્ભવતી બનાવ્યા બાદ દબાણ કરી બાળકને જન્મ અપાવ્યો
બાળકના જન્મના પ્રમાણપત્રમાં પણ પિતા તરીકે ડૉ. મિતુલનું નામ લખાવાયું.
વાઘોડિયા રોડની 27 વર્ષિય પરણીતાને એમડીના ત્રીજા વર્ષમાં ભણતા સયાજી હોસ્પિટલના રેસીડેન્ટ ડૉક્ટરે પ્રેમ જાળમાં ફસાવી વારંવાર તેની સાથે શારીરીક સબંધ બાંધી એક બાળકની માતા બનાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા તબીબી આલમમાં ચકચાર મચી છે. ડૉ. મિતુલની સાથે તેના કાકા અને બહેન – બનેવી વિરુદ્વ પણ જાતિય વિરુદ્વ અપમાનજક શબ્દો કહેવાની એટ્રોસિટીની કલમો લગાવાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, ડૉ.મિતુલ થકી પરણીતાએ જે બાળકને જન્મ આપ્યો હતો તેના પ્રમાણપત્રમાં પણ પિતા તરીકે ડૉ. મિતુલનું નામ લખાવ્યું હતું.

વાઘોડિયા રોડની અનુસુચિત જાતિની એક 27 વર્ષની યુવતીના વર્ષ 2014માં પટેલ યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતિને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. દરમિયાન સપ્ટેમ્બર 2018માં પરણીતાની માતાને અસ્થમાની બીમારી થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે વખતે મૂળ જૂનાગઢના અને વડોદરા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં ઈન્ટર્ની ડૉ. મિતુલ અરવિંદભાઈ ભાલોડિયા તેની માતાની સારવાર કરતા હતા. આરોપી ડૉ. મિતુલ ફરજ દરમિયાન તથા ફરજ વગર પણ પરિણીતાના આસપાસ રહેતા હતા. ત્યારબાદ પરિણીતા અને ડૉ. મિતુલ વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. ડૉ. મિતુલે પરણીતાનો મોબાઈલ નંબર મેળવી વાતચીત શરૂ કરી હતી.
જેમાં ડૉ. મિતુલે પરિણીતાને કહ્યું કે, તમારે તમારા પતિ સાથે બનતું નથી, હું તમને પ્રેમ કરું છું, ડૉ.નીલમ તારી પાસે મોબાઈલ નંબર માંગે તો તું બીજો નંબર આપજે, આપણે વાતો કરીએ છે, તે નંબર આપતી નહીં. ડૉ. મિતુલ કામ છે તેમ કહી અવારનવાર પરિણીતાને કમાટીબાગ ખાતે મળવા બોલાવતો હતો. એપ્રિલ-2019માં પરિણીતાની તબિયત બગડતાં ડૉ.મિતુલે તેના પતિને વાત કરી સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. તે વખતે પરિણીતાનું કેસ પેપરમાં સાચા નામની જગ્યાએ ખોટુ નામ લખ્યું હતું.
ત્યારબાદ ડૉ. મિતુલે પરિણીતાના પતિને કહ્યું કે, તમારી પત્નીને સ્વાઈન ફ્લુના લક્ષણો છે, તમારા ઘરના કોઈ સભ્યો દવાખાને આવશો નહીં, નહીં તો આખા ઘરને ચેપ લાગશે. તે પછી પરિણીતાને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કર્યા બાદ ડૉ. મિતુલ તેને આર.એમ.ઓ. હોસ્ટેલના રૂમ નં.80માં લઈ ગયો હતો. જ્યાં ડૉ. મિતુલે પરિણીતા સાથે શરીર સબંધ બાંધ્યા હતા. જેને લઈ પરણીતા પ્રેગ્નેટ થઈ હતી. જેની જાણ ડૉ. મિતુલને થતાં તેણે ગર્ભપાત કરાવીશ તો તારા પતિને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તેમજ પીજી છોડીને પરિણીતા તથા આવનાર બાળકને દુર લઈ જવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો.